ટપ્પરની સીમમાં ટોળકીનો આતંક, ૧૦ લાખના વીજ વાયર લૂંટાયા
રાતના સમયે ૬થી ૭ માણસોની ટોળકી આવી, વાયર લૂંટીને ભાગતી વેળાએ સિક્યુરિટી ગાર્ડે પડકારતા ઘાતક હથિયારો વડે સિક્યુરિટી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ
અંજાર : તાલુકાના ટપ્પર સીમમાં અંકલેશ્વર મહાદેવના મંદિરની પાછળ ટપ્પર સબ સ્ટેશન પાસે લૂંટનો બનાવ બન્યો હતો. મૂળ અબડાસાના હાલે કિડાણામાં રહેતા ગગુસિંહ ગુમાનસિંહ સોઢાના જણાવ્યા પ્રમાણે ૯મી તારીખે રાત્રે ૧૧ઃ૩૦થી સવારે ૬ઃ૧પ દરમિયાન આ બનાવ બન્યો હતો. અજાણ્યા ૬થી ૭ માણસો ટોળકી બનાવી બોલેરો લઈને આવી ભદ્રેશ્વર વિદ્યુત પ્રા.લિ. કંપનીના ટપ્પર ગામની સીમમાંથી પસાર થતા વીજ લાઈનના ટાવર નંબર ૧૯૦થી ૧૯૪ સુધીના ૬ હજાર મીટર વાયર કિંમત રૂપિયા ૧૦ લાખની લૂંટ કરીને જતા હતા. સિક્યુરિટી ગાર્ડના માણસોએ પડકારતા આરોપીઓએ વીજ વાયર કાપવાની કાતર અને પાઈપ જેવા હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડની પાછળ પડી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી વાયરો લઈને ભાગી ગયા હતા. વીજ લાઈનમાં નુકશાન પણ પહોંચાડવામાં આવ્યું હતું. ભદ્રેશ્વર પાવર પ્લાન્ટ દ્વારા સર્વે કરાયા બાદ દુધઈ પોલીસમાં બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Comments