સિટી વોકના માધ્યમે યુવાનોએ ભુજને ઓળખ્યું
યુવાનોએ ભુજના ઐતિહાસિક સ્થળો, પ્રાગમહેલ આર્કાઇવિંગ તેમજ મોટી પોશાળ જાગીરની મુલાકાત લીધી
ભુજ : શહેર ખાતે એક અનોખી ‘સિટી વોક’નું આયોજન સ્થાનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભુજના ઐતિહાસિક સ્મારકોની મુલાકાત સાથે ભુજના પ્રાણ સમા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. આ વોકમાં ૩૫ જેટલા યુવાનો જોડાયા હતા.ભુજની સંસ્થા હુન્નરશાળા ફાઉન્ડેશન અને સંસ્થાઓના પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સીટી’ ના સંયુક્ત ઉપક્રમે ભુજના નાગરિકો માટે સિટી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકમાં હોમ્સ ઇન ધ સિટીના જય અંજારિયાએ ભુજની ઓળખસમી પંક્તિ “અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠી બારી, ત્રણ આરા, ચોથી પાવડી ને બજાર વચ્ચે કરી ચાવડી” રજૂ કરી ભુજ જેવા ઐતિહાસિક શહેરનું મહત્વ સમજાવતાં ભુજનું સ્વામિનારાયણ પ્રસાદી મંદિર, પાવડી, દરબાર ગઢ, જેઠીમલ્લનો અખાડો, પોલીસ ચાવડી, જૂની શાક માર્કેટ સહિત સ્મારકો આવરીને નાગરિકોને માહિતગાર કર્યા હતા.આ વોક અંતર્ગત ભુજના પ્રાગમહેલ ખાતે આર્કાઇવિંગ સેન્ટરનું સંચાલન કરતા દલપતભાઈ દાનીધારીયાએ રસપ્રદ રીતે પ્રગમહેલના ઇતિહાસને આવરી લઈ જૂના પાત્રાચારો, વિવિધ લિપિ, ફોસીલ્સ, માટી, કચ્છની નદીઓ, ગામડાઓ સહિતની માહિતી પૂરી પાડીને નાગરિકોને વધુ ઉત્સાહિત કર્યા હતા. તદુપરાંત મોટી પોશાળ જાગીર ખાતે ગાદીપતિ પ્રવીણભાઈ ગોરજીએ નાગરિકોને જાગીર વિષેની રસપ્રદ માહિતી આપીને ભુજના રાજાશાહી સમયથી પોશાળનું મહત્વ તેમજ જાગીરની પરંપરાનું વર્ણન કર્યું હતું. વોકના અંતે નાગરિકોએ એકબીજાનો પરિચય મેળવી આગામી સમયમાં ભુજના સંદર્ભે યુવાનો સાથે વિવિધ આયોજન કરવા માટેની ચર્ચા કરી હતી. હુન્નરશાળા ફાઉન્ડેશનના કાર્યકરો શૌનક, ઐશ્વર્યા, સૌમ્યદીપ તેમજ અન્ય કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.
-----

Comments