Trending News
સ્થાનિક સમાચાર

વાયરલ બિમારીનું વધતું પ્રમાણ ચિંતાજનક 

13 September




અબડાસા તાલુકામાં સ્વાઈનફલુ અને કોરોનાના કેસ નોંધાયા 



પશ્ચિમ કચછમાં ભેદી રોગચાળાએ માથું ઉંચકતા સર્વેલન્સ અને સેમ્પલ લેવાની કામગીરી વેગવાન કરાઈ : ૯ હજાર દર્દીઓના કરાયા પરીક્ષણ : મેલેરિયાના ૪પ અને ઈન્ફલ્યુએન્ઝાના ત્રણ કેસ નોંધાયા : અબડાસા તાલુકામાં ૩પ ટીમો દ્વારા સર્વે : વાયોર પીએચસી વિસ્તારમાં ખાસ તકેદારી 



નલિયા : પશ્ચિમ કચ્છના લખપત અને અબડાસા પંથક માં ભેદી બિમારીએ હાહાકાર મચાવ્યો છે. જિલ્લાના છેવાડાના વિસ્તારમાં ફેલાયેલા ભેદીરોગચાળાને નિયંત્રિત કરવા આરોગ્ય તંત્ર એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે અબડાસા પંથકમાં કોરોના અને સ્વાઈનફલુનો એક એક કેસ સામે આવતાં તંત્ર સતર્ક બન્યું છે. તાજેતરમાં અબડાસા તાલુકામાં શંકાસ્પદ લક્ષણો ધ રાવતા દર્દીઓના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાં ૪પ દર્દીઓને મેલેરિયા હોવાના રિપોર્ટ આવ્યા હતા. ૩ દર્દીઓ ઈન્ફલુએન્ઝા, ૧ સ્વાઈનફલુ અને ૧ કોરોના વાયરસથી સંક્રમિત હોવાના રિપોર્ટ આવ્યા હતા. 
પશ્ચિમ કચ્છના અબડાસા અને લખપત પંથકમાં ભેદી બિમારીના પગલે મરણાંક ૧૯ પર પહોંચ્યો છે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છમાં તાવ જેવી બિમારીએ માથું ઉંચકતા સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ભેદી બિમારીનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી ન શકાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. તો બીજીતરફ ભેદી બિમારી સામે અટકાયતી પગલાં લેવા આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. આજે અબડાસા તાલુકામાં આરોગ્ય વિભાગની ૩પ ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી આગળ ધપાવવામાં આવી હતી. ખાસ કરીને વાયોર પીએચસી હેઠળ આવતા વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વે અને સેમ્પલ એકત્ર કરવાની કામગીરી પર ધ્યાન અપાઈ રહ્યું છે. તાલુકા આરોગ્ય તંત્ર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધી અબડાસા તાલુકામાંથી કુલ ૯ હજાર દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં ૪પ મેલેરિયાના કેસ સામે આવ્યા છે. અબડાસા તાલુકાના બે દર્દીઓને વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભેદી બિમારીને અટકાવવા કચ્છ ઉપરાંત જિલ્લા બહારથી આરોગ્ય ટીમો દ્વારા ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 
...........


લખપતમાં ૩ તબીબોની તાકીદે બદલી કરાઈ 

જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અબડાસા પંથકમાંં ત્રણ ડૉકટરની કરી નિમણુંક : ભેદી રોગચાળાની રોકવા માટે તંત્ર દ્વારા કવાયત



નખત્રાણા : લખપતમાં ૧૮ જેટલી માનવ જીંદગી મોતના મુખમાં ધકેલાઈ છે, ત્યારે સરકારે આરોગ્યની ટીમના કાફલા લખપત, નલિયામાં ઉતારી દિધો છે અને હવે કોઈ દર્દીને મોતનો ભોગ ન બનવું પડે તેવા જરૂરી પગલાં લઈ રહી છે. ત્યારે ગત મોડી રાત્રે જિલ્લા આરોગ્ય અધિકારી ફુલમાળીએ લખપતમાં ત્રણ તબીબ ડો. ભાવિન ઠક્કર, ડો. નિરીક્ષા ધોળુ અને ડો. જાનકી લશ્કરીની તાબડતોબ નલિયા બદલી કરી છે. હાલ લખપત બાદ અબડાસમાં આ ભેદી રોગ પ્રસરી રહ્યો છે. આ બદલીની અનેક ચર્ચાઓ થઈ રહી છે. પણ પરિપત્રમાં આરોગ્યની સેવાઓ જળવાઈ રહે તે માટે બદલી કરવામાં આવી છે તેવો ઓર્ડરમાં જણાવાયું છે. હાલ લખપત અને અબડાસામાંથી બહારથી ટીમો રોજ અપડાઉન ન કરે તે માટે ત્યાં રહેવાની વ્યવસ્થા ઉભી કરાઈ છે પરંતુ અમુક જણ અપડાઉન કરતા હોવાની રાવ અગ્રણીઓ, વરિષ્ઠ અધિકારીઓને કરી છે. રાજ્ય સહિત કચ્છ જિલ્લાના આ તબીબને જયારે છેવાડાના લોકોની સેવા કરવાનો અવસર મળ્યો હતો, તેનાથી ઉલટું અમુક જણ ગંભીરતા ન હોવાની અસરગ્રસ્તો રાવ કરી રહ્યા છે. 


.........


ગામે ગામ આરોગ્ય ટીમની તૈનાતી વચ્ચે 



ભેદીરોગનો રાજ અકબંધ : પુનાથી રિપોર્ટ પગપાળા નિકળ્યો છે કે શું..




