કચ્છમાં કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવું લોઢાના ચણા ચાવવા સમાન
ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ની વીજ કનેક્શન આપવાની પ્રક્રિયા ભ્રષ્ટાચારના ભરડામાં સપડાઈ : ખેતી વિષયક વીજ જોડાણ ખેડૂતની સુવિધા માટે નહીં પરંતુ ભ્રષ્ટ કર્મીઓ અને કોન્ટ્રાક્ટરો માટે બન્યા ઉપરી આવકનું સાધન : તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા મિલીભગતથી વીજ જોડાણ માટે જરૂરી સાધન સામગ્રીનું ગેરકાયદેસર વેચાણ : વીજ જોડાણ મેળવવા ઈચ્છુક ખેડૂતોને મેન પાવર કે સાધન સામગ્રીનો અભાવ દર્શાવી મહિનાઓ સુધી રખાય છે વંચિત : પોતાના પાકને નિષ્ફળ જતો અટકાવવા ના-છૂટકે મજબૂર ખેડૂત ગાંઠના પૈસા ખર્ચવા બને છે મજબૂર
પ્રસાદી ધરવા તૈયાર ખેડૂત માટે રાતોરાત સાધન સામગ્રીની થઈ જાય છે ગોઠવણ : ખાનગી ધોરણે મેળવેલ સાધનોના નામે વીજ તંત્રના ચોરાયેલા ઉપકરણોનું થાય છે ગેરકાયદેસર વેચાણ : તાજેતરમાં ખેડુતો માટે મોરના કનેકશન અપાયા છે તેની તપાસ કરાય કેટલાકના પગ નીચે રેલો આવે તેમ છે : પીજીવીસીએલ અલગ - અલગ સ્થળે સામાનના ગોદામમાં પડેલા સામાનની ક્રોસ ચેકિંગ થાય તો ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટે તેમ છે....
વીજ તંત્ર દ્વારા જરૂરી સાધન સામગ્રીના રેકર્ડ જળવાય અને આધુનિક ટ્રેકિંગ સિસ્ટમ ગોઠવાય તો મોટા ષડયંત્રનો થાય પર્દાફાશ : જાણકારોએ વ્યક્ત કર્યો મત
ભુજ : વીજળી એ વર્તમાન સમયમાં જીવનની પ્રાથમિક જરૂરિયાત બની છે. આજે દરેક ધંધા-વ્યવસાય, ઉદ્યોગો વીજળી આધારીત થઈ ગયા છે. કૃષિ વ્યવસાય પણ તેમાંથી બાકાત રહ્યો નથી. ખેતી માટે વીજળીની ખપત દિન-પ્રતિદિન વધી છે, પરંતુ વીજ તંત્રના ભ્રષ્ટાચારના પાપે કચ્છમાં કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવું લોઢાના ચણા ચાવવા સમાન દુર્ભર બની ગયું છે. ખેડુતોને બોર માટે કનેકશનની તપાસ કરાય તેમજ વીજ તંત્રના ગોદામમાં પડેલા સામાનની ક્રોસ ચેકીગ કરાય તે કેટલાકના પગ નીચે રેલો આવે તેમ છે. આ અંગે ભોગગ્રસ્ત કિસાનોથી મળતી માહિતી અનુસાર કચ્છ જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની વીજ જોડાણ પ્રક્રિયા ભ્રષ્ટાચારના ભરડામાં સપડાઈ ગઈ છે. કૃષિ વિષયક વીજ જોડાણ એ ખેડૂતોની સેવા અને સુવિધા માટે છે કે વીજ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોના લાભાર્થે છે તેવો વેધક સવાલ કચ્છના ધરતીપુત્રો ઉઠાવી રહ્યા છે. કચ્છના પીજીવીસીએલ તંત્રમાં વીજ જોડાણ માટે આવશ્યક એવા ઉપકરણો જેવા કે કેબલ, વીજપોલ વગેરેનું મોટા પ્રમાણમાં ગેરવપરાશ કે વેચાણ કરવામાં આવી રહ્યું છેે. કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સાથે મિલીભગત રચી કોન્ટ્રાક્ટરો દ્વારા સાધન સામગ્રીનુંંં ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે. કચ્છમાં કોઈ ખેડૂત પોતાના વાડી-ખેતરમાં વીજ જોડાણ માટે અરજી કરે ત્યારબાદ વીજ જોડાણ મેળવવા લાંબી રાહ જોવી પડતી હોય છે. વીજ તંત્ર મેન પાવર કે સાધન સામગ્રીના અભાવનું કારણ આગળ ધરી દઈ ખેડૂતોને વીજ જોડાણ આપવામાં લાંબો સમય પસાર કરી દેવામાં આવે છ. કોઈ ગરજમંદ ખેડૂત ગાંઠના પૈસા ખર્ચવા તૈયાર થાય તો તરત જ કોન્ટ્રાક્ટર મારફતે સાધન સામગ્રીની ઉપલબ્ધતા થઈ જતી હોય છે. ક્યાં ક તો અધિકારી કે કોન્ટ્રાકટર જરૂરતમંદ ખેડુતો કહી દે છે કે “ કામ કરનારી ટીમ તૈયાર છે... પણ સામાન નથી... તેની વ્યવસ્થા તમે કરો...
