લખપતમાં ૧ર મોત પછી અબડાસામાં ભેદીરોગે રના જીવ લીધા : મોતનો આંક ૧૪ થયો
લખપતની કથળી ગયેલ આરોગ્ય સેવાના પાપે
ભેદીરોગ ચાંદીપુરા તો નથીને... ? કે પછી દુષિત પાણી પીવાથી રોગે ભરડો લીધે છે તે તપાસનો વિષય : લખપત - અબડાસામાં ભયનો માહોલ : અલબત નખત્રાણા પણ ભેદી રોગના કગાર પર ઉભું છે : રોગચાળો વકરે તે પહેલા ગંભીરતા સમજવી જોઈએ
પશ્ચિમ કચ્છનું આરોગ્ય માળખુ ખુદ જ માંદગીના બિછાને : વહિવટીતંત્ર ઘોડા છુટયા પછી તબેલાને તાળા જેમ બે - ત્રણ એમબીબીએસ ડોકટર વિનાની ટીમ રવાના કરીને હાથ ખંખેર્યા : કોંગ્રેસની તમામ ગતિવિધિ પર બાજ નજર રાખી રહ્યો છે : શક્તિસિંહ ગોહિલને પણ જાણ કરાઈ
નખત્રાણા : સરહદી લખપત તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ભેદી બિમારીના કારણે ૧રના મોત પછી ગઈકાલે મોડી રાત્રે અબડાસા તાલુકાના બે લોકોના મોત થતાં પશ્ચિમ કચ્છના ત્રણે તાલુકામાં આ બિમારીથી હાહાકાર મચી ગયો છે અને સરકારનું આરોગ્ય માળખુ પણ ઉઘતું ઝડપાયું છે. આ મોત પાછળ જે જવાબદાર હોય તે પણ હાલમાં આ મોત પાછળ ચાંદીપુરા રોગ કે, દુષિત પાણી કારણભૂત છે તેવો સવાલ ઉઠી રહ્યો છે. છેલ્લા કેટલા દિવસોથી તાલુકામાં પાણીની અછત હોતા લોકો નાછુટક દુષિત ગંદુ પાણી પીવા મજબૂર થયા હતા તેનો સચોટ અહેવાલ પાંચ દિવસ પહેલા ‘કચ્છ ઉદય’માં પ્રસિદ્ધ થયો હતો. તે દુષિત પાણી પીવાથી મોત નથી થયાને તે તપાસનો વિષય છે. તાલુકાના ભેખડા ગામે તો વરસોથી પાણીની અછત છે છતાં તંત્ર ગંભીરતા લીધો નથી અને તાલુકામાં પીએચસીમાં એક માત્ર ડોકટર છે તે પણ પાટા પીડી જેવા કામ કરે છે અને તરત જ ભુજ જવા સલાહ આપે છે. તાલુકામાં આરોગ્ય સેવાનો માળખું જ બિસ્માર છે અને માંદગીના બિછાને છે. આ બાબતે રાજકીય અગ્રણીઓ અનેક વખત રજૂઆત કરી છે. છતાં મતબેંકની કિન્નાખોરી રાખીને સતાપક્ષ માનવ જીદંગી સાથે ચેડા કરવાની રાવ ઉઠી છે. તાલુકામાં બોર્ડર એલાઉન્સ પગારના વધારાના ભથ્થા અપાય તો કર્મચારી ટકી શકે તેમ છે બાકી ધકેલ પચા દોઢ સો. તાલુકા મથક દયાપરના સીએચસીને તબીબ નથી ? આ ૧૪ માનવ જીદંગી મોતના મુખમાં ધકેલાઈ ગયા પછી જિલ્લાની આરોગ્ય ટીમ તાલુકામાં ઉતરી છે, તેમાં પણ કોઈ એમબીબીએસ તબીબ નથી. માત્ર ટીમને તાલુકામાં મોકલીને આરોગ્ય ટીમે હાથ ઉંચા કરીને જયાં બદાબ અદા કરી હોય તેવું ચિત્ર ભાસી રહ્યું છે. સેમ્પલના નમુના લઈ રીપોર્ટ થઈ રહ્યા છે. મોતનું સાચુ કારણ હવે જાણવા મળશે પણ તાલુકામાં ટીમો સર્વે કરી રહી છે. ભારે ઉહાપોહ મચ્યા બાદ રાજ્ય કક્ષાની આરોગ્ય ટીમ લખપત તાલુકાની મુલાકાતે ધસી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ અંગે વિગતો મેળવવા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ વિફળ રહ્યો હતો.
