Trending News
સ્થાનિક સમાચાર

લખપતમાં ડેન્ગ્યુ અને એચ-૩એન-રએ દીધી દસ્તક 

09 September




સાન્ધ્રોની મહિલાનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝીટીવ : ભેખડાની મહિલાને એચ-૩એન-રની બિમારી : અન્ય બે દર્દીઓને ઝેરી મેલેરિયાની બિમારી હોવાના રિપોર્ટ આવ્યા : ચારેય દર્દીઓને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા



આરોગ્ય અધિકારી પ્રસાદને ફોન ઉપાડવાનો ટાઈમ નથી : બહારથી આવેલ આરોગ્ય ટીમોને માર્ગદર્શન મળતું નથી : ભેખડા સહિતના ગામો પીવાના પાણીથી વંચિત, હજુ પણ નાછૂટકે તળાવનું દુષિત પાણી પીવે છે : પશુપાલનની ટીમો પણ કાર્યરત : લખપતમાં આરોગ્ય, પાણી પુરવઠા કચેરી નિષ્ક્રીય : તાવના દર્દીઓની સંખ્યા વધી




ભુજ/દયાપર/નખત્રાણા : લખપત અને અબડાસા વિસ્તારમાં ભેદી તાવની બિમારીએ હાહાકાર મચાવ્યો છે. લખપત બાદ અબડાસા તાલુકામાં પણ ભેદી બિમારીથી વધુ ૩ મોત થયા હતા. સરહદી વિસ્તારમાં ભેદી બિમારીઓ માથુ ઉંચકતા જિલ્લા અને રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. તેવામાં લખપતના સાન્ધ્રોમાં એક મહિલાનો રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટીવ આવ્યો છે. ભેખડાની એક સ્ત્રીનો રિપોર્ટ એચ-૩એન-ર પોઝિટીવ આવ્યો છે. આ ઉપરાંત અન્ય બે દર્દીને ઝેરી મેલેરિયા (ફાલ્સીપેરમ)ની બિમારી હોવાનું સામે આવ્યું છે. 
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજકોટના પરીક્ષણ કેન્દ્રમાંથી લખપત તાલુકામાંથી લેવાયેલા સેમ્પલના રિપોર્ટ ગઈકાલે આવ્યા હતા, જેમાં તમામ દર્દીઓના કોવિડ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. એક મહિલાને ડેન્ગ્યુ, એક મહિલાને એચ-૩એન-ર ઉપરાંત અન્ય બે દર્દીઓને ફાલ્સીપેરમની બિમારી હોવાનું સામે આવતાં ચારેય દર્દીઓને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત લખપત અને અબડાસામાં મોટા પ્રમાણમાં માલધારી - પશુપાલક સમુદાય હોવાથી તકેદારીના ભાગરૂપે જરૂર જણાય કેસોના કોંગો ફિવરના પરીક્ષણ માટે પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે સેમ્પ પરીક્ષણ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્ય તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવે છે. ગઈકાલે રાજકોટથી આવેલ રેપીડ રિસ્પોન્સ ટીમે પણ કેટલાક સેમ્પ એકત્ર કર્યા હતા તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. 
જિલ્લામાં ડેન્ગ્યુની બિમારી કાબુમાં છે. આ વર્ષે જાન્યુઆરી માસથી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી દસેય તાલુકાઓમાં ડેન્ગ્યુના કુલ ર૪ કેસ સામે આવ્યા હોવાનું જણાવ્યું હતું. 
