ભુજ તાલુકામાં સ્વાઈનફલુનો વધુ એક કેસ મળતા દોડધામ
લોડાઈ ગામના પુરૂષનો એચવનએનવન (સ્વાઈનફલુ) રીપોર્ટ આવ્યો પોઝીટીવ : સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ એકશનમાં : સુમરાસર પીએચસી સેન્ટરના સ્ટાફ દ્વારા સર્વેલન્સ સહિતની કામગીરી રજાના દિવસે પણ ચાલુ રખાઈ : લોડાઈ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તકેદારીના ભાગરૂપે ચાલી રહી છે તપાસ
ભુજ : કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા પંથકમાં ભેદી બિમારીએ હાહાકાર મચાવ્યો છે. તો ચોમાસા બાદ કચ્છમાં વાયરલ બિમારીઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. એકતરફ ભેદી બિમારીના મુખ્ય કારણનો હજુ સુધી ખુલાસો પણ થયો નથી તેવામાં જિલ્લામાં કોરોના અને સ્વાઈફનફલુના પોઝીટીવ કેસ મળવાનો સીલસીલો શરૂ થતા આરોગ્ય તંત્ર દોડધામભરી સ્થિતિમાં મુકાયું છે. તો કચ્છવાસીઓમાં અંદરોઅંદર છુપો ભય જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લા મથક ભુજના લોડાઈ ગામે સ્વાઈનફલુનો પોઝીટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાના અટકાયતી પગલાં માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ અંગેની વિગત મુજબ કચ્છ-ગુજરાતમાં અતિવૃષ્ટી સમાન વરસાદની સ્થિતી બાદ રોગચાળો બરાબરનુ માથુ ઉચકી રહ્યો હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. રાજય સહિત કચ્છના છેવાડાના લખપત તાલુકામાં પણ ભેદી તાવે હાહાકાર જ મચાવી રાખ્યો છે ત્યારે હવે બીજીતરફ ભુજ તાલુકામાં સ્વાઈનફલુનો એક કેસ સામે આવા પામી રહ્યો છે. આ મામલે રોગચાળા નિંયંત્રણ અધિકારીશ્રી કેશવકુમારને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ઠેર ઠેર હાલમાં સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. ભુજ તાલુકાના લોડાઈ વિસ્તારમાં ૧ પુરૂષમાં સ્વાઈનફલુના લક્ષણો જોવા મળી આવ્યા છે અને તેઓને પીએચસી ખાતે લાવી અને હાલમાં જરૂરી પ્રાથમિક સારવાર સહિતની કામગીરી સુમરાસરની ટીમ સક્રીય રહેલી છે. હાલમાં સર્વેલન્સની કામગીરી ઠેર ઠેર થઈ રહી છે અને સરકારની ગાઈડલાઈન અનુસાર શંકાસ્પદ દર્દીઓના સેમ્પલો પણ લેવાઈ રહ્યા છે.ભુજ તાલુકામાં સ્વાઈનફલુનો કેસ જોવા મળતા સ્થાનીકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. કચ્છમાં ભેદી બિમારીએ હાહાકાર મચાવ્યો છે તેવામાં કોરોના અને સ્વાઈનફલુ જેવી વાયરલ બિમારીઓનું વધતું પ્રમાણ લોકોના ઉચ્ચાટમાં વધારો કરી રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા પણ તાત્કાલિક અસરથી સુરક્ષાના પગલાં લઈ સંભવિતઃ સંક્રમણની તિવ્રતાને અટકાવવા માટેના સર્વેલન્સ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોડાઈ ગામ સુમરાસર શેખ પીએચસી હેઠળ આવતું હોવાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હદમાં આવતા તમામ ગામોમાં આરોગ્યની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી વેગવાન કરવામાં આવી રહી છે. આજે રવિવારના દિવસે જાહેર રજા હોવા છતાં આરોગ્યના સ્ટાફને ફરજ પર બોલાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Comments