ઝુરા અને નાગીયારી નજીક વિસ્તારમાં જુગાર કલબ ધમધમી
નાગોર અને હરીપરમાં બંધ થયા બાદ ભ્રષ્ટ પોલીસના ચાર હાથથી
ખેલીઓને વાહનોમાં સ્થળ પર લઈ જઈ તમામ સુવિધાઓ આપવા સાથે પરત મુકી જવાની પણ અપાય છે સવલત
ભુજ : શહેરની આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી મોટી જુગાર કલબો ધમધમી રહી છે, પરંતુ પોલીસ દ્વારા અવાર-નવાર માત્ર છુટાછવાયા ખેલીઓને ઝડપી સંતોષ માની લેવામાં આવે છે અને નાલ ઉઘરાવીને જુગાર રમતા જુગારીઓ પણ સચેત થયા હોય તેમ એક જ સ્થળે વારંવાર જુગાર રમવાના બદલે સ્થળ બદલાવે છે. ખાસ આ માટે બુકીઓ દ્વારા જુગારીઓને લાવવા લઈ જવાની અને ખાણી-પીણીની સુવિધા પણ પુરી પાડવામાં આવતી હોવાની ચર્ચા છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અગાઉ પાલારા જેલ સાઈડ, નાગોર તેમજ હરીપર વિસ્તારમાં જુગાર કબલ ધમધમતી હતી. જોકે, નાગોરમાં દરોડો પડ્યા બાદ જુગારીઓએ સ્થળ બદલાવ્યું છે. હવે ઝુરા અને નાગીયારીની નજીક વિસ્તારમાં ખેલીઓ નસીબ અજમાવવા માટે પહોંચી જતા હોવાનું અતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. ભ્રષ્ટ પોલીસના ચાર હાથથી આ જુગાર કલબો ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. બુધવારે દેશલપર-વાંઢાયની વાડીમાં બહારથી બોલાવીને રમાતા જુગાર ધામનું પર્દાફાશ કરવામાં આવ્યો પરંતુ ઝુરા, નાગીયારી નજીક વિસ્તારના પટ્ટામાં હજુ પણ આબાદ છે. આ વિસ્તારમાં બાતમીદારોને સક્રીય કરવામાં આવે તો અહીંથી પણ જુગારીઓ ઝડપાઈ શકે તેમ છે. તેની માટે ઈચ્છાશક્તિની વધારે જરૂર છે.

Comments