છેવાડાના લખપતમાં ભેદી રોગમાં ૧૪ ના મોત પછી પરિસ્થિતિ થાળે પડતી જાય છે અને લોકો હવે સામાન્ય તાવ, શરદીમાં પણ ડોકટર પાસે પહોંચતા થયા છે. લખપતમાં રોગની ગંભીરતા જોતા સરકાર સફાળી જાગી છે. રાજકોટથી મેડીકલ કોલેજ અને રાજ્ય સ્તરની અમદાવાદ રેપીડ રિસ્પોન્સ ટીમો આવી છે, જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી છે. ૬ ગામોમાં કુલ રપ ટીમો કાર્યરત છે. આજે પણ તેઓ સર્વે કરી રહી છે. બીજીતરફ લખપતનો આરોગ્ય અધિકારીનો ચાર્જ નખત્રાણા ટીઅચેઓ એ.કે. પ્રસાદ પાસે છે. આ કામચોર અધિકારી ફોન ઉપડતા નથી અને તેઓ સંકલનની બેઠકમાં પણ ગેરહાજર રહે છે. લખપતમાં રોગચાળો ફાટી નિકળ્યો અને આ અધિકારી તગડો પગાર લઈ આરામ ફરમાવે છે. આ અધિકારી સામે તાકીદે સરકાર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. બીજીતરફ જિલ્લા આરોગ્ય અધિકારી પણ રજામાં છે એટલે કચ્છનું આરોગ્ય વિભાગ રામ ભરોસે ચાલે છે તેવી રાવ ઉઠવા પામી છે. લખપતમાં જે ટીમો આવી છે તે રોગની ગંભીરતા સમજીને કામ કરતી નથી. માત્ર ટાઈમ પાસ કરવા આવી હોય તેમ લાગે છે તેવા આક્ષેપ ઉઠ્યા છે.
તાલુકામાં તાવ શરદીના દર્દીઓ વ્યાપક છે તેવો પણ હવે ધીમેધીમે દવાખાનામાં સારવાર લેવા પહોંચે છે. આરોગ્ય ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સર્વે થઈ રહ્યો છે, જેમાં ૧૩૮૧ લોકોને સર્વે હેઠળ આવરી લેવાયા છે. ર૭૦ જેટલા ઘરોની મુલાકાત લેવાઈ છે, જેમાં ૮૪૪ સ્થળોએ મચ્છર ઉત્પતિ સ્થાનોના પાત્રો તારવવામાં આવ્યા છે. સ્થાનિકે ૧૯પપ કલોરીનની ગોળીઓનું વિતરણ કરવા સાથે ર૯૧ ઓઆરએસ પેકેટ અપાયા હતા. ર૦ વ્યક્તિને ફકત તાવ તેમજ ર૮ને તાવ સાથે શરદી ખાંસી, ગળાના દુઃખાવાના લક્ષણો જોવા મળ્યા હતા. તો તાલુકામાં તંત્રની સૂચનાથી પશુપાલનની ટીમો પણ દોડાવી છે અને સર્વે હાથ ધર્યો છે. છેવાડાના વિસ્તારમાં લકી, ગુનાઉ, મેડી, તદુરા વિસ્તારમાં નર્મદાના પાણી ન પહોંચાડતા લોકો નાછૂટકે તળાવનું ગંદુ પાણી થાય છે અને રોગમાં સપડાય છે. પાણી પુરવઠા બોર્ડ તાકીદે પાણીની વ્યવસ્થા ઉભી કરે તેવી માંગ ઉઠી છે. તાલુકામાં લાઈટ ચાલુ થઈ છે છતાં પાણી નથી આવતું. ટૂંકમાં લખપતમાં સરકાર કરોડો રૂપિયા ફાળવ્યા હોવા છતાં આરોગ્ય, પાણી પુરવઠાની સેવાથી લોકો વંચિત રહે છે, તેના પર ગંભીરતા જરૂર છે. કચ્છ કલેકટર કંઈક રતો કાઢે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.




.........................



