Trending News
સ્થાનિક સમાચાર

લખપતમાં ઘર-ઘર બિમારીના ખાટલા

10 September



તબીબોની ટીમો ગામડે-ગામડે પહોંચી : અધિકારીઓના દયાપર અને અબડાસામાં ધામા : ૪૦૦ જેટલા બિમાર દર્દી સારવાર લઈ રહ્યા છે : બિમારીના રિપોર્ટ હજુ આવ્યા નથી શુદ્ધ પાણી જ એક માત્ર બિમારી સામે લડે તેમ છે : દયાપર ઉમીયા ભવન ખાતે આરોગ્ય સહીત ટીમને તાલીમ અપાઈ : ગઈકાલે કચ્છ કલેકટર લખપત તાલુકાની મુલાકાત બાદ આજે ડીડીઓ પહોચ્યા



નખત્રાણા : લખપતમાં ભેદી રોગે ૧૪ લોકોના જીવ લીધા પછી અને મીડીયા અને કોંગ્રેસના ઉહાપોહ વચ્ચે સરકાર હરકતમાં આવી હોય તેમ લખપતમાં અધિકારીઓએ પડાવ નાખ્યો છે, અને બિમારી સામે લડવા આરોગ્યની ટીમ તૈનાત કરી છે. તાલુકામાં ઘેર ઘેર બિમારીના ખાટલા માંડ્યા છે. તાવ, શરદી સહિતના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. હાલ તંત્ર આ બિમારીઓને અંકુશમાં લેવા પ્રયાશ કરી રહી છે. આજે સવારે આરોગ્યની ટીમ સહિતને તાલીમ દયાપર ઉમીયા ભવન ખાતે આપવામાં આવી હતી. આ તાલીમ મુદ્દો ભારે ચર્ચા જાગી હતી. ગઈ કાલે કચ્છ કલેકટર અમીત અરોરા લખપત તાલુકાની મુલાકાત દોડી ગયા હતા અને તાલુકા પંચાયતમાં બેઠક યોજી રોગચાળાને અંકુશ લેવા ચર્ચા હાથ ધરી હતી. આ બેઠકમાં કલેકટર શ્રી આરોરા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ આગેવાનો સાથે ચર્ચા કરી હતી. આજે સવારે જિલ્લા વિકાસ અધિકારી નિંકુજ પરીખ સવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પહોચી ગયા હતા. 
આજથી લખપતમાં ૨૦ જેટલી ટીમો ગામડે ગામડે જઈને સર્વે કરી દવા છંટકાવ, દવા આપવા સહિતની કામગીરી હાથ ધરી છે. તો તાલુકા પંચાયત કચેરી ખાતે અધિકારીઓનો કાફલો પડાવ નાખ્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખ દયાબા જાડેજાએ કહ્યું કે, ના.જિ.વિ. અધિકારી, પશુપાલન અધિકારી, લખપત પ્રાંત અધિકારી, ગ્રામ વિકાસના નિયામક, આરોગ્ય અધિકારી સહિતના જિલ્લા કક્ષાના અધિકારીનો લખપતમાં પડાવ છેે. બીજી તરફ તાલુકામાં બિમારી માથું ઉચકતા તંત્ર ઉંધા માથે છે. આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવી રહ્યા છે. અંદાજે ૩૦૦ જેટલા કાલે દર્દી નોંધાયા હતા. આજે અમુક દર્દીઓ આવી રહ્યા છે જેને જરૂર છે તેને દાખલ કરવામાં આવી રહ્યા છે. દરેક વોર્ડમાં દર્દીઓને ગ્લુકોઝ, ઈન્જેક્શન સાથે દવાની બોટલો ચડાવવામાં આવે છે ઉપરાંત ઓપીડી કે અન્ય કેન્દ્ર કરતા વધારાના તબીબો મુકવા સાથએ ૧૫ બેડની વ્યવસ્થા કરાઈ છે. તકેદારીના ભાગરૂપે ઓક્સિજન સિલિન્ડર મુકવામાં આવ્યા છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દવાઓના પુરતા પ્રમાણમાં જથ્થા કરવા સુચના અપાઈ છે. બીજી તરફ મોત થયેલા વ્યક્તિના રિપોર્ટ પર મીટ મંડાઈ છે. તો ન્યુમોનિયા કઈ રીતે ફેલાયો તે જાણવા ૬ જેટલા સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મુકવામાં આવ્યા છે. તે રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો મળી શકે તેમ છે. ગાંધીધામના ટીએચઓને લઈ આરોગ્ય વિભાગે વધારાના તબીબ, સ્ટાફ ફાળવાયા છે. ટીમ દ્વારા ઘરોઘર સંપર્ક કરીને શંકાસ્પદ જણાતા દર્દીઓની સારવાર કરવા સાથે મચ્છર નાશક કામગીરી હાથ ધરવાની કાર્યવાહી ચાલુમાં છે. ગઈકાલે કચ્છ કલેક્ટર અમિત અરોરાએ તાલુકાની મુલાકાત લઈને જરૂરી ુચના આપી છે. અને બિમારી સામે તંત્ર પણ સજાગ છે. ગઈકાલે આરોગ્ય તંત્રની ટીમો દ્વારા તપાસણી સહિતના પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. કચ્છ કલેક્ટર અમિત અરોરા દ્વારા લખપત તાલુકા પંચાયત ખાતે તાકીદે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રોગચાળાને નિયંત્રણ કરવા માટે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તેના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ ભેદી રીતે થયેલા મોત મામલે વિચારણા કરાઈ હતી. અને સંબંધિત અધિકારીઓને યોગ્ય પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી.






