Trending News
સ્થાનિક સમાચાર

ભેદીરોગના રાજ ખુલતા નથી દયાપરમાં કંટ્રોલરૂમ કાર્યરત પણ ભેદીરોગ કંટ્રોલમાં નથી

11 September

 

લખપતમાં દર્દીઓથી ઓપીડી ઉભરાઈ : વધુ ૩૦૦ જેટલા દર્દી સારવાર હેઠળ : રપ૦ જેટલા કર્મચાઅીઓ ફરજ બજાવે છે : ભેદીરોગ ચાળે ૧૬ના જીવ લીધા : છેવાડાના ગામમાં પાણી હજુ નથી મળતું : પાણીના ટેન્કર ચાલુ : દવા છંટકા સહિતની કામગીરી માટે ૩પ ટીમો તૈનાત : પુનાથી રિપોર્ટની જોવતી રાહ

દયાપર/નખત્રાણા  : લખપતમાં ભેદીરોગે ૧૬ના જીવ લઈ લીધા પછી દયાપર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કંટ્રોલ રૂમ ઊભો થયો છે, છતા તાલુકામાં ભેદીરોગ કંટ્રોલમાં આવ્યો નથી. લખપત, અબડાસા તાલુકામાં ન્યુમોનીયા જેવા લક્ષણ ધરાવતા ભેદી વાયરસે વધુ બે લોકોના જીવ લેતા વધુ ફફડાટ ફેલાયો છે ત્યારે જીવલેણ પુરવાર થઈ રહેલા આ વાયરસથી ઓપીડી ઉભરાઈ રહ્યો છે, હાલ ૩૦૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. તાલુકામાં તાવ જેવા રોગોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. ૧૬ લોકોનો ભોગ લેનાર વાયરસ એટલી ઝડપથી પ્રસરે છે કે, ર દિવસમાં દર્દી ગંભીર બની જાય છે. બન્ને તાલુકા આમેય પણ મેલેરિયાના પોકેટ વિસ્તાર છે ત્યારે આ વાયરસ જે તીવ્રતાથી વધ્યો છે તે જોતા સ્વાઈનફ્લૂ, કોરોના, ડેન્ગ્યૂ, કોંગો ફીવર કે પછી અન્ય બેકટરીયા જન્ય વાયરસ છે તેનો ભેદ અકબંધ છે. પુનાથી રીપોર્ટની રાહ જોવાઈ રહ્યા છે અને આરોગ્ય ટીમ દ્વારા સારવાર ચાલી રહી છે. આ બિમારીનો રાજ ક્યારે ખુલશે ? રિપોર્ટ પર નજર છે. રિપોર્ટ ક્યારે આવશે તો તાલુકામાં ચિકનગુનિયાના કેસો પણ સામે આવી રહ્યાના અહેવાલ મળ્યા છે. તાવના દર્દીઓને નખત્રાણા, ભુજ, રાજકોટ, અમદાવાદ સુધી સારવાર અર્થે પહોંચ્યા છતાં પરિણામ દુઃખદ આવ્યું છે. તાવ શા માટે નથી મટતો તેનો ભેદ અકબંધ છે. કચ્છનું આરોગ્ય તંત્ર છેવાડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ધામા નાખ્યા છે. દયાપર સહિત ઓપીડી ભરપુર છે. ૩૦૦ જેટલા દર્દી રોજના નોંધાય છે. સામે રપ૦ જેટલા કર્મચારી તૈનાત છે. ૩પ જેટલી ટીમો અલગ, અલગ બનાવીને બેખડો, સાન્ધોવાંઢ, મોરગર, મેડીવાંઢ, ભારાવાંઢ, લાખાપર સહિતના વિસ્તારમાં દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે. અમદાવાદ - રાજકોટથી આવેલી નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા પણ અભ્યાસ થઈ રહ્યો છે અને રોગચાળો કંઈ રીતે ફેલાયો તે જાણવાના પ્રયાસો આદરાયા છે.છેવાડાના વિસ્તારમાં હજુ પીવાનું પાણી તંત્ર દ્વારા પહોંચ્યું નથી. પાણી ટેન્કર ચાલુ કરાયા છે પણ પુરતો પાણી મળતું નથી. ગામે, ગામ બિમારીના ખાટલા મંડાયા છે ત્યારે તંત્ર દ્વારા તાવને હળવાસથી ન લેવા દર્દીઓને અપીલ કરાઈ છે. હાલે લખપતના ગામડા આરોગ્ય ટીમ અને દર્દીઓથી ઉભરાયા છે.




.......................