લખપત તાલુકા કોંગ્રેસે અસરગ્રસ્તોની મુલાકાત લીધી 



દયાપર : લખપત તાલુકા કોંગ્રેસે ભેદીરોગના મરણ પછી તાકીદે તાલુકાના તદુરા, પીપર, મોટી ખીરસરા, વાલરિયા, ગુનાઉ, ભારાવાંઢ ગામોની મુલાકાત લઈને અસરગ્રસ્તોને સાત્વના આપી હતી. તાલુકા કોંગ્રેસના પ્રમુખ અલીમામદ જત, જિ.પં.ના સભ્ય મામદ જુંગ જત, દેસુભા જાડેજા, હાજી સલેમાન ૫ડેયાર, હુસેન રાયમા દર્દીઓને મળ્યા હતા. તથા આરોગ્ય ટીમ દ્વારા દવા છંટકાવ સહિતની કાર્યવાહી હાથ ધર્યું કહ્યું હતું. પાણી પીવાનું પહોચાડવા તથા ગાંડા બાવળ કાપવા, બંધારાના ગંદા પાણી ભરાયા છે. તેનો નિકાલ કરવા ઉપરાંત અદાણી સિમેન્ટ તથા અલ્ટ્રાટેક કંપની દ્વારા લોકોની સુખકારી માટે દાયિત્વ નિભાવવા માંગ કરી હતી. તેમણે સારા રસ્તા આપવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિકા પુરી પાડવા, પાણી પુરવઠો પુરો પાડવા સહિતની સુવિધા માટે અનુરોધ કર્યો હતો. તાલુકામાં તાવ, શરદી સહિતના રોગોમાં ઉછાળો છે ત્યારે વધુ તબીબની નિમણુકની માંગ કરી હતી અને છેવાડાના ગામડામાં તાકીદે શુદ્ધ પીવાનું પાણી પહોડાવા કહ્યું હતું. 


...................



આજે રેપીડ રિસ્પોન્સ ટીમ અબડાસા પહોંચી 


ભુજ : લખપત - અબડાસા પંથકમાં ભેદી બિમારીથી થતાં મોતની તપાસ માટે રાજકોટ અને ગાંધીનગરથી રેપીડ રિસ્પોન્સ ટીમો કચ્છ દોડી આવી છે. ગઈકાલે ટીમોએ દયાપર અને લખપતના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. આજે સવારે માતાનામઢની મુલાકાત લીધા બાદ તમામ ટીમો અબડાસા રવાના થઈ છે. નલિયા ખાતે તાલુકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં તાલુકાની પૂવર્તમાન આરોગ્યની સ્થિતિ અંગેની માહિતી મેળવી જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ ટીમ ફિલ્ડ વિઝટ માટે તાલુકાના વિવિધ ગામો અને વાંઢ વિસ્તારની મુલાકાત લેશે તેવું જાણવા મળ્યું હતું. 


.................


કચ્છમાં મચ્છરોનો વધ્યો ઉપદ્રવ : વાયરલ બિમારીઓમાં ઉછાળો 
’



મચ્છર જન્ય રોગ મલેરિયા, ટાઈફોઈડ, ડેન્ગ્યૂ સહિતની બિમારી વકરે પહેલા કડક પગલા જરૂરી  




ભુજ : કચ્છ જિલ્લામાં થયેલા વ્યાપક વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધ્યો છે. કચ્છના શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં મચ્છરોની સંખ્યામાં અણધાર્યો વધારો થતાં વાયરલ બિમારોઓએ માથુ ઉચકયું છે. લોકો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી બિમારીઓનો શિકાર થઈ રહ્યા છે. 
કચ્છના ખાનગી અને સરકારી દવાખાના, હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. લખપત અને અબડાસા તાલુકામાં ભેદી તાવથી થયેલા મોત બાદ કચ્છવાસીઓમાં ચિંતા ફેલાઈ છે. વરસાદ બાદ જળભરાવના કારણે મચ્છરોની ઉત્પતિ વધી છે. ત્યારે તંત્ર દ્વારા દવા છંટકાવ, ફોગીંગની કામગીરી વધુ વ્યાપક કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે



..........................



