Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની બજારમાં ‘બનાવટી’ ઘીનો ધમધમ્યો કારોબાર

21 September

વર્ષના સૌથી મોટા તહેવારો પૂર્વે




નવરાત્રી અને દિપોત્સવી તહેવારોમાં શુદ્ધ ઘીની વધતી માંગનો લાભ લેવા ભેળસેળિયા તત્ત્વો બન્યા સક્રિય : જાણીતી બ્રાન્ડોના નામે જિલ્લામાં બહારથી ‘નકલી’ ઘીનો મોેટો જથ્થો કચ્છની બજારમાં પહોંચાડવાનું ષડયંત્ર : હલકી ગુણવત્તાની સામગ્રીથી તૈયાર થતા બનાવટી ઘીનું સેવન જન આરોગ્ય માટે જોખમી : તહેવારો પૂર્વે ફુડ વિભાગ દ્વારા સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરાય તે ઈચ્છનીય





ભુજ : શ્રાદ્ધ પક્ષના દિવસો શરૂ થતાંની જ સાથે નવરાત્રી અને દિપોત્સવી તહેવારોના આગમનની છડી પોકારાઈ જતી હોય છે. વર્ષના સૌથી મોટા તહેવારો બજાર માટે મોટી રોનક લઈ આવતા હોય છે. આ તહેવારો દરમ્યાન સોના-ચાંદી, ઘરવખરી, ઈલેટ્રોનિક્સ, વાહનો, કપડાં, કટલેરી જેવા ધંધાઓમાં તેજી જોવા મળતી હોય છે, તો બીજી તરફ તહેવારો દરમ્યાન મીઠાઈની સૌથી વધુ માંગ રહેતી હોવાથી કચ્છમાં મીઠાઈના ધંધાર્થીઓ અત્યારથી જ દિપોત્સવી તહેવાર માટે જરૂરી કાચા માલસામાનની ખરીદીમાં વ્યસ્ત બની ગયા છે.આ તરફ શુદ્ધ ઘી એ તહેવારોમાં ઉપયોગમાં લેવાતી પ્રચલિત સામગ્રી છે. તહેવારો દરમ્યાન શુદ્ધ ઘીની માંગ ખૂબ વધી જતી હોય છે ત્યારે ભેળસેળિયા તત્ત્વો બજારની તેજીમાં મોટી આવક મેળવી લેવા સક્રિય થઈ ગયા છે. કચ્છની બજારમાં અસલી ઘીના નામે નકલી ઘીનો ધૂમ કારોબાર ચાલી રહ્યો છે. ભૂતકાળમાં કચ્છ જિલ્લામાંથી બનાવટી ઘીના કારખાના અને માલસામગ્રી ઝડપાયાના અનેક કિસ્સાઓ ઉજાગર થયા છે, પરંતુ નકલી ઘીનો કારોબાર આજે પણ બેરોકટોક ચાલી રહ્યો છે. જિલ્લા બહારથી જાણીતી બ્રાન્ડોના નામે નકલી ઘી કચ્છની બજારમાં ઘૂસાડવામાં આવે છે. લોકો શુદ્ધ ઘીના દામ ચૂકવી તદ્દન હલકી ગુણવત્તાનું નકલી ઘી ખરીદતા રહે છે. ભુજ ઉપરાંત ગાંધીધામ, અંજાર, માંડવી, મુંદરા સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ઘીનું ધૂમ વેચાણ થાય છે. મિલાવટી ઘીને પ્રાથમિક દ્રષ્ટિએ પારખી શકાતું ન હોવાથી લોકો છેતરાઈ જતા હોય છે. નકલી ઘીની બનાવટમાં હલકી ગુણવત્તાની સામગ્રી અને ફેટનો ઉપયોગ થતો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ પ્રકારના ઘીનું સેવન આરોગ્ય માટે ખૂબ હાનિકારક સાબિત થાય છે, જેના કારણે અનેક ગંભીર પ્રકારની બીમારી થવાનું જોખમ રહે છે. વર્ષના સૌથી મોટા તહેવારો નજીક આવ્યા હોવાથી બનાવટી ઘીનો કારોબાર કરતા તત્ત્વો સક્રિય થઈ ગયા છે. તહેવારો ટાંંકણે શુદ્ધ ઘીની માંગ વધતી હોવાથી બજારમાં નકલી ઘી મોટા પ્રમાણમાં ઘૂસાડી દેવાતું હોય છે. જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમયાંતરે સેમ્પલ લેવાની કામગીરી થતી હોય છે, પરંતુ તે પૂરતી હોતી નથી. કચ્છના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્ત્વો દ્વારા સક્રિય કામગીરી થતી ન હોવાનો ભરપૂર લાભ લઈ લેતા હોય છે. તહેવારો પૂર્વે બજારમાં વેચાતા પાદ્યપદાર્થોની સઘન ચકાસણી કરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તિ રહી છે.

 

Comments

COMMENT / REPLY FROM