‘નપાણીયા’ પાણી પુરવઠા તંત્રની નિષ્ફળતા પણ કારણભૂત..?
પશ્ચિમ કચ્છમાં પાણી જન્ય રોગચાળાના ફેલાવવામાં...
બૌધિક કચ્છવાસીઓમાં ઉઠતો વેધક સવાલ : ચોમાસુ વરસાદ બાદ કચ્છમાં પાણી વિતરણની વ્યવસ્થા દિવસો સુધી થઈ હતી ઠપ્પ : લખપત અને અબડાસાના લોકોને નાછૂટકે દુષિત પાણી પીવાની અને રસોઈ માટે ઉપયોગમાં લેવાની પડી હતી ફરજ : જિલ્લાના ચોક્કસ વિસ્તાર અને સમુદાયમાં ફેલાયેલી ભેદી બિમારીએ મચાવ્યો છે હડકંપ
સરહદી વિસ્તારમાં પાણી પુરવઠાની પીવાના લાઈનોમાંથી થાય છે બેફામ પાણી ચોરી : તંત્રની ઉદાસીનતાના પગલે પાણી ચોરી કરતા ધંધાર્થીઓ, સર્વિસ સેન્ટરોને મળ્યું મોકળું મેદાન : દર વર્ષે તંત્રને મોટી પ્રસાદીની ભેટ ધરતા ઉદ્યોગોને મળે છે ભરપુર પાણી : ગ્રામ્ય વિસ્તારો, ગ્રામ પંચાયતોને પાણી મળે છે કે કેમ તેની તંત્ર નથી લેતું દરકાર : પાણીની લાઈનમાં ક્ષતિ સર્જાય તો દિવસો સુધી નથી થતું સમારકામ
સરહદ સુધી પાણી પહોંચાડવાની સરકારની ગુલબાંગો વચ્ચે આજે પણ જિલ્લાના છેવાડાના લોકોને પીવાના પાણી માટે મારવા પડે છે વલખા : પાણી માટે રસ્તે રઝડતા લોકો વિશ્વની ત્રીજી અર્થ વ્યવસ્થા બનવા ભણી અગ્રેસર દેશની વરવી વાસ્તવિકતા : ગામે ગામ સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડયાના સરકારના દાવાઓના સરહદી કચ્છમાં ઉડી રહ્યો છે છેદ : પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં સરકાર વિફળ : ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સરકારની વાહવાહીમાં મશગુલ પણ પ્રજા પરેશાન
ભુજ : દર વર્ષે ભાદરવા મહિનામાં મચ્છર અને પાણીજન્ય બિમારીઓ માથું ઉંચકતી હોય છે. ભાદરવા મહિનામાં વાતાવરણીય બદલાવ આવે છે અને અનેક પ્રકારની બિમારીઓ ફેલાતી હોય છે. આ મહિનામાં વાયરસ, બેકટેરિયા અને ફૂગજન્ય રોગનો ખતરો વધારે હોય છે ઉપરાંત મચ્છરોના વધતા ઉપદ્રવના કારણે મેલેરિયા, ટાઈફાઈડ અને ડેન્ગ્યૂ જેવી બિમારીઓનું પ્રમાણ વધતું હોય છે. તો બીજી તરફ દુષિત પાણીના કારણે ટાઈફોઈડ અને પેટ-પાચન સંબંધી બિમારીઓ માથું ઉચકે છે પરંતુ આ વર્ષે થયેલા ચોમાસું વરસાદ બાદ પશ્ચિમ કચ્છના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ભેદી તાવ જેવી
બિમારીએ ૧૯ જેટલા લોકોનો ભોગ લેતા હડકંપ મચી ગયો છે. હાલ સ્વાઈન ફલુ ધીમા પગલે અબડાસા, લખપત અને હવે ભુજ તાલુકામાં દસ્તક દિધી છે. તેની સાથે કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે અબડાસા - લખપતમાં પાણી પુરવઠાની બેદરકારીના કારણે પીવાના પાણી ન ભરવાના કારણે કેટલાક ગામોમાં પાણી જન્મ રોગોનો ઉછારો આવ્યો છે. ૩જી સપ્ટેમ્બરથી લખપત અને અબડાસા તાલુકામાં ભેદી બિમારીના કારણે ૧૯ લોકોના મોત થયા હતા. જે પૈકી પાંચ લોકોએ કેન્સર, હૃદયરોગ જેવી અન્ય બિમારીઓના કારણે જીવ ગુમાવ્યા હોવાનું આરોગ્ય તંત્ર જણાવે