આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! ગાજવીજ સાથે વરસાદની આગાહી
સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ : ૧ થી ૧૮ ઓક્ટોબર દરમ્યાન વરસાદની સંભાવના વ્યક્ત કરતા હવામાન નિષ્ણાંતો
ભુજ : નવરાત્રી દરમ્યાન રાજ્યનાં કેટલાક જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ૧ થી ૧૮ ઓક્ટોબર દરમ્યાન છુટા છવાયા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ વર્ષે ચોમાસુ મોડું વિદાય લેશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.
હાલ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમો ગુજરાત
પરથી પસાર થઈ મધ્ય પ્રદેશ તરફથી ઉત્તર ભારત તરફ જઈ રહી છે. જેથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બોર્ડર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસ સુધી સામાન્ય તેમજ મધ્યમ તેમજ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે. રાજ્યમાં ૧૧ થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન
પવનની ગતિમાં વધારો થશે. ૧૮ થી ૨૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ દરિયાકાંઠાનાં વિસ્તાર સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પવન ફૂંકાઈ શકે છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં પણ સામાન્ય વધાર થઈ શકે છે. તેમજ તા. ૧૧ થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન તાપમાનનો પારો એક થી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. તાપમાનનો પારો વધવાનાં કારણે ઉકળાટ અને બફારો વધી શકે છે. જેથી લોકોને ઉનાળા જેવો અનુભવ થશે.અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં સાતમ - આઠમના મેળા દરમ્યાન પણ મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી ત્યારે હવે નવરાત્રીમાં પણ વરસાદની આગાહી કરાતા ખેલૈયાઓમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. તો બીજીતરફ વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

Comments