Trending News
સ્થાનિક સમાચાર

ભુજ તાલુકાના નારણપર રાવરી ગામે બે સગાભાઈઓની હત્યાથી દોડધામ 

12 September



બસ સ્ટેશન પર બેસવા બાબતની જુની અદાવતમાં ટોળાએ કર્યો હુમલો : નાના ભાઈને બચાવવા જતાં મોટા ભાઈનું મોત થયું : પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને રાઉન્ડઅપ કર્યા 


ભુજ : તાલુકાના નારણપર રાવરી ગામે ગત રાત્રે બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બસ સ્ટેશન પર બેસવા બાબતની જુની અદાવતમાં ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે. આ બાબતે પોલીસ સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ ગઈકાલે રાત્રે પોણા એક વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. આરોપીઓ સીરાજ અકબર ખલીફા, હુસેન આમદ જત, અકબરપીર મામદ ખલીફા, મનોજ જયસ્વાલ, મેમુનાબેન અકબર ખલીફા, સબીર અબ્દુલ જત, સાહિલ અકબર ખલીફાએ ગેરકાયદે મંડળી બનાવી હુમલો કર્યો હતો. આરોપી સીરાજ, હુસેન અને શબ્બીરનો હતભાગી કાદર સાથે ગઈકાલે ગામના બસ સ્ટેશન પર બેસવા બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને ટોળાએ હતભાગીના ઘરે જઈ હુમલો કર્યો હતો. છરી વડે કાદર ભચુ જત નામના ર૮ વર્ષિય યુવાન પર હુમલો કરવામાં આવતા ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારે તેનો મોટો ભાઈ ૩૦ વર્ષિય ગુલામ ભચુ જત બચાવવા માટે વચ્ચે પડતાં તેનું પણ ગંભીર ઈજાઓથી મોત થયું હતું. એક જ પરિવારના માતા - પિતા અને બે પુત્રો સહિત સાત જણાએ છરી, લોખંડના પાઈપ, લાકડાના ધોકા વડે હુમલો કરતાં બે સગા ભાઈના મોત થયા હતા. બનાવને પગલે પોલીસ દળમાં દોડધામ મચી ગઈ છે. માનકૂવા પોલીસે હુસેન કાસમ જતની ફરિયાદના આધારે આરોપીઓને રાઉન્ડઅપ કરી પુછપરછ હાથ ધરી છે. હત્યા કેસમાં રાઉન્ડઅપ કરાયેલા મનોજ સામે અગાઉ ગાંજાનો ગુનો નોંધાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. બે- બે યુવાનના અકાળે મોતથી નાનકડા ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આજે બપોર બાદ તેમના ઘરેથી જનાજો નિકળતા ગમગીની ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. 

Comments

COMMENT / REPLY FROM