કોટડા (જડોદર)માં વિધર્મી આતંક : ગણેશજીની મૂર્તિ પર પથ્થર ફેંકાયા
સુરત જેવી ઘટનાનું કચ્છમાં પુનરાવર્તન ?
૮ લોકોની અટકાયત કરઈ છે, હાલમાં ગામમાં શાંતિનો માહોલ છે, બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છેઃ શ્રી સાગર બાગમાર
ગામના મૌલાના સમેત ૭ શખ્સોની કરાઈ અટકાયતઃ બાળકો મારફતે બપોરના અરસામાં ફેંકાયા હતા પથ્થર : પોલીસે તાત્કાલિક આરોપીઓની અટક કરી કડક કાર્યવાહી હાથ ધરી : પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમારની સમયસૂચકતા ભરી કામગીરી સરાહનીય : ગામ પોલીસ છાવણીમાં તબદીલ
તંત્ર-પોલીસ અમુક ટીખ્ખળબાજો સામે કાર્યવાહી કરી જ રહી છે, સોશ્યલ મીડિયા પર કોઈએ
ખોટી અફવાઓ ફેલાવી નહીં અને અફવાઓના પડીકાઓમાં કોઈએ આવવું પણ નહીં
નખત્રાણા : હાલમાં વિઘ્નહર્તા ગણપતિ મહારાજનો મહોત્સવ ચાલી રહ્યો છે. કચ્છ-ગુજરાત સહિત દેશભરમાં ગણપતિ પૂજન - અર્ચન કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ વખતે ગુજરાતમાં વિધર્મીઓએ હદ વટાવી હોય તેમ સુરતના સૈયદપુરામાં મૂર્તિ પર પથ્થરો ફેંકાયા હતા. જે બાદ ભરૂચમાં પણ આ પ્રમાણેની ઘટના બની છે. જે બાદ કચ્છમાં કોમી તોફાનને આમંત્રણ આપતિ ઘટના બની છે. જેમાં નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગણેશજીની મૂર્તિ પર પથ્થરો ફેંકી સુંઢને ખંડીત કરવામાં આવી હતી. જે બનાવને પગલે સમસ્ત ગ્રામજનો તેમજ હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગણપતિ સ્થાપના કરવામાં આવી છે. ગઈકાલે મંગળવારે બપોરના અરસામાં મૂર્તિ પર પથ્થરો ફેંકી ખંડીત કરવામાં આવી હતી. સાંજે કાર્યકરો પંડાલમાં પહોંચ્યા ત્યારે પથ્થરો જોવા મળ્યા હતા. તેમજ સુંઢ તુટેલી જોવા મળી હતી. થોડીવારમાં ગ્રામજનો ભેગા થઈ ગયા, પોલીસને બોલાવવામાં આવી .
લોકોમાં આક્રોશ ફેલાઈ જતા પોલીસ પહોંચી આવી હતી. સ્થળ પર તપાસ કરવામાં આવી અને ગ્રામજનો દ્વારા નામ આપવામાં આવ્યા હતા, જેના આધારે ગઈકાલે મોડી રાત્રે નખત્રાણા પોલીસમાં આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસપી સાગર બાગમારે માધ્યમો સમક્ષ માહિતી આપતા જણાવ્યું કે, કોટડા જડોદર ગામે બનેલા બનાવમાં આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ત્રણ સગીર તેમજ ચાર પુખ્તવયના લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.
હાલે ગામમાં શાંતિ છે, તેમજ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, બાળકોએ પથ્થર ફેંકયા હતા. ત્રણ બાળકો પૈકી એકના પિતા મૌલાના છે તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. લોકોને શાંતિ રાખવા અને સોશિયલ મીડિયામાં ખોટા ઉશ્કેરણીજનક મેસેજ ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આરોપીઓને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Comments