Trending News
સ્થાનિક સમાચાર

શિણાય પાસે બેફામ દોડતી કારે ૬ થી ૭ નિર્દોષ વાહન ચાલકોને ઉડાવ્યા

14 September




અલ્ટ્રોઝના ચાલકે પુરઝડપે હંકારતા ભર બપોરે બાઈક, એકસેસ, છકડા સહિતના વાહનોને હડફેટમાં લેતા વાહન ચાલક ૧૦ થી ૧ર ફુટ જેટલા ઉછળીને ફંગોળાયા : ઘાયલોને સ્ટર્લીંગ, ડીવાઈન લાઈફ, આયુષ સહિતની હોસ્પિટલોમાં ખસેડાયા : સીસીટીવીમાં સમગ્ર ઘટના થઈ કેદ : બેફામ વાહન હંકારતા શખ્સ સામે કાયદાકીય ગાળીયો કસવા ઉઠી માંગ 



ગાંધીધામ : પંચરંગી શહેર ગાંધીધામમાં અવારનવાર કાર ચાલકો બેફામ વાહનો હંકારતા હોવાની ફરિયાદો ઉઠતી જ રહે છે. બેફામ બનેલા નબીરાઓ અને અમીચંદોની વંઠેલી ઓલાદો હાથમાં મોંઘીદાટ ગાડીઓનું સ્ટેયરીંગ આવતા જ પોતાને રોડના રાજા સમજવા લાગે છે અને બેફામ ગાડી હંકારવાના કારણે નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓને ત્રાસદીમાં મુકી દે છે. આવી જ ઘટના આદીપુર નજીક શિણાય ચાર રસ્તા પાસે બની હતી. જેમાં ગઈકાલે બપોરે ટાટા અલ્ટ્રોઝ કારના ચાલકે બેફામ બની વાહન હંકારતા એક સામટા પાંચ થી છ વાહનોને હડફેટમાં લીધા હતા. જેમાં મોપેડ પર સવાર લોકો દસથી બાર ફુટ જેટલા ઉંચા ઉછળીને નીચે ફંગોળાયા હતા. જેઓને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ શિણાય ચાર રસ્તા પાસે ગઈકાલે બપોરે ૩.ર૦ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. નજીકમાં આવેલ કોમ્પલેક્ષના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી. કેમેરામાં જોતા જી.જે.૩૯ સીએ ર૧૧૦ નંબરની ટાટા અલ્ટ્રોઝ કારનો ચાલક પુરઝડપે જતો જોવા મળે છે. આગળ જતા બાઈક ચાલક, એકસેસ ચાલક તેમજ છકડા સહિતના વાહનોને હડફેટે લીધા હતા. અચાનક ૧૦૦ થી વધુની ગતિએ કારની ટક્કર વાગતા મોપેડ પર ધીમી સ્પીડે જતા યુવાનો ઉછળીને નીચે પટકાયા હતા. કેમેરામાં દેખાય છે કે મોપેડ પર સવાર બે વ્યક્તિ થોડીવાર ઉભા હતા અને આગળ જવા નીકળ્યા ત્યાં જ પાછળથી કાર આવી અને તેને ઉડાવવા સાથે આગળ જતી અન્ય મોપેડ પણ ટક્કર મારી હતી. જે બાદ ગાડી દિવાલમાં ઘૂસી જતા સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઘાયલોને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એકસેસ ગાડીમાં કોલેજ બેગ લગાવેલું જોવા મળ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, એકસેસનું બોનેટ અને આખેઆખી સીટ નીકળી ગઈ હતી. આ બનાવમાં પ્રાથમીક રીતે આદીપુર પોલીસમાંથી મળેલી વિગતો મુજબ બાઈક સવાર ધર્મેન્દ્ર જેઠાભાઈ વાઘેલા, તેમના પત્નિ અને મોપેડ પર જતા ચેતનભાઈ બલદાણીયા સહિતનાઓને ઈજાઓ થવા પામી હતી. ઘાયલોને આદીપુરમાં ડીવાઈન લાઈફ, સ્ટર્લીંગ અને ભુજની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થળ પર લોકોના કહેવા પ્રમાણે છ થી સાત લોકોનેે ઈજાઓ થવા પામી હતી. આદીપુર પોલીસે ઘાયલોના નિવેદન મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવનો વીડીયો વાયરલ થતા લોકોને અમદાવાદના તથ્ય કાંડની યાદ તાજા થઈ હતી.
 

Comments

COMMENT / REPLY FROM