લખપતમાં રોગચાળા પાછળ ખાણીપીણી 
જવાબદાર : વેરસલજી તુંવર



નખત્રાણા : લખપતમાં ભેદી બિમારી પાછળ ખાણીપીણી અને અવસ્થા સહિત જવાબદાર છે તેવું ભાજપના તાલુકા પ્રમુખ વેરસલજી તુંવરે કચ્છઉદયને જણાવ્યું હતું કે, ભેખડા ગામે જે મોત થયા છે તેમાં ખાણીપીણી પદાર્થ કોઈ ભાગ ભજવ્યો છે. બાકીમાં વાયરસ બિમારી, તાવ, શરદી કે, પછી એટેક એ કુદરતી છે. કોઈ ભયંકર રોગચાળો નથી અને આરોગ્યની ટીમો પણ કાર્યરત છે. સરકારે તાકીદના પગલાં લીધા છે અને વરસાદ બાદ સમગ્ર વિસ્તારમાં નાની - મોટી વચારલ બિમારી નિકળતી હોય છે.



.................



કથળી છે : અલીમામદ જત 

નખત્રાણા : લખપત તાલુકામાં ભેદીરોગે હાહાકાર મચાવ્યો છે. ૧૪ લોકોના જીવ ગયા છે, તેમાં આરોગ્ય અને પાણી પુરવઠા જવાબદાર છે. તાલુકામાં આરોગ્ય સેવા કથળી છે. લોકોને સમયપર સારવાર મળતી નથી તો છેવાડાના લોકોને પાણી મળતું નથી જેથી ના છૂટકે તળાવનું ગંદુ પાણી પીવે છે, જેનાથી રોગચાળોએ માથુ ઉંચક્યું છે. તાલુકામાં આરોગ્ય, પાણી, રસ્તા, શિક્ષણ આપવામાં સરકાર ફેલ ગઈ છે. ત્યારે રાજકારણને નેવે મુકીને માનવી અભિગમથી સરકારે આ તાલુકામાં સત્વરે સ્ટાફ ઘટ સહિતની માનવ સુખાકારી માટે આગળ આવવું જોઈએ. તાલુકામં ૧૪ નિર્દોષના મોત આંખ ઉઘાડનાર છે તેમ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલીમામદ જતે કહ્યું હતું. 



.......................


દયાપર સીએચસીમાં તાવના દર્દીઓ ઉભરાયા : બેડ પણ ખુટયા 


૭૦થી ૮૦ તાવના દર્દીઓ દાખલ : ૧૪ના મોત બાદ જિલ્લા આરોગ્ય અધિકારી દયાપરની મુલાકાત લીધી : કોંગ્રેસના અગ્રણી તથા લખપત તા.પં. પ્રમુખ દવાખાને પહોંચ્યા : છેવાડાના દર્દીઓ પાસે ટિકિટના પૈસા પણ નથી 



નખત્રાણા : લખપતમાં ભેદી રોગચાળા પછી આજે સોમવારે દયાપર સીએચસીમાં દર્દીઓ તાવ, શરદીના ઉભરાયા હતા. સવારથી જ દર્દીઓની લાઈન લાગી હતી અને દર્દીઓને આરામ કરવાના બેડ પણ ખુટયા હતા. છેવાડાના ગામડે ગામડેથી મોટી સંખ્યામાં તાવ, શરદી સહિત વાયરલ બિમારીના દર્દીઓની લાઈન લાગી હતી. તાલુકામાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સાથે શુદ્ધ પાણી ન મળતાં દર્દીઓ વધ્યા છે. તો છેવાડાના ગામડાના દર્દીની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેમની પાસે દયાપર પહોંચવાની ટીકી પણ નથી. સરકાર આર્થિક કેસ ડોલ્સ આપે તથા વાહન વ્યવહારની સગવડ આપે તેવી માંગ ઉઠી છે. ૧૪ના જીવ ગયા પછી આજે દયાપરની જિલ્લા આરોગ્ય અધિકારી ફુલમાળીની ટીમે મુલાકાત લીધી હતી. તો તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જસુભા જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલીમામદ જત, જિલ્લા પંચાયત સભ્યો મામદ જુગ, જાડેજા દેસુભા, ગિરીશ જોષી, હુસેન રાયમા સહિતના હોસ્પિટલ દોડી ગયા હતા અને દર્દીઓને જરૂરી સહયોગ આપ્યો હતો. અને બિમારી કંઈ છે તેનો તાગ રિપોર્ટ મેળવવા જણાવ્યું હતું.


