Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની તેમજ જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઈ

23 September



જિલ્લા પુરવઠા અધિકારી અર્શી હાશ્મીએ પુરવઠા વિભાગના આયોજન અંગે બેઠકમાં જાણકારી આપી

ભુજ : જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની તેમજ જિલ્લા તકેદારી સમિતિની બેઠકનું આયોજન જિલ્લા સેવા સદન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં નવી ખોલવાની સરકારી વાજબી ભાવની દુકાનો, પરવાનો રદ, ચાર્જમાં આપવામાં આવેલી દુકાનો, નવી બ્રાંચ માટેની તાલુકાકક્ષાએથી દરખાસ્તો વગેરે બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગ્રામ, શહેરી અને તાલુકામાં તકેદારી સમિતિની બેઠક બોલાવવામાં આવે અને સમિતિની જ્યાં જરૂર છે તે ગામમાં પુનઃરચના કરવામાં આવે તેમ બેઠકના સમિતિના સભ્યો દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત આઈપીડીએસ પોર્ટલ ઉપર બેઠક કાર્યવાહી નોંધ અપલોડ કરવી, એનએફએસએ - નોન એનએફએસએ કાર્ડધારકોના ઈ-કેવાયસીની પ્રક્રિયા, સરકાર માન્ય વાજબી ભાવની દુકાનદારોને મળવાપાત્ર કમિશન વગેરે બાબતોની સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિએ બેઠકમાં ઉપસ્થિત રહીને સરકારના નિયમોનુસાર જાહેર વિતરણ વ્યવસ્થા જળવાય રહે તે માટે સૂચનાઓ આપીને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ નવી દુકાનોની મંજૂરી નજીકના ગામોમાં જ આપવામાં આવે તે રીતે આયોજન કરીને નાગરિકોને અગવડતા ન પડે તેમ કામગીરી કરવા સૂચન કર્યું હતું. ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સહિત સમિતિના સભ્યોને જિલ્લા પુરવઠા અધિકારી અર્શી હાશ્મીએ કચ્છના વિવિધ ગામોમાં સરકારી અનાજના જથ્થાની વિતરણ વ્યવસ્થા વિશે જાણકારી આપી હતી. આ બેઠકમાં નગરસેવક મનુભા જાડેજા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ ગોર, જિલ્લા તોલમાપ અધિકારી પી.બી.પીઠડીયા, નાયબ માહિતી નિયામક મિતેષ મોડાસિયા, જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના કાર્યાલય અધિક્ષક એચ.એમ.પરમાર સહિત જિલ્લા પુરવઠા કચેરીના વિવિધ અધિકારીશ્રી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
----

Comments

COMMENT / REPLY FROM