લખપતમાં ૧ મોત સાથે ભેદીરોગનો મરણઆંક ૧૮ : આજે પણ તાવના દર્દીઓનો આંકડો બરકરાર 


દયાપર : લખપતના ભેદીરોગનો આંકડો વધુ એક મહિલાના મોત પછી ૧૮ પર પહોંચ્યો છે. ગત રાત્રે તાલુકાના મોરી ગામે ર૭ વર્ષિય સકીના હનીફ જતનું મૃત્યુ થયું હતું. અલબત આ મહિલા મોરીની હતી પણ તેમણે બાજુના કેન્દ્ર જે નલિયા તાબા હેઠળ આવે છે ત્યાં સારવાર લીધી હતી તેવી માહિતી મળી છે. તો આ ભેદી તાવનો ભેદ અકબંધ રહ્યો છે.પુનાથી રિપોર્ટ પગપાળા નિકળ્યો હોય તેમ આજે ૮ દિવસ થયા છતાં રિપોર્ટના કોઈ વાવડ નથી, તેનાથી લોકોમાં શંકાકુશંકા ફેલાઈ છે. બીજીતરફ તાવના મરણ આંકથી બંને તાલુકામાં ફફડાટ ફેલાયો છે. 
ડો. સુતરિયાએ લખપત તાલુકામાં આરોગ્યની ટીમની માહિતી આપતા કહ્યું કે, જિલ્લા બહારથી ૪૦ ટીમો તાલુકામાં તૈનાત છે, જેમાં દરેક ટીમમાં તબીબ સાથે હોય છે અને ઘરો ઘર તાવ, શરદી સહિતની બિમારીની સારવા અને રિપોર્ટ મેળી રહી છે. કચ્છ જિલ્લાની રપ ટીમો કાર્યરત છે એટલે લખપતમાં કુલ ૬પ જેટલી તબીબો સાથે ટીમોએ કામગીરી આદરી છે. ૧૦ર ગામો ખુદી રહી છે. આઠ ૧૦૮ એમ્બ્યુલન્સ, તાલુકાની પાંચ ૧૦૮ સહિત ગાડીઓ તૈનાત છે. પ૮ ટીમો દ્વારા ૧૩,૦૩૯ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. પ૮,૩રર વસતીની મુલાકાત લેવાઈ છે, જેમાં ૩પ૧૧ ઘરોમાં ફોગીંગની કામગીરી કરાઈ છે. તાવ, શરદીના ૧પ૦ જેટલા કેસો સામે આવ્યા છે. તો આજે પણ ઓપીડીમાં સવારથી જ દર્દીઓની ભીડ જોવા મળી હતી. અલબત આંકડો કુલ ઓપીડીનો સાંજે બહાર પડશે પણ ૧૦૦થી ૧પ૦ જેટલા દર્દીઓ હોય છે. જો કે, તાવ, શરદીના એકતરફ આરોગ્ય તંત્ર દ્વારા આ ભેદી બિમારીના મૃત્યુ થયેલા લોકોને લઈ રોગનું મૂળ શોધવા પ્રયાસ કરી રહ્યા છે. તો બીજીતરફ ધીમેધીમે આ ભેદી બિમારી વધી રહી છે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આ ભેદી બિમારી કોના લીધે થઈ તેના રિપોર્ટમાં કેમ વિલંબ આવ્યો છે તે સહિતના કારણોનો ભેદ અકબંધ છે. આજે કોઈ પણ ઉચ્ચ અધિકારી લખપત, નલિયાની મુલાકાતે નથી આવવા તેનાથી વહિવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે. 

.........


ગાંધીધામમાં આજે તબીબોનો વર્કશોપ યોજાશે 

ગાંધીધામ : લખપત - અબડાસામાં ભેદીરોગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે સરકાર દ્વારા તમામ જાતના પગલાં લેવાઈ રહ્યા છે. જે અનુસંધાને આજે બપોરે ર વાગ્યે ગાંધીધામ ખાતે તમામ તબીબો સાથે વર્કશોપ બેઠક યોજાશે. ડો. કમલેશ ઉપાધ્યાય માર્ગદર્શન આપશે અને તેમાં વિકાસ કમિશ્નર આરોગ્ય હર્ષદ પટેલ ઉપસ્થિત રહેશે. રોગ, વાયરસની નવી ગાઈડલાઈન મુજબ આ રોગ સામે શું પગલાં લેવા જોઈએ. નવો વાયરસ કેમ કાબુમાં આવે તે સહિતનું માર્ગદર્શન, ગાઈડલાઈન આપવામાં આવશે. કચ્છમાં સ્વાઈનફલુએ દીધી દસ્તક ભુજ અને બિદડા બાદ અબડાસામાં વધુ એક દર્દીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ 
ભુજ : પશ્ચિમ કચ્છના અબડાસા અને લખપત તાલુકામાં ફેલાયેલા ભેદી રોગચાળા પાછળનું કારણ ૧૦ દિવસ વિત્યા છતાં જાણી શકાયું નથી તેવામાં કચ્છ જિલ્લામાં સ્વાઈન ફલુની બિમારીનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. ગઈકાલે ભુજના પુરૂષ અને બિદડાની મહિલાના સ્વાઈન ફલુ રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. બીજીતરફ ભેદી રોગથી અસરગ્રસ્ત અબડાસા તાલુકામાં પણ વધુ એક સ્વાઈનફલુ અને એક કોરોનાનો કેસ સામે આવ્યો છે. કચ્છ જિલ્લામાં વાયરલ બિમારીઓના વધતા સંક્રમણથી લોકોમાં ચિંતા ફેલાઈ છે. 

........




 

Comments

COMMENT / REPLY FROM