નાના કપાયામાં ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાતા લોકોમાં આક્રોશ
રાતના સમયે ગામના યુવાનોએ યુપીના શખ્સને રંગેહાથ ઝડપી પોલીસને હવાલે કર્યો : વાયરલ વીડિયોમાં તેણે અનેક અબોલ જીવ સાથે કૃત્ય કર્યાની નફ્ફટ કબુલાત પણ કરી’
મુંદરા : ઔદ્યોગીક શહેર મુંદરામાં માનવતા અને કરૂણતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. નાના કપાયા ગામે રાતના બે વાગ્યાના અરસામાં યુવાનો વોચમાં હતા ત્યારે ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતા યુવાનને રંગેહાથ ઝડપી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ નાના કપાયા વિસ્તારમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ થતી હોઈ સ્થાનીકોએ રાતના સમયે વોચ ગોઠવવાનું નક્કી કર્યું હતું. એ દરમ્યાન ગઈકાલે રાત્રે યુવાનો વોચમાં હતા ત્યારે આ શંકાસ્પદ શખ્સ નિકળ્યો જેથી તેની કરતુત પર નજર રાખતા હતા એ દરમ્યાન તેણે ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતા યુવાનો તાત્કાલિક દોડી ગયા, લોકોને જોઈ આરોપી ભાગી ગયો જેથી ગામના અન્ય લોકોને જાણ કરી પીછો કરવામાં આવતા ગોયરસમામાં કંપનીની પાછળ બાવળની ઝાડીમાંથી આ વિકૃત શખ્સને ઝડપી મુંદરા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. તેની પાસેથી મળેલા આધારકાર્ડમાં તેે ઉત્તરપ્રદેશના ચાંદોલી જિલ્લાનો હોવાનું સામે આવ્યું હતું. શરમજનક કૃત્યને અંજામ આપનાર શખ્સેે બેશરમ બનીને એવી કબુલાત આપી હતી કે, તેણે એકથી વધુ ગાયો સાથે આ પ્રમાણે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા મુંદરા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આવા માનસીક વિકૃત શખ્સ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આજે સવારે ગામના લોકો પોલીસ સ્ટેશને પણ ગયા હતા અને રજુઆત કરી હતી. આ બાબતે મુંદરા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

Comments