Trending News
સ્થાનિક સમાચાર

ભુજના આશાપુરા નગરવાસીઓએ પાલિકાને કરી તાળાબંધી 

09 September

રસ્તા, પાણી અને ગટરની સમસ્યાથી ત્રસ્ત 




વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિથી રહેવાસીઓમાં ભભૂકયો આક્રોશ : સુધરાઈ કચેરીમાં ફર્નિચરને પહોંચાડ્યું નુકશાન : સુધરાઈના ચીફ ઓફિસર સ્થળ મુલાકાતે ધસી ગયા : સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી કચેરીમાં ધરણાની લોકોએ ઉચ્ચારી ચીમકી 





ભુજ : જિલ્લા મથક ભુજમાં ચોમાસુ વરસાદ બાદ રોડ રસ્તા, ઉભરાતી ગટર અને દુષિત પાણીથી સમસ્યા શરદર્દ સમાન બની છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને નળ વાટે ગટર મિશ્રિતન દુષિત પાણી મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત રસ્તાઓનું ધોવાણ થતાં ઠેર ઠેર ખાડાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ચોકઅપ થઈ ઉભરાતી ગટરના પાણી રસ્તાઓ પર ભરાયા છે. ભુજમાં રોગાચાળો ફાટી નિકળે તેવી ભીતિ સર્જાઈ છે, ત્યારે વરસાદ બાદ રોડ, રસ્તા, પાણી, ગટરની સમસ્યાનો સામનો કરી રહેલા શહેરના આશાપુરા નગરવાસીઓએ આક્રોશ આજે ભભૂકી ઉઠ્યો હતો. આજે સવારે આશાપુરાનગરના દોઢ સોથી બસો રહેવાસીઓ સુધરાઈ કચેરીએ ધસી આવ્યા હતા. ભારે આક્રોશ સાથે રજૂઆત દરમ્યાન કચેરીના ખુરશી, કબાટ જેવા ફર્નિચરને પણ નુકશાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ રહેવાસીઓએ નગરપાલિકા કચેરીને તાળાબંધી કરી લીધી હતી. મામલો ઉગ્ર બનતાં સુધરાઈ કચેરીએ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ભુજ નગરપાલિકા કચેરી પર ચાલી રહેલા હોબાળા વચ્ચે આવી પહોંચેલા ચીફ ઓફિસર જીગર પટેલ સમક્ષ રહેવાસીઓએ પોતાની વેદના ઠાલવી હતી. ચીફ ઓફિસરે તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી. જો કે, આશાપુરા નગરવાસીઓએ જયાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી સુધરાઈ કચેરી ખાતે ઘેરાવ યથાવત ટાળવાની ચીમકી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને થયેલા વ્યાપક વરસાદ બાદ શહેરમાં રોડ, રસ્તા, દુષિત પાણી અને ગટર સમસ્યા વધી છે. તંત્ર દ્વારા વ્યાપક કવાયત બાદ હજુ સુધી સ્થિતિ સામાન્ય થઈ શકી નથી, જેથી લોકોના ધીરજ ખુટી રહ્યા છે. આશાપુરાનગર રહેવાસીઓનું ધૈર્ય ખુટી જતાં આજે સુધરાઈ કચેરીએ જનાક્રોશનો પરચો જોવા મળ્યો હતો.

Comments

COMMENT / REPLY FROM