૧૯મા યુવા મહોત્સવનો પ્રારંભ
કલેક્ટર સહિતના મહાનુભવો રહ્યા હાજર
ભુજ : દરેક યુવાનમાં આગવી પ્રતિભા હોય છે. જો યુવા પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે તો યુવાનો પોતાનું કૌવત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી બતાવી શકે છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા યુવાનોને આવો જ એક પ્લેટફોર્મ પુરૂ પાડવા યુવા મહોત્સવરૂપી આયોજનો કરવામાં આવે છે તેવું કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલે ૧૯મા યુવા મહોત્સવના પ્રારંભ પ્રસંગે જણાવ્યું હતું. ભુજની મુક્ત જીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના ૧૯મા યુવા મહોત્સવનો શુક્રવારે પ્રારંભ થયો હતો. કુલપતિ ડો. મોહન પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, યુવા મહોત્સવમાં જુદી જુદી ર૯ ઈવેન્ટમાં કુલ ૧૧૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લઈ રહ્યા છે. જેમાં કલાયાત્રા, સંગીત, નાટ્ય, લલીત કલા સર્જનાત્મક, નૃત્ય, ફુડ વગેરેની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાની આગવી પ્રતિભા તેના માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, યુવાનોને પ્રોત્સાહિત કરવાથી યુવાનોને જ નહી, પરંતુ દેશને પણ યુવાનોના કૌશલ્યનો લાભ મળે છે. વિવિધ હરીફાઈઓના માધ્યમથી યુવાનોને મળતો અનુભવ તેમની કારકિર્દીના ઘડતરમાં પણ લાભદાયક રહે છે. યુવા મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે મુક્તજીવન મહિલા કોલેજના ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણી, કુલ સચિવ ડો. અનિલ ગોર, સંયોજક ડો. આર.વી.બસિયા, સહ સંયોજક ડો.હિના ગંગર, ડો. કાશ્મિરા મહેતા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
---------

Comments