તહેવારો ટાંકણે કચ્છ કાંઠે નાપાક હલચલને હળવાશથી ન લેવાય : એજન્સી સંકલન વધારે-ગાફેલ ન રહે.!
કાશ્મીરથી આવેલા યુવાન ખાવડા સરહદ સુધી પહોચ્યો જ કેવી રીતે?
મોટી મોટી ચૂંટણીઓ કે પછી મોટા ધાર્મિક તહેવારો ટાંકણે નાપાક મુલક છાના અટકચાળઓ કરવા હોય છે સદાય તત્પર : અસ્થિર મગજનો યુવાન એ કોઈ રેકી પ્રક્રીયાનો ભાગ નો નથી ને?
પાકિસ્તાનની આલિયાને મળવા માટે ઈમ્તિયાઝ છેક કાશ્મીરથી ખાવડા સુધી પહોંચ્યો
બોર્ડર ક્રોસ કરીને તેની પ્રેમિકાને મળવા ઇચ્છતા યુવકને ખાવડા પોલીસે પૂછપરછ કરી : સુરક્ષા એજન્સીઓ પણ તપાસ કરી
ભુજઃ દેશમાં જયારે જયારે કોઈ મોટી ચુંટણીઓ હોય કે પછી મોટા મેાટા ધાર્મિક પર્વો-તહેવારો આવતા હોય ત્યારે સામેપારથી કોઈને કોઈ છાના કાવતરાઓને અંજામ આપવાનો પ્રયાસ સતત કરવામા આવતો જ હોય છે. કચ્છમાં પણ ફરીથી એક તરફ નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ-દેશાવરથી દર્શને આવવાના છે તેવા સમયે જ કચ્છની ખાવડા સરહદેથી એક યુવાન ગેરકાયદેસર રીતે હલચલ કરતો જોવા મળી આવતા ઝડપાઈ ગયો છે. આ પ્રકારની હલચલને એજન્સીઓએ હળવાથી લેવી ન જોઈએ. એકચોટ તેની પાસેથી કઈ મળ્યુ નથી અને તે પણ ખુદ અસ્થિર મગજનો હોવાનુ સામે આવવા પામ્યુ છે પરંતુ આ બધી જ હરકતોને જીણવટભરી તપાસ કરીને સત્ય સામે લાવવુ જોઈએ. કારણ કે જયારે જયારે તહેવારો આવે કે પછી કોઈ મોટી ચુંટણીઓ હોય ત્યારે ત્યારે ભારતમાં સામેપારથી નાપાક અટકળાઓને અંજામ આપવાનો હિન્ન પ્રયાસ થતો જ રહેતો હોય છે. વાત મળેલ ાયુવાનને લઈને કરીએ તો કાશ્મીરથી પોતાની પ્રેમિકાને મળવા માટે ૪૪ વર્ષીય ઈસમ છેક ખાવડા સુધી પહોંચી અને બોર્ડર ક્રોસ કરવા ની ઈચ્છા વ્યક્ત કરતા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. ખાવડા પોલીસ અને જુદી જુદી એજન્સીઓએ તેની પૂછરછ કરી અને જવા દીધો હતો. કાશ્મીરના બાંદીપુર જિલ્લામાં જહાંગીર ગામમાં રહેતો ઈમ્તિયાઝ શેખ નામનો યુવક ૧૧મી સપ્ટેમ્બરના દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હીથી તે વડોદરા સુધી ગયો હતો ત્યાંથી અમદાવાદ થઈને તે ભુજ પહોંચ્યો હતો. ભુજના ગેસ્ટ હાઉસમાં રોકાયા બાદ તે મંગળવારે સવારે ખાવડા પહોંચી ગયો હતો. પાકિસ્તાનની પ્રેમિકા આલિયા ને મળવા અને પામવા માટે બોર્ડર ક્રોસ કરવા માટે આવેલા યુવકને ખાવડા પોલીસે દબોચી લીધો હતો ત્યારે જાણવા મળ્યું કે આ યુવક પાકિસ્તાનના એક મહિલા તબીબના એક તરફી પ્રેમમાં પાગલ બની ગયો છે અને બોર્ડર ક્રોસ કરી તેને મળવા માંગે છે જેથી પોલીસે કહ્યું કે અહીંથી બોર્ડર ક્રોસ કરવા માટેની કોઈ મંજૂરી મળતી નથી અને એજન્સીઓને જાણ કરી હતી એજન્સીઓએ તેની પૂછરછ કરી અને તપાસ કરતા તેની પાસેથી કાશ્મીર નું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ બેંકના એટીએમ સહિતની ચીજ વસ્તુ મળી આવી હતી અને તે કાશ્મીરનો જ હોવાનું પુરાવા પણ મળ્યા હતા. સુરક્ષા એજન્સીઓ અને પોલીસે તેની પૂછપરછ કરી તેને પરત પોતાના વતન કાશ્મીર જવા માટે રવાનો કરી દીધો હતો અને અહીંથી બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન જવા નહીં મળે તે અંગે સમજાવટ કરી હતી.

Comments