છે. જોકે, બાકીના ૧૪ લોકોના જીવ કઈ બિમારીના કારણે ગયા હતા તેનો રિપોર્ટમાં કયાંક સ્વાઈન ફુલ, સહિત નિમોનીયા તાવ સહિતના કારણો તંત્ર દર્શાવી રહ્યું છે. જ્યારે ખાનગી ડૉકટરો તાવ મુદ્દે ચિંતા દર્શાવી રહ્યા છે. હાલ પુનાથી જે રીપોર્ટ આવ્યો છે તે વાયરસ જે દર્શાવવામાં આવી રહ્યુ છે તેના કરતા વિપરતી માનવ જીંદગી અસર કરી રહ્યો છે. રીપોર્ટ આવ્યા બાદ લખપત - અબડાસા પંથકમાં ફેલાયેલી ભેદી બિમારીનું અંકુશ આવ્યો નથી. હાલ દર્દીઓ ઘટી રહ્યા છે, પરંતુ હજુ સંતોષકારક પરિણામ મળ્યા નથી. લખપત - અબડાસા ગામોમાં પાણી પુરવઠા દ્વારા પાણી ન પહોચાડવાના કારણે પાણી જન્ય રોગોની રાડ ઉડી રહી છે. એક ચોક્કસ સમુદાયના જ લોકો બિમારીનો ભોગ બન્યા છે. કચ્છના જે વિસ્તામાં ભેદી રોગચાળાએ દેખા દીધી છે તે વિસ્તારમાં લોકોની બુનીયાદી સમસ્યા પીવાના પાણીની છે. આ વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી ભાગ્યે જ મળે છે. ખાસ કરીને ઉનાળા અને ચોમાસાની સિઝન દરમિયાન સરહદી છેવાડાના ગામો અને વાંઢ વિસ્તારોમાં પીવાનું પાણી મેળવવા સ્થાનિકોને લાંબી રઝડપાટ કરવી પડે છે. કુવા-અવાડા કે કોઈ કે જળાશયના પાણી કે જ્યાં પશુઓ પણ પાણી પીતા હોય તે જગ્યાએથી એકત્ર કરેલ પાણી પીવાની અને રસોઈમાં ઉપયોગ કરવાની ફરજ પડે છે. ચોમાસુ વરસાદ દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી. લોકોને દુષિત પાણી પીવાની ફરજ પડી હતી. લખપત અને અબડાસાના દેખાયેલ ભેદી બિમારીએ કોઈ પાણીજન્ય રોગ નથી પરંતુ વાયરલ બતાવી રહ્યો છે. પરંતુ કચ્છના છેવાડાના વિસ્તારોમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં સરકાર અને સ્થાનિક તંત્ર નિષ્ફળ રહ્યું છે, તેનાથી કોઈ ઈન્કાર કરી શકે નહીં. રાજ્ય સરકાર સરહદી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું હોવાના દાવાઓ કરે છે પરંતુ આ દાવાઓની પોકળતા પ્રસંગોપાત છતી થતી જ રહે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા કચ્છ સરહદ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું હોવાની ગુલબાંગો વચ્ચે પીવાના પાણી માટે વલખા મારતા લોકોની દયનીય સ્થિતિ તંત્રની વિફળતાનું પ્રત્યક્ષ પ્રમાણ પૂરું પાડે છે. લખપત અને અબડાસાના છેવાડાના વિસ્તારો સુધી પાણી પુરવઠા વિભાગની લાઈનો પહોંચી જરૂર છે પરંતુ તે લાઈનો મારફતે પાણી લોકો સુધી પહોંચે છે કે કેમ તેની તપાસ કરવાની દરકાર ન તો પાણી પુરવઠા વિભાગે લીધી છે કે ન તો સ્થાનિકે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ લીધી છે. હા એટલું છે કે પાણી પુરવઠા દ્વારા અહીં પાણી પહોચડાવા માટે લાઈનનો કેટલાક બીલો બન્યા હશે. અને અહી પાણી પહોચાડવાનો ઉલ્લેખ ઉપલી કક્ષાએ દર્શાવીને અહીંનું પાણી બીજાને આપી ક્યાંક રોકડી કરે લે છે તેવી વાત બહાર આવી છે.
