માતાનામઢે નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારી
વંદન... વંદન... આશાપુરા માતને... દેશ અને...
વિકાસકામો ધીમી ગતિથી ચાલતા ભાવિકોમાં કચવાટઃ તા.ર/૧૦ના ઘટ સ્થાપના સાથે નવરાત્રિનો પ્રારંભ : ભાદરવામાં જ પદયાત્રા પ્રારંભ : મહોત્સવને અપાયો આખરી ઓપ : ઠેર-ઠેર પદયાત્રી કેમ્પો ધમધમશે
નખત્રાણા : તીર્થધામ માતાના મઢે આસો નવરાત્રિની તડામાર તૈયારી ચાલી રહી છે. તા.ર/૧૦ના રાત્રે ૯ વાગ્યે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટસ્થાપના સાથે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે. તા.૩/૧૦ના પ્રથમ નોરતું છે. તા.૧૦/૧૦ ના ગુરૂવારે રાત્રે હવનનો પ્રારંભ થશે ૮ઃ૧પ વાગ્યે જ્યારે હવનની પૂર્ણાહૂતિ ૧ઃ૧પ વાગ્યે ભાદરવામાં જ લાખો શ્રદ્ધાળુ પદયાત્રા, ખાનગી વાહનોમાં આવીને માથુ નમાવશે. ઠેર-ઠેર પદયાત્રી કેમ્પો શરૂ થશે. ધીંગી મેઘમહેરના લીધે પદયાત્રી કેમ્પોની સંખ્યા વધશે તો શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની વકી છે. મા.મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ૧પ૦થી વધારે રૂમો ખોલવામાં આવશે. ચા-પાણી ભોજનની વ્યવસ્થા ત્યાં ઊભી કરાઈ છે. બીજી તરફ મા.મઢે પ્રવાસન યાત્રાધામ બોર્ડ તરફથી ચાલતા ૩ર કરોડના વિકાસકામો ધીમી ગતિએ ચાલે છે તેવો કચવાટ શ્રદ્ધાળુઓમાં જોવા મળ્યો હતો. નવરાત્રિ નહીં દિવાળી આ કામ સંપન્ન થાય તેમ લાગી રહ્યું છે. મા.મઢ મંદિર ખટ લા ભવાની મંદિર, ચાચરા કુંડ તેમજ રૂપરાઈ તળાવ વિકાસકામો ચાલી રહ્યા છે. મંદિરની સન્મુખ દિશાએ મુખ્ય પ્રવેશદ્વાર તેની બહાર ૪પ ફૂટ ઊંચી દીપમાળા સોનેરી લાઈટથી સુશોભિત કરવામાં આવશે. મંદિરનું કામ સુંદર થઈ રહ્યો છે. બીજી તરફ મહોત્સવને લઈ મા. મઢ જાગીર શાળા સજ્જ છે અને મા. આશાપુરા મંદિરે હાલે પણ ભાવિકોની ભીડ જોવા મળે છે.
.............
