ગાંધીધામમાં કચ્છ કલા રોડ પર ‘ધ લોટસ સ્પા’માંથી કુટણખાનુ ઝડપાયું
આદિપુરના શખ્સને ઝડપી કુલ ચાર મહિલાઓને મુક્ત કરાવાઈ
ગાંધીધામ : પચરંગી શહેર ગાંધીધામમાં આવેલા સ્પા સેન્ટરોમાં મસાજની આડમાં ગોરખધંધા થતા હોવાનું અવાર નવાર સામે આવે છે. પોલીસ દ્વારા દરોડો પાડીને સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે. ત્યારે વધુ એક કાર્યવાહી સામે આવી છે. કચ્છ કલા રોડ પર અમન બિલ્ડિંગમાં બીજા માળે આવેલા લોટસ સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જયાંથી કુટણખાનુ ઝડપાયું છે. એ ડિવિઝન પોલીસે આ કાર્યવાહી કરી હતી. ધ લોટસ સ્પામાં દરોડા દરમિયાન આદિપુર વિકીકુમાર વિજયસિંહ ખારવા મળી આવ્યો હતો. આરોપીએ પોતાના સ્પામાં કુલ ચાર ભારતીય મહિલાઓ રાખી હતી. સ્પાની આડમાં મહિલાઓ પાસેથી દેહવ્યાપારનો ધંધો કરાવી સ્પામાં આવનાર ગ્રાહકોને સવલતો આપી કુટણખાનું ચલાવવામાં આવતું હતું. રોકડા ર હજાર, ૧પ હજારના ર મોબાઈલ, સીસીટીવી કેમેરાના ડિવીઆર સહિતનો મુદામાલ કબ્જે કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.અત્રે મહત્વનું છે કે, ગાંધીધામ પોલીસ દ્વારા અવાર નવાર શહેરના અલગ અલગ સ્પામાં દરોડો પાડીને આ પ્રમાણેની ગોરખ પ્રવૃતિ ઝડપી લેવામાં આવે છે. પરંતુ ભુજ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવતી નથી. અન્ય વિસ્તારોમાં આવેલા સ્પામાં તપાસ થાય તો ગોરખધંધાનો પર્દાફાશ થાય તેમ છે.
...........

Comments