કચ્છના ધોરીમાર્ગો પર બેફામ દોડતા ઓવરલોડ વાહનોરૂપી દૈત્યને નાથવામાં તંત્ર વામણું પૂરવાર
કાયદાના રક્ષકોના હાથે બંધાયેલી ભ્રષ્ટાચારરૂપી બેડીઓના પાપે
ઔદ્યોગિક અને બંદરીય વિકાસથી ધમધમતા સરહદી જિલ્લામાં ઓવરલોડ પરિવહને ધારણ કર્યું ગંભીર રૂપ : સ્થાનિક પરિવહન અને માર્ગ સુરક્ષા માટે જોખમરૂપ બનેલા દુષણને અટકાવવામાં આરટીઓ અને પોલીસ તંત્રની નિષ્ક્રીયતા સામે ભભૂકી રહ્યો છે આક્રોશ
ખનિજ સંપદાથી સમૃદ્ધ કચ્છમાં મોટા ભાગની ખનિજનું પરિવહન ઓવરલોડ થતું હોવાની સમયાંતરે ઉઠતી રહી છે ફરિયાદ : નમક પરિવહનમાં પણ નિયમોનો ઉડે છે સરેઆમ છેદ
કંડલા, મુન્દ્રા, માંડવી, ભચાઉ, સામખિયાળીથી લખપત, અબડાસા કે ખાવડા સુધીના પટ્ટામાં દોડતા ઓવરલોડ દૈત્યો આરટીઓ અને પોલીસ તંત્રના કમાઉ સંતાન : ઓવરલોડ વાહનોની સતત અવરજવરના કારણે માર્ગોની હાલત કથળી : ઓવરલોડ વાહનોના કારણે ક્ષતિગ્રસ્ત બનેલા રસ્તાઓ પર અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે
રસ્તાઓ પર દોડતા ઓવરલોડ વાહનો કચ્છની જનતાને દેખાય છે, પણ તેને અટકાવવાની જવાબદારી જેના શિરે છે તેવા તંત્રના અધિકારીઓને કેમ નહીં ? : કચ્છીજનોનો વેધક સવાલ
ભુજ : ઔદ્યોગિક અને બંદરિય વિકાસથી ધમધમતા રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લામાં ઓવરલોડ વાહનોની સમસ્યા ગંભીરરૂપ ધારણ કરી રહી છે. કચ્છ જિલ્લાના ધોરીમાર્ગો પર બેફામ દોડતા ઓવરલોડ વાહનોના કારણે માર્ગ સુરક્ષા, વાહન વ્યવહાર વ્યવસ્થા અને સ્થાનિક પરિવહનને વિપરીત અસર થઈ રહી છે. ઓવરલોડના દુષણને અટકાવવામાં આરટીઓ અને પોલીસ તંત્રની નિષ્ક્રીયતા સામે ભારે આક્રોશ ભભૂકી રહ્યો છે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા બે દસક દરમ્યાન કચ્છ જિલ્લામાં થયેલા બંદરિય અને ઔદ્યોગિક વિકાસના પગલે જિલ્લાના માર્ગો પર અતિભારે વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત અનેકવિધ પ્રકારની ખનિજ સંંપત્તિઓ કચ્છના પેટાળમાંથી મળી આવે છે. ખનિજના પરિવહનમાં પણ ઓવરલોડનું દુષણ વ્યાપક બન્યું છે. આ ઉપરાંત દેશમાં નમકનું સૌથી વધુ ઉત્પાદન કરતા ક્ષેત્રમાં કચ્છ મોખરાના સ્થાને છે. નમક પરિવહનમાં પણ ઓવરલોડની સમસ્યા કચ્છવાસીઓની પરેશાનીનું કારણ બની છે.