દહીંસરા-ધુણઈ રોડ પર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
ભુજ : ભુજ-માંડવી રોડ પર દહીંસરાથી ધુણઈને જોડતા રસ્તા પર ગઈકાલે રાત્રે સાડા સાત વાગ્યાના અરસામાં અચાનક બળદ આવી જતા બાઈક ચાલકે સંતુલન ગુમાવતા બાઈક સ્લીપ થઈ હતી. જેમાં ચાલક યુવાનને ઈજાઓ થઈ હતી, જ્યારે પાછળ બેઠેલા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હતું. આ બાબતે હોસ્પિટલ ચોકીમાંથી જાણવા મળેલી વિગતો બિદડાના મફતનગરમાં રહેતા ર૦ વર્ષિય ઈમરાન લતીફ મથડા અને નરેશ અશોકભાઈ મારવાડા ભુજથી બાઈક પર ઘર તરફ જતા હતા, એ દરમિયાન રસ્તામાં બળદ આવી જતા તેમાં બાઈક ભટકાતાં ચાલક ઈમરાન અને પાછળ બેઠેલા નરેશ બન્ને જણા રોડ પર પટકાયા હતા. જેમાં નરેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે જી.કે.માં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા હતા. ઈમરાનને ઈજાઓ થવા પામી હતી. બનાવ અંગે માનકૂવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Comments