૧૦ લાખ કચ્છીમાડુઓને ભાજપના પ્રાથમિક સદસ્ય બનાવવાનું લક્ષ્યાંક : પાટીલ
રાજ્યના અન્ય જિલ્લાઓમાં સાથે તંદુરસ્ત હરિફાઈ કરી ગુજરાતમાં પ્રથમક્રમ મેળવવા જિલ્લા સંગઠનના હોદ્દેદારોને પાટીલએ કર્યો અનુરોધ
ભુજ : કચ્છી માડુની ખાસીયત છે કે, એક વખત કોઈ લક્ષ્યાંક નક્કી કરે તો તેને અચૂક સિદ્ધ કરીને જ રહે છે ત્યારે આ વખતે ભાજપના સદસ્યતા અભિયાનમાં કચ્છ જિલ્લામાંથી માત્ર છ લાખ નહીં પરંતુ ૧૦ લાખ કચ્છીઓ ભાજપની પ્રાથમિક સદસ્યતા ગ્રહણ કરે તેવું લક્ષ્યાંક પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જિલ્લા ભાજપને આપ્યું હમતું. ભુજની સેવન સ્કાય હોટલ ખાતે કચ્છભરમાંથી ઉમટેલા ભાજપના કાર્યકરોના વિશાળ સમૂહને પ્રેરક સંબોધન કરતા શ્રી પાટીલે જિલ્લા ભાજપની સંગઠન શક્તિ પર વિશ્વાસ દર્શાવ્યો હતો. કચ્છ લોકસભા બેઠક પર ભાજપને છ લાખથી વધુ મત કચ્છ ના તમામ છ ધારાસભ્યોને ૧-૧ લાખથી વધુ મતો મળે છે ત્યારે કચ્છમાંથી ૧૦ લાખ પ્રાથમિક સભ્યો સંગઠનમાં જોડાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શ્રી પાટીલે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ ગુજરાતથી ચાર ગણુ મોટું રાજ્ય છે છતાં તેમનું લક્ષ્યાંક માત્ર અઢી કરોડ પ્રાથમિક સદસ્યોનું છે જ્યારે દેશમાં સૌથી વધુ મજબૂત સંગઠન ગુજરાતનું છે જેણે આ વખતે સદસ્યતા અભિયાનમાં ર કરોડથી વધુ સભ્યો બનાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે. ભાજપની પરંપરા અનુસાર દર છ વર્ષે દરેક સભ્યને પોતાની સદસ્યતા રિન્યૂ કરાવવાની રહે છે. ભુજના કાર્યક્રમમાં ભાજપ સદસ્યતાના હેલ્પલાઈન નંબર ડાયલ કરાવી તેમણે ઉપસ્થિતોને ભાજપની સદસ્યતા લેવાડાવી હતી. આ ઉપરાંત પ્રાથમિક સદસ્ય બનેલ જે સભ્ય ૧૦૦થી વધુ સભ્યો જોડશે તેને સક્રિય સદસ્ય બનાવવામાં આવશે ત્યારે સંગઠન અને સતામાં સક્રિય યોગદાન આપવા ઈચ્છુક લોકોને વધુને વધુ પ્રાથમિક સદસ્યો જોડાવા આહ્વાન કર્યું હતું.

Comments