સરકારની વાહવાહીમાં રચ્યાપચ્યા રહેતા જન પ્રતિનિધિઓ આંખ આડા કાન કરે છે તો બીજી તરફ વિપક્ષ પણ આ મુદ્દે લોક અવાજ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યું છે. પાણી પુરવઠા વિભાગની લાઈનોમાંથી ઠેર ઠેર ગેરકાયદેસરના જોડાણો લેવાયા છે. અનેક સર્વિસ સેન્ટરો અને ધંધાર્થીઓ પાણીની બેફામ ચોરી કરી રહ્યા છે. સ્થાનિક સૂત્રોનું માનીએ તો દર વર્ષે ઉદ્યોગ ગૃહો તરફથી મળતી મોટી પ્રસાદીના કારણે ઉદ્યોગોને નિયમિત પાણી પહોંચતું રહે છે પરંતુ ગ્રામ પંચાયતો કે વાંઢો સુધી પાણી ભાગ્યે જ પહોંચે છે. પાણીની લાઈનમાં જો ક્ષતિ થાય તો દિવસો સુધી તેના સમારકામની દરકાર લેવામાં આવતી નથી. ગત મહિને થયેલા વ્યાપક વરસાદ બાદ લખપત અને અબડાસા વિસ્તારમાં વીજ માળખા, રોડ રસ્તા અને પાણીની લાઈનોને નુકશાન થયું હતું. ખાસ કરીને વીજ પુરવઠો લાંબા સમય સુધી ઠપ્પ રહેતા છેવાડાના વિસ્તારોમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જેના કારણે લોકોને વરસાદી દુષિત પાણી પીવાની ફરજ પડી હતી. પાન્ધ્રો સહિત કેટલાક ગામોમાં પાણી પહોચડાવાના નામે બીલ બનાવી તે પાણી અન્ય સ્તરે પહોચાડવામાં આવી રહ્યો છે, આવી અનેક રજુઆતો ઉચ્ચ અધિકારીઓને મળી છતાં આ બાબતે કોઈ કાર્યવાહી કરાઈ હોય તેવું દેખાતું નથી.
દુનિયાની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનવા ભણી અગ્રેસર દેશના એક છેવાડાના વિસ્તારની આ વરવી વાસ્તવિકતા છે. લોકોને આજે પણ નિયમિત અને પુરતુ પીવાનું શુદ્ધ પાણી નળ વાટે મળતું નથી. શહેરી વિસ્તારોમાં ઠેર-ઠેર પાણીના ફિલ્ટર પ્લાન્ટ લાગેલા હોવાથી લોકો ખાનગી ધોરણે પીવા માટે શુદ્ધ પાણીના કેરબા મંગાવી લેતા હોય છે પરંતુ ગ્રામ્ય અને વાંઢ વિસ્તારોમાં આવી કોઈ જ વ્યવસ્થા ન હોવાથી લોકોને નાછૂટકે દુષિત પાણી પીવા અને રસોઈના ઉપયોગમાં લેવાની ફરજ પડે છે. પ્રબુદ્ધ કચ્છીજનોના જણાવ્યા અનુસાર પાણી, વિજળી, આરોગ્ય અને શિક્ષણ જેવી બુનિયાદી સુવિધાઓના અભાવે સરહદી ગામો ખાલી થઈ રહ્યા છે. દુર્ગમ વિસ્તારોમાં ઘટતી જતી વસતી દેશની સુરક્ષા માટે પણ ચિંતાનું કારણ છે. લોકોને પીવાના શુદ્ધ પાણીથી માંડી આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક સુવીધાઓ પુરી પાડવાની જવાબદારી સરકારની રહે છે. દર વર્ષે સરહદી વિસ્તારોના વિકાસ અને માળખાગત સુવિધાઓના વિસ્તાર માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક્તા એ છે કે, કચ્છના સરહદી ગામોમાં પ્રાથમિક સુવિધાના નામે મીડું જ જોવા મળે છે. તાજેતરમાં જ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલા રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી, કચ્છના પ્રભારીમંત્રી, વિવિધ વિભાગોના વડાઓ સમક્ષ સ્થાનિકો દ્વારા વ્યથા ઠાલવવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં સરકાર છેવાડાના વિસ્તારના લોકોને પાણી, આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેવી નક્કર વ્યવસ્થા ગોઠવશે કે રોગચાળો નિયંત્રીત થયા બાદ ફરી રાબેતા મુજબ અસુવિધાઓ અને સમસ્યાઓની ભરમાર વચ્ચે લોકોને જીવન વ્યતિત કરવા છોડી દેવાશે તેનો ખુલાસો આવનારા દિવસોમાં થશે.
......................
પાણી પુરવઠા તંત્રના કેમ ન લેવાય પુછાણા ?