તાલુકા પંચાયત પ્રમુખ જસુભા જાડેજાએ કહ્યું કે, તાલુકામાં આરોગ્યની સેવા સહિત થયેલા મોત અંગે તેમણે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા તથા આરોગ્ય અધિકારીને જાણ કરી છે. તો આ બાબતે તાલુકા કોંગ્રેસના પ્રમુખ અલીમામદ જતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને જાણ કરી છે. હજુ પણ લખપતમાં બે કે ત્રણ લોકો તાવની ઝપેટમાં આવ્યા છે. તો અબડાસામાં પણ ૪ મોત થયા પછી હવે નખત્રાણાનો વારો નથી ને કારણ કે, ૪૪ ઈંચ વરસાદ પછી તાલુકામાં મચ્છરોએ વ્યાપ વધાર્યો છે. દવા છંટકાવની કામગીરી થતી નથી અને ફોગીંગ મશીનો બંધ છે.
આ બાબતે શનિવારે પ્રાંત સૂરજ સુથારે સંકલન બેઠકમાં પણ આરોગ્ય ટીમને કડક સૂચના આપી છે કે, તાલુકામાં દવા છંટકાવ સહિતની કામગીરીની ગંભીરતા લેવાય તો લખપત જેમ રોગચાળો વકરી ગયો તો પછી કાબુમાં લેવું મુશ્કેલ બનશે. પણ પ્રાંતની સૂચના આરોગ્ય ટીમ કયારે અમલી કરે છે કે પછી લખપત - અબડાસામાંથી બોધપાઠ લેશે તે તો સમય બતાવશે. પણ આરોગ્ય ક્ષેત્રે ગંભીરતા લેેવી જરૂરી છે. બેદરકારી પાલવે તેમ નથી તેવું લોકો કહી રહ્યા છે. અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ ગામની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના
આપી હતી.
....................
ભેદીરોગને અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ : અમિત અરોરા
’
આરોગ્ય વિભાગની રર ટીમોના લખપતમાં ધામા : રાજકોટ અને ગાંધીનગરની રેપીડ રિસપોન્સ ટીમ લખપત ભણી રવાના : દયાપર અને મંગવાણા આરોગ્ય કેન્દ્ર પર વધારાના તબીબો મુકાયા
ભુજ : લખપત તાલુકામાં ભેદી રોગથી ૧ર લોકોના મોતથી જિલ્લા વહિવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે. ભેદી રોગથી થઈ રહેલા મોતને અટકાવવા સંભવત તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તેવું જિલ્લા કલેકટર અમીતભાઈ અરોરાએ જણાવ્યું હતું.
શ્રી અરોરાએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની રર ટીમો દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજકોટથી આરોગ્ય વિભાગની એક ટીમ પણ લખપત પહોંચવાની છે. રાજ્ય આરોગ્ય વિભાગ સાથે સતત સંકલનમાં રહી પરિસ્થિતિ પર નજર રખાવામાં આવી રહી છે. ભેખડા ગામે જે મોત થયા છે તે જત સમુદાયમાં થયા છે, તેથી આ બિમારી કોઈ પશુજન્ય રોગ છે કે, કેમ તે દિશામાં પણ તપાસ થઈ રહી છે. પશુપાલન વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. ભેખડા અને આસપાસના વાંઢ વિસ્તારોમાં એચવનએનવન એટલે કે, સ્વાઈન ફલુના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દયાપર અને મંગવાણા સીએચસીમાં તબીબોને મુકવામાં આવ્યા છે, જેથી ઓપીડી કેસ તરત હેન્ડલ થઈ શકે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારની સ્થિતિએ કોઈ રોગચાળો કે કમ્યુનિકેબલ ડિસીઝ જણાતા નથી કારણ કે, હાલ જે ભેખડા ગામે મોત થયા છે. તે ન્યુમોનાઈટીસથી થયા છે. એક ચોક્કસ સમુદાયમાં મોત થયા છે. પશુપાલનની ટીમ પણ તે વિસ્તારમાં પહોંચી છે. પરિવારજનોના એચવનએનવન સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉપરાંત તકેદારીના ભાગરૂપે કોંગો ફિવરના પણ પરીક્ષણ કરવામં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઈન્ફલુએન્ઝાની અસર હોવાનું જણાઈ આવ્યું છે, પરંતુ તંત્ર દ્વારા ડેન્ગ્યુથી માંડી તમામ પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે. આસપાસના સાન્ધ્રોવાંઢ, ભારાવાંઢ સહિતના ગામોમાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્યતંત્ર સાથે સંકલનમાં રહી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. રાજકોટથી રેપીડ રિસ્પોન્સ ટીમ ભેખડા પહોંચવામાં છે. સાથે સ્ટેટ લેવલની ટીમ પણ લખપત આવવા રવાના થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
................
