Trending News
સ્થાનિક સમાચાર

કચ્છને હાઈસ્પીડ ટ્રેન મળવાની શક્યતા વધુ દ્રઢ બની

08 September

વંદે ભારત ટ્રેનનું અમદાવાદ - ભુજ વચ્ચે ટ્રાયલ





ભુજ : રાજયના મોટા ભાગના મહાનગરોને જોડતી વંદે ભારત ટ્રેન હાલમાં કાર્યરત છે. દેશનો સૌથી વિશાળ જિલ્લો અને પર્યટન જિલ્લો કચ્છમાં આગામી સમયમાં પ્રવાસન સીઝન પુરબહારમાં ખીલી ઉઠશે ત્યારે લાંબા સમયથી કચ્છને વંદે ભારત ટ્રેન મળે તેવી માંગણી ઉઠવા પામી હતી. અલગ અલગ સંસ્થાઓ દ્વારા રજુઆત પણ કરવામાં આવી હતી ત્યારે આજે વંદે ભારત ટ્રેનનો અમદાવાદ - ભુજ વચ્ચે ટ્રાયલ યોજવામાં આવ્યું હતું. આજે સવારે અમદાવાદથી આ ટ્રેન ઉપડી હતી અને બપોરે એક વાગ્યાના અરસામાં ભુજ સ્ટેશને પહોંચી હતી. અહીં વિરામ લીધા બાદ ફરી ર વાગ્યે અમદાવાદ જવા રવાના થઈ હતી. આ રૂટ પર વંદે ભારત દોડાવવાનું આયોજન છે. જે પહેલા આ ટ્રાયલ યોજવામાં આવી છે. જે બાદ રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવશે. હાલમાં ભુજ - ગાંધીનગર વચ્ચે દોડતી ઈન્ટરસિટીનું સ્થાન વંદે ભારત લે તેવી પણ શક્યતા છે. જો કે હાલમાં ટ્રેન આવી જતા લોકોમાં કુતુહલ સાથે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન શરૂ થઈ જાય તો અમદાવાદ માત્ર ત્રણ કલાકમાં પહોચી શકાશે. જેના કારણે દિવાળી સહિતના તહેવારો તેમજ તે બાદ રણોત્સવની સીઝનમાં ખાસ ફાયદો થશે. અમદાવાદથી વિમાની સેવા સાથે જોડાવવા માટે તેમજ અન્ય રાજ્યોની ટ્રેન પકડવામાં પણ ઉપયોગી થશે.
આજે સવારે ૭ વાગ્યે અમદાવાદથી રવાના થયેલ વંદે ભારત ટ્રેન વિવિધ સ્ટોપેજ બાદ બપોરે એક વાગ્યે ભુજ રેલવે સ્ટેશને પહોચી હતી. અમદાવાદથી ભુજ સુધીની સફર ખેડનાર ટ્રેનના પાયલોટ એન.એમ. પરમાર અને રાજેશ વાઘેલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ટ્રાયલ રનમાં અમદાવાદથી રેલવે વિભાગના ટ્રેક, એન્જીન સહિતના વિભાગના અધિકારીઓ અને ઈજનેરો સાથે જોડાયા હતા. ટ્રેનને વિવિધ સ્ટોપેજ પર વિરામ અપાયો હતો. રાબેતા મુજબ ટ્રેન શરૂ થયા બાદ મર્યાદીત સ્ટોપેજના કારણે અંદાજીત ત્રણ કલાકમાં વંદે ભારત મેટ્રો ટ્રેન અમદાવાદથી ભુજની સફર પૂર્ણ કરશે. આ ટ્રેનના સંભવિત સ્ટોપેજની સુચિ પણ જાહેર કરી દેવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Comments

COMMENT / REPLY FROM