સરહદી કચ્છમાં ફાટી નીકળેલા ભેદી રોગચાળાના પગલે રાજ્ય સરકાર સતર્ક બની છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષીકેષ પટેલ, કચ્છ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા, આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલ સહિતના જવાબદારો કચ્છ દોડી આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સાથે સમીક્ષા બેઠકોના દૌર સાથે અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઈ સ્થાનિક લોકોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ભેદી બિમારીનો ભોગ બનેલા અસરગ્રસ્તોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સરકારના પ્રતિનિધિઓએ પરિસ્થિતિના મૂલ્યાંકન માટે વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અટકાયતી પગલાં અંગે પરામર્શ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન સામે આવેલ આરોગ્ય સુવિધાઓની ઉણપ તાત્કાલિક ધોરણે પુરી કરવા આદેશો વછૂટ્યા હતા. પશ્ચિમ કચ્છમાં આરોગ્યની પ૦ ટીમો, નિષ્ણાંત તબીબોને અટકાયતી પગલાં લેવા મોકલવામાં આવી છે. ૧૯ જણના ભોગ લેનાર હવે આ વિસતારમાં કાયમી ડૉકટર સહિત આરોગ્ય ટીમ હંમેશા કાર્યરત રહે તેવા પગલા લેવાય તે જરૂરી છે. આ પગલા માત્ર આ વિસ્તાર નહી કચ્છ દરેક તાલુકા મથકે લેવાય તે પણ જરૂરી છે. મોટા ભાગે ડૉકટરો સહિત આરોગ્ય માણખાની ખાલી જગ્યાનો પ્રશ્ન ઉકેલાય તે જરૂર બન્યો છે. આ દરમિયાન રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સમક્ષ સ્થાનિકોએ છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણીની બુનિયાદી સમસ્યા અંગે વ્યથા પણ ઠાલવી હતી. રાજ્ય સરકારના પ્રતિનિધિઓ દ્વારા પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓના પણ પુછાણા લેવાય તે જરૂરી છે. કચ્છના પ્રબુદ્ધ નાગરિકોના જણાવ્યા અનુસાર લોકોને પીવાનું પાણી પહોંચાડવા સરકાર દર વર્ષે કરોડોના ખર્ચર્ કરે છે પણ સ્થાનિક તંત્રની લાપરવાહીના કારણે યોજનાઓનો હેતુસર થતો નથી. છેવાડાના વિસ્તારમાં લોકો દુષિત પાણી પીવા મજબૂર બને છે.
..................
જિલ્લાના મોટા ભાગના વિભાગો ‘ઈન્ચાર્જ’ હવાલે
રાજ્ય સરકારમાં ઉચ્ચ અધિકારીઓની અછત હોય તેમ સરહદી કચ્છ જિલ્લાના મોટાભાગના સરકારી વિભાગો હાલે ‘ઈન્ચાર્જ’ અધિકારીઓના ભરોસે ગાડુ ગબડાવી રહ્યા છે. જિલ્લામાં આરોગ્ય અધિકારીનું પદ હોય કે અન્ય મહત્ત્વપૂર્ણ વિભાગો હોય, મોટા ભાગના વિભાગો હાલે ‘ઈન્ચાર્જ’ના હવાલે જ ચાલી રહ્યા છે. તો વિવિધ સરકારી વિભાગોમાં કાયમી સ્ટાફ કરતા કોન્ટ્રાક્ટ બેઝ સ્ટાફની સંખ્યા પણ વધુ છે. ઈન્ચાર્જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના હવાલે હાલે જિલ્લાની વહીવટ ચાલી રહ્યો છે પરંતુ કચ્છના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં પણ વામણા જ પુરવાર થયા છે તે કચ્છવાસીઓની મોટી કમનસીબી છે. સરકારની તંત્રમાં સ્ટાફ ઘટની સમસ્યા દૂર થશે એ માત્ર ચુંટણી વાયદા પૂરતો જ સિમિત બની ગયો છે. દર ઈલેકશનમાં સ્ટાફ ઘટ દૂર કરવા અને નવી ભરતી કરાશે તેવા વાયદાઓ કરી મત મેળવવા આ સમસ્યાનો કાયમી ધોરણે દૂર કરવામાં જન પ્રતિનિધિઓ રસ દાખવતા ન હોવાનું માર્મિક ટકોર કરતા પ્રબુદ્ધ કચ્છીજનો જણાવી રહ્યા છે.

Comments