...................


અબડાસા-લખપતમાં ભેદી બિમારીનો 
પગપેસારો ચિંતાજનક : યજુવેન્દ્રસિંહ જાડેજા 



ભુજ : અતિભારે કચ્છમાં વરસાદ બાદ અબડાસા લખપત સહિત સમગ્ર કચ્છમાં રોગચાળો પ્રસરી રહ્યો છે ત્યારે સમગ્ર કચ્છમાં પીએચસી તથા ડોક્ટરોની ઘટના કારણે કચ્છની જનતા ભોગ બની રહી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ યોજાયેલા પત્રકાર પરિષદમાં સરકાર તથા કચ્છ જિલ્લા વહીવટી તંત્રને આ બાબતે અગાઉ જાણ કરી હતી છતા પણ વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગમાં ઘોરનિંદ્રાનો ભોગ સામાન્ય નાગરિક બન્યા તથા ૧રથી વધુ મૃત્યુ આંક બહાર આવ્યો છે. 
વધુમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગમાં ડોક્ટરો, સ્ટાફ, નિષ્ણાંત, સંસાધનોની ખામીના કારણે આ ક્ષર લોકો મૃત્યુ માટે સરકાર જવાબદાર છે. અબડાસા તથા લખપત તાલુકાના પ્રથમ બનાવની સામે સરકાર કચ્છ વહીવટી તંત્ર ઘોરનિંદ્રામાં પાંચ દિવસ સુધી ઉઘતુ રહ્યું હતું. આરોગ્ય વિભાગ ૬૧ પીએચસી માં ડોક્ટરોની ઘટ તથા ર૩૮૧ જિલ્લા સ્ટાફની ઘટ છે.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વી.કે. હુંબલે જણાવ્યું કે, રાજ્ય રસકારના મંત્રીઓ ભારતીય જનતાપાર્ટીના આગેવાનો કે ખુદ ધારાસભ્ય અબડાસા આરોગ્ય નિષ્ણાતો નથી જે કેન્સર, લક્વા, એટેક, સામાન્ય તાવ, મેલેરિયા, ડેન્ગ્યૂના કારણે થયા તેવી સતાવાર માહિતી આપી શકે જ નહીં. આ માટે ગુજરાત સરાકરે તાકીદે નિષ્ણાંત આરોગ્ય ટીમ સરકારે જિલ્લામાં મુકવી જોઈએ. પીએચસી, સીએચસી સેન્ટરોમાં સ્ટાફ તથા ડોક્ટરોની ભરતી કરવા માંગ કરી હતી. ભુજના વિવિધ વિસ્તારોમાં હજુ સુધી પાણી ભરાયેલા છે તથા ગટરોના ઢાંકણા ખુલા તથા તુટી ગાય છે અને ગટરો હજુ જાહેર માર્ગ પર પણ ઉભરાવવાના કારણે ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિ છે. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રામદેવસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી, વિપક્ષી નેતા કાસમભાઈ સમા, ગનીભાઈ કુંભાર, ફાલ્ગુની ગોર, મુસ્તાક હિંગોરજા, આઈસુબેન સમા, હાસમભાઈ સમા, હેમાંગ જોષી, ધીરજ ગરવા, સહિતના આગેવાનો જોડાયા હતા તેવું કચ્છ જિલ્લાના પ્રવક્તા ગનીભાઈ કુંભારની યાદીમાં જણાવાયું છે.


...........

Comments

COMMENT / REPLY FROM