મુંદરાના સીએફએસમાં આગની ઘટના લાલબત્તીરૂપ : ફલેક્ષી કન્ટેઈનર સર્જશે મોટો બ્લાસ્ટ : તંત્ર ચેતે
કલેકટર અરોરા-કમિશ્નર એન્જીનીયરશ્રી કરે લાલઆંખ?
મુંદરા પોર્ટમાં સતત બીજા દિવસે આગની ઘટના : સુરક્ષા નિયમોના ઉલ્લંઘન અંગે ગંભીર સવાલો ઉઠ્યા
મુંદરા : ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્વપૂર્ણ હબ એવા મુન્દ્રા પોર્ટ પર વધુ એક આગની ઘટના સામે આવી છે. સતત બે દિવસ આગના બનાવોએ પોર્ટ પર કાર્યરત કંપનીઓની સુરક્ષા પ્રક્રિયાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. બુધવારે એપીએમસીના ગોડાઉનમાં આગના બનાવ બાદ ગુરુવારે પોર્ટની નજીકના સીએફએસ (કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન)માં આગ લાગી હતી. જોકે આ આગ ૨૫ મિનિટમાં કાબૂમાં આવી ગઈ હતી, આ ઘટનાએ વિસ્તારમાં આગની સુરક્ષા અને જલદી કાબૂ મેળવવા માટેની તાત્કાલિક તૈયારી અંગે મોટી સમસ્યાઓને ઉજાગર કરી છે. સવારે લગભગ ૧૧ઃ૪૫ વાગ્યે સીએફએસ વિસ્તારમાં કલ્માર (કન્ટેનર હેન્ડલિંગ મશીન)માં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કલ્માર મશીનમાં શોર્ટસર્કિટને કારણે આ આગ ફાટી નીકળી હતી, જેને કારણે લુબ્રિકેન્ટ લાઇનો દાઝી ગઈ હતી. પોર્ટના અગ્નિશામક દળ દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ થવાથી આગ ૧૦ મિનિટમાં કાબૂમાં આવી અને ૨૫ મિનિટમાં સંપૂર્ણ બુઝાવી લેવાઈ હતી. આ આગના કારણે તે વિસ્તારમાં મોટું જોખમ ઉભું થયું હતું કારણ કે આ વિસ્તાર મોટાં ઓઇલ સ્ટોરેજ ટેન્કોની નજીક છે. આગના સ્થળેથી ઉઠેલા ધુમાડાના કારણે નજીકના વિસ્તારોમાં રહેતા લોકો અને કામદારોમાં ગંભીર ચિંતા જોવા મળી. સદનસીબે, કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી, પરંતુ આ ઘટનાએ સુરક્ષા પ્રણાલીઓના ઊણપોને લઈને ચર્ચાઓ શરૂ કરી છે. મુન્દ્રામાં લાગેલી આગે ગંભીર રૂપ ધારણ કર્યું ન હતું પરંતુ આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાઓની ખામીનો ખુલાસો કર્યો છે. મોટી સંખ્યામાં ખતરનાક પદાર્થોના રોજના હેન્ડલિંગ સાથે, આ વિસ્તારમાં થોડી પણ સુરક્ષા ઉણપે વિશાળ ભયાનક ઘટના ઊભી કરી શકે છે. તંત્રને આ બાબતે તાકીદે પગલાં લેવાની જરૂર છે.
............
તાત્કાલિક કાર્યવાહી માટે સજ્જતા અનિવાર્ય
આગની આ ઘટનાએ સુરક્ષા નિયમોના કડક અમલની જરૂરીયાતને પ્રકાશમાં મૂકી છે. સુરક્ષા નિષ્ણાતોએ આ સંદર્ભે તરત જ અમલ કરવા માટેના કેટલાક તાત્કાલિક પગલાંની ભલામણ કરી છે. જેમાં સીએફએસ સેન્ટરોમાં આગની ઘટનાની કામગીરી માટે પોતાના આગ બુઝાવવાના વાહનો, અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન અને ઓવરહેડ ટેન્કો હોવી જરૂરી છે. વીજપ્રવાહ બંધ થાય તો પણ આ સિસ્ટમથી આગ બુઝાવવી શક્ય બને છે, ખતરનાક પદાર્થોના પરિવહન માટે ક્રાયોજેનિક આઇએસઓ ટેન્કો હોવી ફરજિયાત છે. નરમ ટેન્કો કે બલૂન પ્રકારની ટેન્કો પર
સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ, કસ્ટમ અને સુરક્ષા તંત્રએ ઓડિટ દરમિયાન તમામ પ્રકારની પ્રક્રિયાઓનું ગહનતાથી નિરીક્ષણ કરવું જોઈએ અને એનઓસી રિન્યૂ વખતે કંપનીઓના પ્રમાણિક સુરક્ષા ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ, અવૈધ તેલ પરિવહન પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ અને તેલ કંપનીઓ દ્વારા કાયદાના ઉલ્લંઘનોમાં ભાગ લેનાર વ્યક્તિઓ અને કંપનીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
................
