ભુજ શહેરના ઉત્તમ જળ વ્યવસ્થાપનની ખોદી નાખી ઘોર
સાડા સાત દાયકા દરમ્યાન સુધરાઈ શાસકોની અણઆવડતે
શહેરના વધતા વ્યાપ અને શહેરીકરણની આંધળી દોટ પાછળ કુદરતી જળસંગ્રહ સ્થાનો લુપ્ત થવાની કગારે પહોંચ્યા : પાણીના કુદરતી માર્ગને અવરોધવાની ભૂલના ગંભીર પરિણામો ભુજવાસીઓ રહ્યા છે ભોગવી : રાજ્ય સરકારે કરેલા આદેશ બાદ વરસાદી પાણીના કુદરતી માર્ગો પર દબાણો દૂર કરવા નગરપાલિકા તંત્રએ આદરેલી કવાયત કેટલી સફળ રહેશે તેના વિશે સંશય
શહેરના કુદરતી જળસંગ્રહ સ્થાનોની દરકાર લેવામાં સુધરાઈ તંત્રએ નથી દાખવ્યો રસ : અત્યાર સુધીના તમામ શાળકોના વલણ રહ્યા ઉદસીન : શહેરના વરિષ્ઠ જાગૃત નાગરિકોએ વ્યક્ત કર્યો બળાપો : સરકારી ચોપડે પડતર જમીન તરીકેની ઓળખ ધરાવતા તળાવની જમીન પર થઈ રહ્યું છે અતિક્રમણ : કેટલાક દબાણો ખુદ સત્તાપક્ષના સભ્યોના હોવાની ચર્ચા
રાજાશાહી કાળમાં ૮૦થી વધુ તળાવોથી શોભતા ભુજ શહેરમાં હવે માત્ર ૩૮ તળાવો જ બચ્યા : ૩૮ પૈકીના માત્ર ૧૧ તળાવો જ સરકારી ચોપડે સૂચિબદ્ધ : ર૭ તળાવોની સરકારી દફતરે નોંધ બોલે છે પડતર જમીન તરીકે
ભુજ : વૈશ્વિક જળવાયુ પરિવર્તન સાથે સર્જાનારી પર્યાવરણીય કટોકટી સામે ટકી રહેવા કુદરતી જળ સ્ત્રોતને સુરક્ષિત કરવા જરૂરી છે. કચ્છ જેવા સૂકા પ્રદેશ માટે પાણી અને કિંમતી સંપદા સમાન છે, પરંતુ વધતી જતી શહેરીકરણની આંધળી દોટ પાછળ શહેરી વિસ્તારોમાં પરંપરાગત જળસંગ્રહ સ્થાનો લુપ્ત થવાની કગાર પર પહોંચ્યા છે. જિલ્લા મથક ભુજ અને માંડવી શહેરમાં આ વર્ષે થયેલા ભારે વરસાદે પાણીના કુદરતી માર્ગને અવરોધવાની માનવીય ભૂલના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.
ઉચ્ચકક્ષાએથી થયેલા આદેશના પગલે જિલ્લા મથક ભુજમાં વહિવટી અને સુધરાઈ તંંત્રએ હવે વરસાદી પાણીના કુદરતી માર્ગને અવરોધી ઉભા થયેલા દબાણોને દૂર કરવાની કવાયત હાથ ધરી છે. આઝાદી પછીના સાડા સાત દાયકા દરમ્યાન થયેલી ભૂલોને સુધારવાનું તંત્ર ધારે છે તેટલું આસાન રહેશે નહીં તેવું ભુજ શહેરના પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે. આઝઝાદીના સાડા સાત દાયકા બાદ ૭પમા અમૃત વર્ષે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયે ભુજના ઐતિહાસિક હમીરસર તળાવને વોટર હેરિટેજ સાઈટ જાહેર કર્યું હતું. રાજશાહીના સમયગાળામાં જળ વ્યવસ્થાપનની બેનમૂન પ્રણાલી ધરાવતા ભુજ શહેરમાં ૮૦થી વધુ તળાવો હતા. કાળક્રમે માનવસર્જિત ભૂલો અને જમીન પચાવી પાડવાની માનસિકતાના કારણે આજે માત્ર ૩૮ જેટલા તળાવોનું જ અસ્તિત્વ રહ્યું છે. જોકે, જે રીતે જમીન અતિક્રમણની પ્રવૃત્તિ ચાલી રહી છે તેને રોકવા સંનિષ્ઠ પ્રયાસો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ૩૮ પૈકીના મોટા ભાગના તળાવો લુપ્ત થઈ જશે તેવી ભીતિ શહેરના વરિષ્ઠ જાગૃત નાગરિકો વ્યસ્ત કરી રહ્યા છે. ભુજ શહેરના હમીરસર તળાવના મહત્ત્વને ધ્યાનમાં રાખીને જળશક્તિ મંત્રાલયે તેને વોટર હેરીટેજ સાઈટ જાહેર કર્યું છે, પરંતુ ભુજ શહેર અને તેની આસપાસના કેટલાક તળાવો આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે, તો બીજી તરફ હાલે બચેલા ૩૮ તળાવો પૈકી માત્ર ૧૧ તળાવો જ ૭-૧રમાં સૂચિબદ્ધ રીતે તળાવ તરીકે નોટીફાઈડ થયા છે. કમનસીબે બાકીના ર૭ તળાવોની ઓળખ સરકારી ચોપડે પડતર જમીન તરીકે બોલે છે. વિલુપ્ત થવાની ભીતિ વચ્ચે આ તળાવોના રક્ષણ માટે સરકારી ચોપડે તળાવ તરીકે નોટીફાઈડ કરીને તેને સુરક્ષિત કરવા અને પુનઃ જીવિત કરવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા જિલ્લા, રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી શ્રેણીબદ્ધ આધાર - પુરાવાઓ સાથેની રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા જળસંચયના કામો માટે જિલ્લામાં દર વર્ષે કરોડો રૂપિયાના કામો કરવામાં આવે છે, પરંતુ દુર્ભાગ્ય એ છે કે રાજાશાહીના સમયના કુદરતી જળસંગ્રહ સ્થાનોની દરકાર લેવામાં સરકારે ખાસ રસ દાખવ્યો નથી. સરકારી તંત્રના ઉદાસીન વલણના કારણે જ સરકારી પડતર જમીન તરીકે ઓળખ ધરાવતા ભુજના તળાવોની જમીન પર ભૂમાફિયાઓ દ્વારા પેશકદમી કરવામાં આવી રહી છે તે પૈકીના કેટલાક દબાણો તો ખુદ સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોના હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.શહેરના વયોવૃદ્ધ જાગૃત નાગરિકો દ્રષ્ટાંત આપણા જણાવે છે કે, ભુજના પ્રાગસર જેવા ઐતિહાસિક અને મહત્ત્વના તળાવમાં અનેક પ્રકારે સરકારી અને બિનસરકારી અતિક્રમણ થયા છે. પ્રાગસર તળાવનો હેતુફેર કરીને તેનો વિશાળ ભાગ પુરાણ કરીને પોલીસ પરેડ ગ્રાઉન્ડ જેવા હેતુઓ માટે સોંપી દેવાયો છે. જાણકારો કહે છે કે, તળાવોનું અસ્તિત્વ ટકાવી રાખવા તળાવોનું રજિસ્ટ્રેશન અને તળાવ તરીકે નોટીફાઈડ કરવામાં નહીં આવે તો મહામૂલા તળાવો લુપ્ત થઈ જશે. ભુજ શહેરના ભીડ નાકા પાસે આવેલું દેશલસર તળાવ જળકુંભીનું મેદાન બની રહી ગયું છે. ગટરના દુષિત પાણીના કારણે શહેરના બીજા સૌથી મોટા તળાવની હાલત દયનીય બની છે. શહેરના અન્ય તળાવોમાં પણ ગટરના પાણી, કાટમાળ અને ઘનકચરો પધરાવવામાં આવી રહ્યા છે, પરંતુ નગરપાલિકા દ્વારા તેની કોઈ દરકાર લેવામાં આવી રહી નથી.
રાજાશાહી વખતના તળાવો જ નહીં, પરંતુ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેના કુદરતી વહેણને પણ અવરોધી દેવામાં આવ્યા છે. કેટલાક સ્થળો પર તો ખુદ નગરપાલિકાએ જ બાંધકામ ચણી દીધું છે. વરસાદી દિવસોમાં સર્જાયેલા જળસંકટ બાદ રાજ્ય સરકારે પણ નગરપાલિકાઓને વરસાદી પાણીના વહેણ પર થયેલા દબાણો દૂર કરવા તાકીદ કરી છે. ભુજ નગરપાલિકાએ પણ વરસાદી પાણીના નિકાલ માટેના કુદરતી માર્ગો પર થયેલા દબાણોને દૂર કરવા કવાયત આદરી છે, પરંતુ તંત્રની ઝુંબેશ અટક્યા બાદ ફરી દબાણો રાબેતા મુજબ ગોઠવાઈ જવાના દ્રષ્ટાંતો મોજુદ છે ત્યારે તંત્રની કાર્યવાહી કેટલી અસરકારક રહેશે તેના વિશે અત્યારથી જ સંશય જોવા મળી રહ્યા છે.

Comments