વીજ વિભાગના કામકાજ માટે નિયુક્ત થયેલા કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓની સાંઠગાંઠ એટલી મજબૂત છે કે તેને ભેદી શકાતી નથી. વીજ જોડાણ મેળવવા વારંવાર વીજ કચેરીના દ્વાર ખટખટાવતા ખેડૂત જ્યાં સુધી જરૂરી સાધન સામગ્રી માટે દક્ષિણ ધરવા તૈયાર ન થાય ત્યાં સુધી કનેક્શન મળતું ન હોવાની રાવ ઉઠી રહી છે. કચ્છ જિલ્લામાં આ કૌભાંડ વ્યાપક બન્યું છે. પોતાના પાકને નષ્ટ થતો અટકાવવા નાછૂટકે મજબૂર કિસાનો કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓની જાળમાં સપડાઈ જતા હોય છે. વીજ તંત્રમાંથી જ મેળવેલ સાધન સામગ્રીને ખાનગી ધોરણે મેળવેલી બતાવી કોન્ટ્રાક્ટરો મોટી રકમ ખેડૂતો પાસેથી પડાવી લેતા હોય છે. ક્યાંક તો પીજીવીસીએલ ગોદામમાંથી ચોરી થયાની ફરિયાદ પોલીસમાં કરાય છે તેમાં કોને બેદરકારી હતી તેની પણ કડક પગલા લેવાતા નથી. ટે ઉપયોગમાં લેવાની જરૂરી સાધન સામગ્રીનો યોગ્ય રેકર્ડ રખાય અને આધુનિક ટ્રેકિંગ સિસ્ટમ ગોઠવાય તો જિલ્લામાં ચાલી રહેલા મોટા ષડયંત્રનો પર્દાફાશ થઈ શકે. વીજ જોડાણની અરજીથી માંડી કનેક્શન આપવા સુધીની પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવે તો જ ખેડૂતોનું થતું અહિત અટકી શકે તેવું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારો જણાવી રહ્યા છે. હાલે કચ્છમાં પીજીવીસીએલની શાખ ખેડૂત વર્ગમાં ખરડાઈ છે ત્યારે વીજ તંત્રએ પોતાની શાખ બચાવી લેવા ગ્રાહકોના હિતમાં જરૂરી ફેરફાર કરી વિવિધ પ્રક્રિયાઓને પારદર્શી બનાવવી જોઈએ અને ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે જરૂરી પગલાં લેવા જોઈએ તેવું કચ્છના કિસાન જણાવી રહ્યા છે. કચ્છમાં ખેતી વ્યવસાય સામે અનેકવિધ પડકારો રહેલા છે. કુદરતી આફતો સામે સતત લડતા કચ્છના ખેડૂતોને વીજ તંત્ર દ્વારા માનવસર્જિત આફત પણ ખેતીથી વિમુખ કરી દે તે પહેલા તંત્ર વહિવટમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને દૂર કરવા કડક કાર્યવાહી કરે તે
ઈચ્છનીય છે.

Comments