મોખા ટોલગેટ પર ટ્રાન્સપોર્ટરો દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન
નો રોડ... નો ટોલ...
ખરાબ રોડ-રસ્તા અંગે વારંવાર રજૂઆતો છતા પરિણામ ન આવતા કરાયું ચક્કાજામ : ગાંધીધામ ચેમ્બર, કચ્છ જિલ્લા ડમ્પર ઓનર્સ, ટ્રક ઓનર્સ વેલ્ફેર ફાઉન્ડેશ (રતનાલ), ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, કંડલા-મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસો. સહિતની સંસ્થાઓ પ્રદર્શનમાં જોડાઈ : ટ્રાન્સપોર્ટરો દ્વારા ટોલગેટ પર રામધૂન બોલાવી કરાયા ધરણા : એસટી, એમ્બ્યુલન્સ સિવાયના તમામ વાહનો રોકી દેવાયા
મુન્દ્રા : કચ્છ જિલ્લાના મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો જેવા કે સામખિયાળી-માળિયા અને સામખિયાળી-રાધનપુર ઉપરાંત કંડલા અનેમુન્દ્રા પોર્ટ તરફ જતા માર્ગોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. દરરોજ મોટી સંખ્યામાં કોર્મશિયલ સહિતના વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોય છે, પરંતુ માર્ગની હાલત અત્યંત ખરાબ હોવાથી વાહનોને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે ત્યારે કચ્છની વિવિધ વાણિજય સંસ્થાઓ દ્વારા આજે મોખા ટોલ ગેટ પર નો રોડ, નો ટેકસ મુદ્દે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરાયું હતું.
ગાંધીાધમ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, કચ્છ ડિસ્ટ્રીક્ટ ડમ્પર ઓનર્સ એસો ગાંધીધામ, ટ્રક ઓનર્સ વેલ્ફેર ફાઉન્ડેશન રતનાલ, ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસો, ગાંધીાધમ લોડસ ટ્રક ઓનર્સ એસો., કંડલા-મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસો., ન્યુ જીજીટીએ, ધ ટેન્કર ઓનર્સ એન્ડ ઓપરેટર એસો. સહિતની સંસ્થાઓ દ્વારા મોખા ટેલ ગેટ પર વિરોધ પ્રદર્શન કરી વાહનોને અટકાવવામાં આવ્યા હતા. ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ પુંજે જણાવ્યું હતું કે, આજે શાંતિપૂર્ણ આંદોલનમાં કચ્છના ૭૦થી વધુ ટ્રાન્સપોર્ટ સંગઠનો જોડાયા છે. ગાંધીધામ ચેમ્બરે તમામ સંગઠનોની લડતને ટેકો આપ્યો છે. ટ્રાન્સપોર્ટરોની લડાઈ કોઈ સરકાર સામે નહીં પરંતુ ટોલ ગેટના કોન્ટ્રાક્ટરો સામેની છે. ટોલ ગેટના એમઓયુમાં ઉલ્લેખ છે કે, સારા રસ્તાઓ આપવાની જવાબદારી ટોલ સંચાલકની રહેશે પરંતુ હાલે કચ્છના ધોરીમાર્ગોની હાલત અત્યંત ખરાબ હોઈ ટ્રાન્સપોર્ટરો પર વાહનના મેઈન્ટેનન્સ, ઈંધણ વગેરેનું આર્થિક ભારણ વધ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવી છે અને એક સપ્તાહનો સમય અપાયો છે જો રસ્તાની હાલતમાં સુધારણા નહીં થાય તો તમામ ટ્રાન્સપોર્ટરો પોતાના વાહનો થંભાવી દેશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. ન્યુ જીજીટીએના પ્રમુખ ઈન્દ્રજિતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, જો રોડ સારા ન હોય તો ટોલ વસૂલવામાંઆવશે નહીં. કચ્છના ટ્રાન્સ્પોર્ટરો ટોલ આપવા તૈયાર છે પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા સારા રસ્તાની સુવિધા મળે તે પણ જરૂરી છે. મહેશભાઈ તીર્થાણીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ર૦ હજાર મોટા કોર્મશિયલ વાહનો છે જે કચ્છના બન્ને મહાબંદર અને ઉદ્યોગોના માલસામાનનું પરિવહન કરે છે. છેલ્લા ચોમાસુ વરસાદમાં રસ્તાનું ધોવાણ થયું છે. રસ્તાઓ ખરાબ હોવાથી ધંધાર્થીઓને મોટું નુકશાન થાય છે તેથી જ્યાં સુધી રસ્તાની સુધારણા ન થાય ત્યાં સુધી ટોલ વસૂલવામાં ન આવે તે અમારી માંગ છે. રમેશભાઈ આહિરે જણાવ્યું હતું કે, ટોલ રોડ તરીકે ઓળખાતા રસ્તાઓની હાલત કમસે કમ ટોલ ઉઘરાવવા લાયક હોવી જોઈએ. ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છના ધોરીમાર્ગોથી સરકારી તિજોરી અને ટોલ સંચાલકોને કરોડોની આવક થાય છે પરંતુ રસ્તાઓની હાલત અત્યંત દયનીય છે. તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, જ્યાં સુધી રસ્તા ન બને ત્યાં સુધી ટોલ વસૂલવામાં ન આવે તેવી માંગ કરી હતી. મોખા ટોલ ગેટ પર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારો દ્વારા રામધૂન બોલાવી ધરણા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જ્યાં સુધી ટોલમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી વાહનો અટકાવવાની ચિમકી અપાઈ હતી. એસટીની બસો, એમ્બ્યુલન્સ સિવાય તમામ વાહનોને અટકાવી દેવામાં આવતા મોખા ટોલ ગેટની બન્ને તરફે વાહનોની લાંબી કતારો લાગી હતી. મોખા ટોલ ગેટ પર સમાઘોઘા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

Comments