..............


લખપતમાં જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખે તાકીદની બેઠક યોજી 


નખત્રાણા : લખપતમાં ભેદી રોગ સામે વહિવટતંત્ર સાબદુ બન્યું છે. ત્યારે ઈન્ચાર્જ જિ.વિ. અ. નિકુંજ પરીખે તાકીદની બેઠક યોજી હતી અને તાલુકાના દરેક ગામડે આરોગ્ય કર્મચારી સહિતની ટીમ મોકલીને

રજેરજની માહિતી કંટ્રોલરૂમમાં પહોંચાડવા કહ્યું હતું. દવા છંટકાવ સહિતની કામગીરીનો અહેવાલ તાકીદે સર્વે કરીને આપવા સહિતની જરૂરી માહિતી આપી હતી. તેમની સાથે ના.જિ.વિ.અ. સુરેશભાઈ ચૌધરી, ટીડીઓ નટુભાઈ પરમાર, તા.પં. પ્રમુખ દયાબા જસુભા જાડેજા, ચેરમેન અશોકભાઈ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા. દયાપરમાં ઉમિયાભવન ખાતે આરોગ્ય ટીમની તાલીમ પણ યોજાઈ હતી અને અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું.

..................


અબડાસાના ભારાવાંઢની ૩૬ વર્ષિય મહિલાનું મૃત્યુ : ર બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ



નલિયા : લખપત-અબડાસામાં ભેદી બીમારીના મોતના સિલસિલા વચ્ચે ભારાવાંઢની ૩૬ વર્ષિય મહિલાનું મૃત્યુ થયું હોવાનું અને અને ગામના ર બાળકો ભુજની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
અબડાસા લખપતમાં ભેદી બીમારાના લીધે મોતનો સિલસિલ વણથંભો રહેવા સાથે અબડાસાના ભારાવાંઢની ૩૬ વર્ષિય મહિલા મ્યોસાઈબાઈ અભુભખર જતનું મૃત્યું થયું હતું.ર દિવસની બીમારી બાદ મૃત્યુ થયું હોવાનું ગ્રાામજનોએ જણાવ્યું હતું. ભારાવંઢ ગામમાં ઘરેઘર બીમારીના ખાટલા મંડાયા છે. આરોગ્યની ટીમો ઘરેઘર ફરી સર્વેલન્સ કરી રહી છે છતા હજુ સુધી બીમારીના કારણો જાણી શકાયા નથી. ભારાવાંઢ ગામના ર બાળકો હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બીમારીના લક્ષણોમાં બંને બાળકોના ઓક્સીજન લેવલ ઘટી રહ્યા છે. અબડાસાનું આરોગ્ય માળખું આમે ય પહેલા ઓડંગાતું ચાલી રહ્યું હતું તે વચ્ચે ભેદી બીમારીના લીધે આરોગ્ય સેવાના ટાંચા સાધનોને લઈ આરોગ્ય માળખું તાલુકામાં પડી ભાંગ્યું હોય તેવો તાલ સર્જાયો છે.બીમારી શેના લીધે થાય છે અને શું બીમારી છે તે હજુ સધી નિષ્ણાંત ડોક્ટરો પણ કહી શકતા ન હોઈ દર્દીઓના પરિવારના જીવ તાળવે ચોટયા છે. 

 

Comments

COMMENT / REPLY FROM