Trending News
સ્થાનિક સમાચાર

મીઠીરોહરના ભંગારના વાડામાંથી ફુટેલા કાર્ટીઝ મળ્યા 

16 September


એસઓજીએ દરોડો પાડી શકપડતા મુદ્દામાલ તરીકે ભંગાર કબ્જે કર્યો : ફુટેલા કાર્ટીઝ તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવશે 


ગાંધીધામ : કંડલા પોર્ટ પર આયાત થતા કન્ટેઈનરોમાં અવાર-નવાર હથિયાર ઘૂસાડાતા હોવાની ફરિયાદો સામે આવતી હોય છે. તાજેતરમાં કાસેઝમાં જુના કપડાની ગાંસડીમાંથી અમેરીકન સેના દ્વારા ઉપયોગમાં લેવાતું કાર્ટીઝ મળી આવ્યું હતું. તેના એક વર્ષ પૂર્વે બંદૂક પણ મળી હતી. આ વચ્ચે મીઠીરોહરમાં આવેલા ભંગારના વાડામાં કન્ટેઈનરના ભંગારમાં કાર્ટીઝ આવ્યા હોવાની બાતમી આધારે એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ફૂટેલી કાર્ટીઝ મળી આવી છે. આ બાબતે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી છે. આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ તહેવાર અનુસંધાને એસપી સાગર બાગમાર દ્વારા કડક પેટ્રોલિંગની સૂચના આપવામાં આવી હતી. એસઓજીના પીઆઈ ડી.ડી.ઝાલા, પીએસઆઈ વી.પી. આહિર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન બાતમી મળી કે, ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઈવે પર મીઠીરોહર નજીક આવેલી  કંપનીના ભંગારના વાડામાં આયાત કરેલા ભંગારમાં કાર્ટીઝ આવ્યા છે. જેથી દરોડો પાડવામાં આવ્યો હતો. સાક્ષી ઈમ્પેક્સ નામની કંપની દ્વારા વિદેશથી કુલ ૮ કન્ટેઈનર આયાત કરવામાં આવ્યા હતા. જે પૈકી એકમાં ભંગારની વચ્ચે કાર્ટીઝ મળી આવ્યા હતા.કંપનીમાં આવેલા ભંગારના વાડામાં તપાસ કરતા કાર્ટીઝ મળ્યા હતા. જોકે તે ફુટેલા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. વિદેશથી આયાત કરાયેલા હજારો કિલો ભંગાર વચ્ચે આ કાર્ટીઝ મળી આવ્યા હતા. ભંગાર વધારે હોવાથી હાલ તબક્કે તમામ ભંગારને શકપડતા મુદ્દામાલ તરીકે કબજે કરી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી છે. ભંગારમાંથી મળેલા કાર્ટીઝને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Comments

COMMENT / REPLY FROM