માતાનામઢે પ્રાંત અધિકારીએ બેઠક યોજી
નવરાત્રી મહોત્સવને અનુલક્ષીને
યાત્રાળુને કોઈ અગવડ ન પડે તે જોવા સુચના આપી : પાણી, રસ્તા, વીજળી, સફાઈ, આરોગ્ય અને પોલીસ બંદોબસ્ત સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા કહ્યું : પાલર પાણીથી દુર રહેવા, ખાદ્ય પદાર્થની ચેકીંગ કરવા કડક સુચના : લખપત અને અબડાસામાં ભેદી બિમારીએ ઉભરો લીધો છે ત્યારે તંત્ર દ્વારા નવરાત્રી દરમ્યાન વધુ કાળજી રખાશે
નખત્રાણા : આગામી આસો નવરાત્રી દરમ્યાન જયાં લાખો શ્રદ્ધાળુઓ માં આશાપુરાજીના દર્શનાર્થે પગપાળા તથા ખાનગી વાહનો દ્વારા આવે છે. તે માતાનામઢ ખાતે આજે પ્રાંત અધિકારી સુરજ સુથારના અધ્યક્ષ સ્થાને તમામ કચેરીના અધિકારી, જાગીર શાખાના ટ્રસ્ટી તથા માતાનામઢના પૂર્વ સરપંચો સાથે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં હાલે વરસાદથી ધોવાઈ ગયેલા તમામ ડામરના રસ્તા રીપેરીંગ થાય, રસ્તા વચ્ચે આવતી ઝાડી કટીંગ થાય, તમામ યાત્રાળુને નિયમિત પાણી મળે, વીજળી સેવા, રોડલાઈટ ઉપલબ્ધ થાય, દરરોજ બે કે ત્રણ વખત માતાનામઢે સફાઈ હાથ ધરાય. એસટી બસ સેવા માટે જગ્યા, ડેપો ઉભો થાય, તમામ બજારોના મુખ્ય પોઈન્ટ પર સીસી કેમેરા ગોઠવાય ઉપરાંત મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, લોકો શાંતિપૂર્વક માતાજીના દર્શન કરી શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સ્વયં સેવકોની ટીમ કાર્યરત થાય. તાલુકામાં ભેદી રોગ પ્રસરેલો છે તેને ધ્યાને લઈ આરોગ્ય ટીમ દ્વારા વધુ સુવિધા ઉપલબ્ધ કરાય. ટ્રાફિકના કોઈ પ્રશ્ન ઉભા ના થાય, પદયાત્રીની સુવિધા માટે દરેક કેમ્પો રોડની થોડેક દુર ઉભા કરવામાં આવે ઉપરાંત રસ્તા વચ્ચે ગંદકી કે કચરો ન થાય, સ્વચ્છતા જળવાય, ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરવામાં આવે, પાણીના ટાંકાની સફાઈ, દવા છંટકાવની કામગીરી સહિતની વિવિધ ડીપાર્ટમેન્ટની લગતી જરૂરી સુચના આપવામાં આવી હતી. મેળામાં ઉભા કરવામાં આવતા સ્ટોલને પણ સફાઈ સહિત જરૂરી સુચના આપવામાં આવે. માતાનામઢે પાંચથી સાત લાખ શ્રદ્ધાળુ ઉમટે તેવી સંભવના હોતા તે તમામ યાત્રાળુઓની સેવા, સુવિધા પુરી પાડવા કોઈપણ જાતની કચાસ ન રહે તે જોવા માટે બેઠકમાં તાકીદ કરાઈ હતી. ડીવાયએસપી બી.બી. ભગોરા, ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, ટીડીઓ નટુભાઈ પરમાર, પીએસઆઈ સલીમ ડોડીયા, મામલતદાર, પૂર્વ સરપંચો સુરેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઈ કુંભાર, થાવરભાઈ ગોરડીયા, મહેશ્વરી રામજી, મંગલસિંહ સોઢા, જીએમડીસીના શ્રી રાઠવા, તલાટી શ્રી ગઢવી, વહીવટદાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ૦૦ જેટલા પોલીસકર્મી, ૧પ૦ એસટી બસો દોડશે તેવી માહિતી અપાઈ હતી. રૂપરાઈ તળાવ પાસે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવા ઉપરાંત ખટલા ભવાની મંદિરે ટ્રાફિક ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત વધારાનો ગોઠવવા, મેળામાં ખાણી પીણી, ખાદ્ય પદાર્થ વાસી ન હોય તે જોવા ફુડ વિભાગને કડક ચકાસણી કરવા સુચનો થયા હતા. માતાનામઢે ૩૦ કરોડના ખર્ચે મંદિર નવા વાઘા સજ્જ કર્યા છે તેની માહિતી પણ અપાઈ હતી.
...........
મથલ - રવાપર પાસે ટ્રાફિકના પ્રશ્નોનો કાયમી ઉકેલ જરૂરી
નખત્રાણા : માતાનામઢે નવરાત્રીમાં રવિવારે ખુબ જ ટ્રાફિક હોય છે ત્યારે તેનો રસ્તો કાઢવા પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહજી જાડેજાએ કાયમી ઉકેલની માંગ કરી હતી. ગત વર્ષે ૮ કલાકના ટ્રાફિકના લીધે રવાપર પાસે એસટી બસના કર્મીને સારવાર ના મળતા દમ તોડયો હતો. ત્યારે આ વખતે ટ્રાફિક ન સર્જાય તે માટે શનિ - રવિ બે દિવસ માતાનામઢે આવતા યાત્રાળુઓને રવાપરથી આવવા દેવાય જયારે રીર્ટન તેમને પાનેલીથી વાલ્કાના માર્ગથી જવા દેવાય તેવું સુચન કર્યું હતું. ઉપરાંત મથલ પુલ - નદી વહે છે ત્યાં પણ ટ્રાફિક જામ થાય છે. ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવા તથા આ રસ્તો ટ્રાફિકમાં બંધ થઈ જાય તો તેના બદલે કાદીયા - ટોડિયા - જડોદર વાળા માર્ગ મરામત થાય અને ઝાડી કટીંગ સહિતની કામગીરી થાય આ રસ્તો પણ અવેજીમાં રેડ્ડી રખાય તેવી માંગ પણ તેમણે કરી હતી. ઉપરાંત ભારે વરસાદથી ઠેર ઠેર તળાવો, ડેમ ભરાયેલા છે. આ પાલર પાણીથી દુર રહેવા નાગરીકોને સુચના અપાય સહિતના વિવિધ મુદ્દા તેમણે રજુ કર્યા હતા.

Comments