લખપત તાલુકામાં ૪ દિવસમાં ૧ર લોકોના મરણ થયા
ભુજ : લખપત તાલુકામાં વરસાદ બાદ ૪ દિવસમાં તાવમાં ૧ર જેટલા લોકો મૃત્યુના મુખમાં ધકેલાયેલ છે અને અત્યારે પણ લોકો તાવની બિમારીમાં સપાડેલ છે. ત્યારે તાત્કાલિક આ અંગે વહિવટીતંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જિલ્લા પંચાયતના સદ્દસ્ય મીનાબા દેશુભાએ જાડેજાએ કરી છે. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર પાઠવી આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી.
......................
અબડાસાની વાલાવારી વાંઢની બે મહિલાના શંકાસ્પદ તાવમાં મોત
તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા મહિલાઓના મૃત્યુને આપી પુષ્ટિ
નલિયા : અબડાસાની વાલાવારી વાંઢની બે મહિલાઓના શંકાસ્પદ તાવના લક્ષણો સહિતની બીમારીમાં મૃત્યુ થયા હોવાની આરોગ્ય વિભાગે પુષ્ટિ આપી હતી. અબડાસાના વાલાવારી વાંઢ ગામે શકીનાબેન જત (ઉ.વ. ૩૦) અને શકીનાબેન જત (ઉ.વ. ૧૩)ના ગત તા. ર અને ૭ તારીખના મૃત્યુ થયા હતા. શંકાસ્પદ તાવના લક્ષણો બંનેને હતા. શકીનાબેન જત (ઉ.વ. ૩૦)ને અગાઉ સ્ત્રીરોગ સબંધી સમસ્યા પણ હતા. તેમને તાવ આવતા તેણીએ વાયોરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જયારે શકીનાબેન જત (ઉ.વ. ૧૩)ને તાવ આવતો હતો. તેમને નલીયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. સારવાર બાદ ઘરે જઈને દવા લીધા બાદ તેમનું મૃત્યુ થયું હોવાનું તાલુકા હેલ્થ ઓફીસર ડો. સિન્હાએ જણાવ્યું હતું. લખપત બાદ હવે શંકાસ્પદ તાવના લક્ષણોના લીધે અબડાસામાં પણ બેના મુત્યુ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવવા સાથે તપાસ પણ આદરી છે.
..........
લાખાપરના બાળકનું કેન્સરથી મોતનો રિપોર્ટ
નખત્રાણા : લખપત તાલુકાના લાખાપર ગામે ૭ વર્ષના એઝાઝ ઈબ્રાહીમ સુમરાનું મોત કેન્સરથી થયાનું રિપોર્ટ સામે આવ્યો છે. તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જસુભા જાડેજા તથા આરોગ્યની ટીમ હાલે આ લખાય છે ત્યારે લાખાપર તેમના નિવાસસ્થાને દોડી ગઈ છે. અને તેમણે જણાવ્યું હતું કે, આ લાખાપરના બાળકનું મોત કેન્સરથી થયું છે અને રિપોર્ટ ફાઈલ પણ આવી ગઈ છે તેમની સાથે આરોગ્યની ટીમ આવી છે.

Comments