વરસામેડીમાં અંડરગ્રાઉન્ડ ટાંકામાં છૂપાવેલો ૭.૩૬ લાખનો શરાબ ઝડપાયો
એલસીબીએ દરોડો પાડી બુટલેગર સહિત ચારને ઝડપી લીધા : માલ મોકલનાર સાંચોરનો શખ્સ હાજર ન મળ્યો : દારૂની હેરફેર કરવાની તૈયારીમાં હતા ત્યારે જ દરોડો પડાયો : એલસીબીની કાર્યવાહીથી વધુ એકવાર અંજાર પોલીસની લાપરવાહી થઈ છતી
અંજાર : પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂની રેલમછેલ થતી હોય તેમ એલસીબીએ દરોડો પાડીને અંજારના વરસામેડીમાં અંડર ગ્રાઉન્ડ ટાંકામાં છુપાવેલો ૭.૩૬ લાખનો શરાબ ઝડપી લીધો હતો. આ સાથે બુટલેગર સહિત ચાર લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ એલસીબી પીઆઈ એન. એન. ચુડાસમા અનેે પીએસઆઈ એમ. વી. જાડેજાની આગેવાનીમાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી કે, અંજાર તાલુકાના વરસામેડી સીમમાં અંબિકાનગર - ર માં પ્લોટ નં. ૬૧પ માં બનાવેલા અંડર ગ્રાઉન્ડ ટાંકામાં અંગ્રેજી દારૂનો જથ્થો છુપાવેલો છે. તે બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. મેઘપર બોરીચીના પરસોત્તમ નગરમાં રહેતા નીલેશ ઉર્ફે ટીન્કુ ભગવાનજી સોલંકી (માલી)એ દારૂ મંગાવી ટાંકામાં છુપાવ્યો હતો. હેરફેર કરવાની તૈયારીમાં હતા ત્યારે જ એલસીબીએ દરોડો પાડતા ટાંકામાંથી અલગ અલગ બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી, જેમાં ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હીસ્કીની ૭ર૦ બોટલ, ગ્રીન લેબલ વ્હીસ્કીના ૧૧પર કવાટરીયા, ઈમ્પેરીયલ વ્હીસ્કીના ૯૬૦ કવાટરીયા, ૮પીએમ સ્પેશ્યલ વ્હીસ્કીની ર૭૬ બોટલ, ઓલ સીઝન વ્હીસ્કીની ૧૮૦ બોટલ, ગ્રીન લેબલ વ્હીસ્કીની ર૬૪ બોટલ, કીંગ ફીશર બીયરના ૧ર૦ ટીન મળી કુલ્લ ૭,૩૬,૮૬૦ નો શરાબ કબજે કરવામાં આવ્યો હતો તેમજ પપ હજારના છ મોબાઈલ અને ૬૦ હજારની એક્ટિવા કબજે કરવામાં આવી હતી. રેડ દરમ્યાન નીલેશની સાથે અંજાર વિજયનગરના દિપક કાંતિલાલ ઠક્કર, મુળ યુપીના અને હાલે વરસામેડીના પ્લોટમાં રહેતા મંગલ વિક્રમસિંહ નાયક અને બાડમેર રાજસ્થાનના રમેશકુમાર નરનારામ ચૌધરી (જાટ)ની ધરપકડ કરવામાં આવી હતી. જયારે માલ મોકલનાર સાંચોર રાજસ્થાનના અંકિત ચૌધરી હાજર મળી આવ્યો ન હતો. એલસીબીએ અંજાર પોલીસમાં આરોપી સામે ગુનો દાખલ કરાવ્યો હતો. મહત્વનું છે કે, અંજાર પોલીસની હદમાં એલસીબીએ દરોડો પાડતા સ્થાનીક પોલીસની બેદરકારી છતી થઈ છે. સ્થાનીક પોલીસ સામે પગલાં ભરાય છે કે કેમ તે જોવું રહ્યું.

Comments