નાના કપાયામાં મકાનનો નકુચો તોડી ઘરમાંથી ૩.પર લાખના દાગીના ચોરાયા
પશ્ચિમ કચ્છમાં કથળતી કાયદો વ્યવસ્થા, ગૃહ વિભાગને પરવાહ નથી....
સણોસરા ગામમાં મોમાય માતાજીના મંદિરમાંથી ૩પ હજારની ચોરી : નેત્રા મફતનગરની શાળામાં ચોરીનો પ્રયાસ
ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે. ચોરીના મોટાભાગના ગુનાઓમાં ભેદ ઉકેલવામાં પશ્ચિમ કચ્છ પોલીસ નિષ્ક્રીય રહેવા પામી છે. તેવામાં વધુ ત્રણ ગુના ચોપડે ચડ્યા છે. એકતરફ ચોરીની ઘટનાઓ વધી રહી છે. બીજીતરફ હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન અઠવાડિયામાં જ તંગદિલી જગાવતી ત્રણ ઘટનાઓ સામે આવી છે એ વચ્ચે ભુજ તાલુકાના નારણપર ગામમાં ડબલ મર્ડર થયા છે. આ ઘટનાક્રમો વચ્ચે છેલ્લા ૩ મહિનાથી પશ્ચિમ કચ્છ જિલ્લો પોલીસવડા વિહોણો છે. હવે ગૃહવિભાગ હરકતમાં આવશે કે માત્ર ચમરબંધીને છોડવામાં આવશે નહીં તે વિધાન યથાવત રહેશે. મુંદરા તાલુકાના નાના કપાયા ગામે આવેલ પૂર્વી પાર્ક સોસાયટીના મકાન નંબર ૭૪/બીમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ બાબતે પોલીસમાંથી મળેલી માહિતી મુજબ ફરિયાદી ચંદાકુમારી પ્રકાશકુમારે જણાવ્યું હતું કે, કોઈ ચોર અજાણ્યા ઈસમે ફરિયાદીના બંધ મકાનનો નકુચો તોડી સેન્ટલ લોક તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ફરિયાદીના ઘરમાં બેડરૂમમાં રાખેલા ૩.પર લાખના દાગીના ચોરવામાં આવ્યા હતા. જે બાબતે મુંદરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ તરફ ભુજ તાલુકાના સણોસરા ગામમાં મોમાય માતાજીના મંદિરને અભડાવાયું હતું. ફરિયાદી રવાભાઈ રામાભાઈ રબારીના જણાવ્યા મુજબ કોઈ ચોર ઈસમોએ ગામમાં આવેલ મોમાય માતાજીના મંદિરમાં પ્રવેશ કરી મંદિરની ગ્રીલમં લગાવેલ દાનપેટીનો લોક તોડી તેમાંથી આશરે ૩પ હજારની રોકડ ચોરવામાં આવી હતી. જે અંગે માનકૂવા પોલીસમાં ફરિયાદ થઈ છે. દરમિયાન નખત્રાણા તાલુકાના નેત્રા ગામે મફતનગર પંચાયત પ્રાથમિક શાળામાં ચોરીનો પ્રયાસ થયો હતો. ગઈકાલે શાળા છુટયા બાદ અસામાજિક તત્ત્વો કમ્પાઉન્ડની દિવાલ કુદીને આવ્યા હતા. કોમ્યુટર રૂમ, લેબરૂમનું તાળુ ન તુટતાં મોટી ચોરી અટકી હતી. શાળા છુટયા બાદ અહીં અવાર નવાર દારૂડિયા, અસામાજિક તત્ત્વોના આંટાફેરા હોય છે. દિવાલ નાની હોવાથી આવારા તત્ત્વો અંદર ઘુસી આવે છે. તેમજ કેટલાક લોકો જુગાર પણ રમે છે. થોડા દિવસો પહેલા દારૂ પીને આવેલા શખ્સે મધ્યાહન ભોજન કરતા બાળકોને ડરાવ્યા હતા. શાળા છુટયા પછી આસપાસના લોકો સ્કૂલમાં આવીને કપડા ધોઈ જતા હોવાનું પણ લોકો કહી રહ્યા છે. સમસ્યાઓના નિવારણ માટે ઉંચી દિવાલ બનાવાય અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે.

Comments