જિલ્લાના ધોરીમાર્ગો પર બેફામ દોડતા ઓવરલોડ વાહનો આરટીઓ અને પોલીસ તંત્ર માટે કમાઉ દીકરો સાબિત થઈ રહ્યા છે. વાણિજ્ય પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે, ક્ષમતાથી વધુ વજનનું પરિવહન કરતા કોમર્શિયલ વાહનો થકી આરટીઓ અને પોલીસ તંત્રને મોટી આવક થાય છે. માર્ગો પર યમદૂત બનીને દોડતા ઓવરલોડ વાહનો સામે જવાબદાર તંત્રો દ્વારા ભાગ્યે જ કાર્યવાહી થતી હોય છે. હાલ તો ખનીજ તંત્ર મોટા ભાગે ખાણ ધારકોના એટીઆર બંધ કરી દીધા છે જેના લાભ લઈ ગેરકાયદેસર ખનન શરૂ થઈ ગયો છે, જે મેાટા ભાગે ઓવરલોડ જ હોય છે. કચ્છ જિલ્લામાં ઓવરલોડ વાહનોના દુષણ સામે સમયાંતરે ફરિયાદો ઉઠતી રહે છે. જ્યારે કોઈ ઓવરલોડ વાહન જીવલેણ અકસ્માતનું કારણ બને ત્યારે થોડા દિવસો સુધી તંત્ર સક્રિય બની કાયદાનો દંડો ઉગમો છે, પરંતુ સમય જતાં ફરી રાબેતા મુજબની જ રફતાર થઈ જાય છે. કચ્છમાં બે મહાબંદરો મુંદરા અને કંડલા ઉપરાંત અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં ભારે વાહનોનું પરિવહન ર૪ કલાક ચાલુ રહે છે. છેલ્લા થોડા વર્ષોથી જિલ્લામાં ઓવરલોડ ટ્રક-ટ્રેલરોની સંખ્યા ખૂબ વધી છે. ખાસ કરીને રેતી, કાંકરી, પથ્થર જેવા ખનિજ, નમક, સિમેન્ટ વગેરેના પરિવહનમાં ઓવરલોડનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે.
ઓવરલોડ વાહનોની સતત અવરજવરના કારણે જિલ્લાના મોટા ભાગના રસ્તાઓની હાલત કથળી છે. ભારે વાહનોની સતત અવરજવરથી રસ્તાઓમાં ગાબડા, ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની છે. માતેલા સાંઢની જેમ દોડતા ઓવરલોડ વાહનો નાના વાહનો માટે અકસ્માતનું કારણ બનતા રહ્યા છે. ઓવરલોડ વાહનોના પાપે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને કારણે પણ અકસ્માતનું પ્રમાણ વધ્યું છે, પરંતુ ઓવરલોડ પરિવહન કરતા વાહન માલિકો તંત્રને હપ્તા રૂપે મોટી રકમ ધરી દઈ રસ્તાઓ પર ઓવરલોડ પરિવહન કરવાની પરવાનગી મળી હોય તેમ પોતાના વાહનો દોડાવી રહ્યા છે.
લોખંડ, સિમેન્ટ, રેતી, કપચી, નમક ઉપરાંત અનેક ઔદ્યોગિક માલનું પરિવહન મોટા ભાગે ઓવરલોડ થાય છે. વાહન ચેકપોસ્ટ પરથી કડક દેખરેખના અભાવે વાહનો બિન્દાસ્ત પસાર થઈ રહ્યા છે. કચ્છની જનતાને રસ્તા પર દોડતા ઓવરલોડ વાહનો દેખાય છે, પરંતુ આ દૈત્યને અટકાવવાની જવાબદારી જેના શિરે રહેલી છે તેવા તંત્રને તે કેમ દેખાતું નથી તેવો વેધક સવાલ ઉઠી રહ્યો છે. કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળીથી માંડી ઠેઠ અબડાસા, લખપત અને ખાવડા સુધીના રસ્તાઓ પર ઓવરલોડ વાહનો બેફામ દોડી રહ્યા છે. કાયદાના કોઈ ભય વગર બેફામ દોડતા વાહનો સામે કાર્યવાહી કરવામાં તંત્ર વામણું પૂરવાર થઈ રહ્યુંં છે.

Comments