બે પુત્રોના મોત પછી પિતાએ પણ અનંતની વાટ પકડી 
ભારાવાંઢમાં વધુ એક યુવાને દમ તોડ્યો : મૃત્યુ આંક ૬ 




નખત્રાણા : ભેદીરોગે હાહાકાર મચાવ્યા પછી ૧૬ના લખપત - અબડાસામાં લોકોના મોત પાછળ આજે ભારાવાંઢ ગામે વધુ એક યુવાને અંતિમ શ્વાસ લેતાં ભારાવાંઢ ગામે કુલ મૃત્યુ આંક ૬ પર પહોચ્યો છે. જત સમાજના અગ્રણી અને લખપત કોંગ્રેસના પ્રમુખ અલીમામદ જતે વિગતો આપતાં કહ્યું કે, ભારાવાંઢના અલાના મામદ જત (ઉ.વ. ૪પ)ને છેલ્લા ૪ દિવસથી તાવે ભરડામાં લેતા તેમણે સ્થાનિક સારવાર બાદ ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર કારગત ન નિવડતાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અગાઉ ર દિવસમાં જ તેમના બે પુત્રો આ ભેદીરોગમાં મૃત્યુ પામ્યા છે. આજે પિતાએ પણ અનંતની વાટ પકડતાં ખોબા જેવડા ગામમાં હડકંપ મચ્યો છે. જત સમાજના અગ્રણીઓ તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા. 

..........


કચ્છમાં જિલ્લા બહારની આરોગ્ય ટીમોના ધામા

ભારે વરસાદના પગલે જિલ્લાના અબડાસા અને લખપતમાં ફેલાયેલા ભેદીરોગના અટકાયતી પગલાં માટે જામનગર અને બોટાદની ટીમો કચ્છ પહોંચી 




ભુજ : કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદ બાદ સરહદી લખપત અને અબડાસા પંથકમાં ભેદી ભાવ જેવી બિમારીએ હાહાકાર મચાવ્યો છે. ભેદી બિમારીના પગલે જિલ્લામાં ૧પથી વધુ લોકોના શંકાસ્પદ મોત થયા બાદ જિલ્લા અને રાજ્યનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કચ્છની આરોગ્ય ટીમો દ્વારા સર્વેલન્સ સહિતની કામગીરી વેગવાન કરી દેવામાં આવી છે. લખપત અને અબડાસામાં બે ટીએમઓની પ્રતિનિયુક્તિ કરવામં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, આરોગ્ય વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી ધનજંય ત્રિવેદી, વિભાગીય નાયબ નિયામક ચેતન કતિરા, બી.જે. મેડિકલ કોલેજના શ્રી ઉપાધ્યાય સહિત ઉચ્ચ અધિકારીઓ કચ્છ આવી પહોંચ્યા છે. તો બીજીતરફ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આદેશ થતાં બોટાદ અને જામનગર જિલ્લાથી તબીબ, સીએમઓ સહિત આરોગ્ય કર્મચારીઓની ટીમને એમ્બ્યુલન્સ વાહનો સાથે કચ્છમાં રોગચાળા નિયંત્રણની કામગીરી માટે ઉતારવામાં આવી છે. જામનગરથી ૮ સભ્યોની બે ટીમ અને બોટાદથી ચાર સદ્દસ્યોની એક ટીમ કચ્છ આવી પહોંચી છે. 


..............
સમગ્ર ભારાવાંઢ ગામ ચેપીરોગના ભરડામાં 



ખોબા જેવડા ગામમાં પાંચ મોત થયા છે તે 


કોંગ્રેસના અગ્રણી અને જત સમાજના મોભીઓ ગામની મુલાકાત લીધી : આરોગ્યની ટીમ દ્વારા સમગ્ર ગામના લોકોનું કરાયું ચેકઅપ : દર્દીઓની લાઈન લાગી





નલિયા : અબડાસા તાલુકાના ભારાવાંઢના જત મીયાસાબાઈ તથા ૧૩ વર્ષિય અનવર જતના મોત સાથે ગામમાં ભેદીરોગે પાંચના જીવ લીધા છે. આજે લખપત તાલુકાના કોંગ્રેસ અગ્રણી તથા જત સમાજના મોભીઓ અલીમામદ જત, મામદ જુગ, મુબારક ભારાએ ગઈકાલથી જ ગામે દોડી આવ્યા હતા. ગામમાં ભેદી તાવે અજગરી ભરડો લીધો છે ત્યારે આરોગ્યની ટીમ સતત કાર્ય કરી રહી છે. ગામના લોકોની આરોગ્ય નિદાન ચેકઅપ ચાલુ છે. ગામમાં રોગથી ભયનો માહલો ફેલાયો છે. અલીમામદ જતે કહ્યું કે, સરકાર ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા માર્યા હોય તેવું ચિત્ર છે. ગામમાં પાંચ મોત પછી સરકાર સફાળી જાગી છે અને હવે આરોગ્યની ટીમ ગંભીરતા સમજીને કામ કરે છે. જો આગોતરા પગલાં લેવાયા હોત તો નિર્દોષ જીવ બચી શક્યા હોત. ગામમાં દવા છંટકા સહિતની કામગીરી હાથ ધરાઈ છે. 




 

Comments

COMMENT / REPLY FROM