પ્રશાસનના ભૂમિકા પર સવાલ
આ આગની ઘટનાએ તંત્રની ભૂમિકા પર પણ સવાલ ઉભા કર્યા છે. મુંદરા કસ્ટમ વિભાગ અને સ્થાનિક અગ્નિશામક અધિકારીઓની ભૂમિકા ચર્ચામાં આવી છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંદરા કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવતી વાર્ષિક ઓડિટમાં ઘણીવાર વાસ્તવીક મુલ્યાંકન જોવા મળતું નથી. તેઓ કન્ટેનરોના વર્તમાન વ્યવહાર વિશે પણ તપાસ કરતા નથી, જેમાં મર્યાદાથી વધુ
પેદાશોનું પરિવહન થાય છે.
................
સુરક્ષા પગલાંઓ પર સવાલ
આ આગની ઘટનાએ કંપનીઓ દ્વારા અપનાવવામાં આવતા આગના સુરક્ષા ઉપાયો અંગે ઘણા સવાલો ઊભા કર્યા છે. જાણકારોના જણાવ્યા અનુસાર, આગ બુઝાવવા માટે પોર્ટના અગ્નિશામક દળે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો, કારણ કે સીએફએસમાં પૂરતી આગ બુઝાવવાની સગવડો નહોતી. આથી, આ વિસ્તારની કંપનીઓ જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરી રહી છે કે નહીં તે સવાલો ઉઠી રહ્યા છે. જોકે, કંપનીએ તેની પાસે પૂરતી સુરક્ષા સગવડો અને એનઓસી (નૉ ઓબ્જેક્શન સર્ટિફિકેટ) હોવાનો દાવો કર્યો હતો, પરંતુ હકીકત એ છે કે પોર્ટના અગ્નિશામક દળે આગ કાબૂમાં લીધી અને કંપનીઓ પાસે આગના જોખમો સામે પુરતી વ્યવસ્થાઓ ન હતી.
...........
કચ્છઉદયના અહેવાલની નોંધ ન લેવાઈ,
હજુ સમય છે, આંખ ઉઘાડો, નહી તો દુર્ઘટના થશે મોટી..!
કચ્છઉદય દ્વારા મુંદરામાં પ્રવાહી પદાર્થોની જોખમી હેરફેરને લઈને સચોટ અહેવાલો ઉજાગર કરવામ આવ્યા હતા અને તે મામલે તપાસ થવા કલેકટરશ્રી, મુંદરા પ્રાંત, મામલતદાર, સહિતનાઓને ધ્યાને દોર્યુ હતુ. સીએફએસવાળાઓ પણ પોતાનો બચાવ ફલેક્ષી ટેંકને લઈને કરી જ ન શકે તેમ છતા બધુ લોલમલોલ ચાલી રહ્યુ હોવાનો ઈશારો કરાયો હતો. જો તે વખતે જ તંત્ર ગંભીર બની ગયુ હોય તો અને આ ફલેક્ષી ટેકને બંધ કરાવવાની કડકાઈથી કાર્યવાહી કરાઈ હોત તો આ આગની મોટી ઘટના ન બની હોત. હજુય સમય છે, તંત્ર જાગે અને ઝડપથી ફલેક્ષી ટેંકમા પ્રવાહી પદાર્થોની આયાત કરવાનુ અટકાવે.મુંદરા પોર્ટમાં મોટા પ્રમાણમાં ખતરનાક રસાયણો અને પ્રવાહી પદાર્થોની હેરફેર થતી હોય છે, જેના કારણે આ વિસ્તાર ખૂબ જ જોખમવાળો બની ગયો છે. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રકારના ખતરનાક પદાર્થોની હેરફેર માટે કડક નિયમો હોય છે અને તે માટે દિલ્હીની પરવાનગી લેવી પડે છે, પણ તેનો મુન્દ્રા પોર્ટ પર કેટલાક એકમો દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે. રાસાયણિક પદાર્થોના પરિવહન માટે યોગ્ય ક્રાયોજેનિક આઇએસઓ ટેન્કો હોવી જોઈએ, પરંતુ તેનાં બદલે ફ્લેક્સી ટેન્કોનો ઉપયોગ થતો હોય છે. બલૂનના પ્રકારનાં ટેન્કોમાં પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન કરવામાં આવે છે, જે સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે.આ આગની ઘટનાથી પેટ્રોલિયમ પેદાશો કાયમ સાવધાની સાથે હેન્ડલ કરવામાં ન આવે તો મોટી દુર્ઘટનાનું જોખમ રહેલું છે તેવું પ્રકાશમાં આવ્યું છે. જોખમી પ્રકારના જ્વનશીલ પદાર્થોને કાયદાના ઉલ્લંઘનથી તેલને કાગળ પર કેરોસીન તરીકે દર્શાવીને દેશભરમાં વિતરણ કરવામાં આવે છે, જે ભારતમાં ડીઝલ તરીકે ઉપયોગમાં લેવાય છે.

Comments