આસો નવરાત્રી દરમિયાન ભુજ આશાપુરા મંદિર રાત્રે ૧૦ઃ૩૦ સુધી ખુલ્લુ રહેશે
ર ઓકટોબરના સાંજે પઃ૪પ કલાકે ઘટસ્થાપન સાથે ભુજમાં ઘરોઘર માતાજીનું સ્થાપન થશે
ભુજ : આદ્યશક્તિની આરાધના પર્વ નવરાત્રીના આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ભુજ આશાપુરા મંદિર દ્વારા આગોતરી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભુજના આશાપુરા મંદિરે તા. ર-૧૦ બુધવારના સાંજે પઃ૪પ કલાકે ઘટસ્થાપન કરાશે. ૩ તારીખથી નવરાત્રીનો આરંભ થશે. શુક્રવારે ૪ તારીખે ચંદ્રદર્શન તેમજ મંગળવાર ૮ તારીખે ચામરપૂજા કરવામાં આવશે. સવારે ૧૦ઃ૩૦ કલાકે કચ્છ રાજ પરિવારના સદસ્યના હસ્તે ચામર પૂજન બાદ ટીલામેડી પ્રાગમહેલથી માતાનામઢ જવા માટે ચામરયાત્રા નિકળશે. ૧૦મી તારીખે ગુરૂવારે રાત્રે ૯ કલાકે ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેના હસ્તે હવનનો પ્રારંભ થશે. રાત્રે ૧રઃ૪પ કલાકે હવનમાં બીડું હોમાશે. શુક્રવારે ૧૧ તારીખે આઠમ પત્રીપૂજા અને નૈવેદ્ય પ્રસાદનું ભાવિકોને વિતરણ કરાશે. શનિવારે ૧રમી તારીખે નોમ અને દશેરા અન્વયે સાંજે પ કલાકે સમીવૃક્ષનું પૂજન કરાશે. આ ઉપરાંત શરદપૂર્ણિમાના ર૭મો સૂવર્ણ કળશ પાટોત્સવ મહાયજ્ઞ યોજાશે. ૧૭મી તારીખે સવારે ૯ કલાકે હવનનો પ્રારંભ થશે. ૧રઃ૩૦ કલાકે હવનની પૂર્ણાહુતિ બાદ બપોરે ૧ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. નવરાત્રી દરમિયાન મંદિર સવારે પઃ૩૦થી બપોરે ૧ અને સાંજે ૪ઃ૩૦થી રાત્રે ૧૦ઃ૩૦ સુધી ખુલ્લુ રહેશે. મંગળા આરતી સવારે ૬ઃ૧પ કલાકે જયારે સંધ્યા આરતી રાત્રે ૮ઃ૧પ કલાકે કરવામાં આવશે. કચ્છ રાજ પરિવારના મુખ્યકર્તા મહારાણી પ્રિતીદેવી દ્વારા સર્વે ભક્તોને નવરાત્રીની શુભેચ્છા પાઠવવામાં આવી હોવાનું ભુજ આશાપુરા મંદિર સમિતિ દ્વારા જણાવાયું છે.
...........
નખત્રાણા પ્રાંત અધિકારી માતાનામઢની અધિકારી બેઠક તાકીદે બોલાવે તે જરૂરી
નખત્રાણા : માતાનામઢે નવરાત્રી મહોત્સવના ઢોલ વાગી રહ્યા છે, ત્યારે ભારે વરસાદમાં માતાનામઢમાં ઠેર ઠેર ઝાડ, ગંદકી, પાણી ભરાયા છે. ત્યારે નખત્રાણા - લખપત પ્રાંત સૂરજ સુથાર તાકીદે તમામ કચેરીના અધિકારીની બેઠક બોલાવી કડક સૂચના આપે તેવી માંગ ઉઠી છે. લાઈટ, પાણી, ઝાડ કટીંગ, સફાઈ, રસ્તા સહિતના પ્રશ્નોની ભરમાર છે, ત્યારે તમામ સરકારી કચેરીની વડાની બેઠક બોલાવી નવરાત્રીમાં કોઈ કચાસના રહે તે જોવા સહિતની કામગીરીની હાલથી શરૂ કરે તો જ નવરાત્રી સુધી કાર્ય થઈ શકશે.
...........
ગ્રામ પંચાયતના વહિવટમાં અનુભવીની સેવા લ્યો...
નખત્રાણા : માતાનામઢે હાલે તલાટી અને વહિવટદાર બિનઅનુભવી છે, ત્યારે નવરાત્રીમાં ગામના અનુભવી અને પૂર્વ સરપંચોની સેવા લ્યો તેવી માંગ ઉઠી છે. પ્લોટ વિતરણની વ્યવસ્થા ઉપરાંત મંદિરની આસપાસ વહેતા પાણી સહિતની જવાબદારી ગંભીરતા સૂચવે છે. ત્યારે વહિવટીતંત્ર આ દિશામાં નજર ફેરવે તે જરૂરી છે. બીજીબાજુ ભારે મેઘમહેરથી માતાનામઢ શણગાર સમો રૂપરાઈ તળાવ ભાવિકો ગંદકી ન કરે તે જરૂરી છે. ત્યાં સિક્યુરિટી ગાર્ડ સહિતની સુવિધા જરૂરી છે. સ્વચ્છતા જરૂરી છે. સાથે અકસ્માત ન થાય, પાણી કોઈ નિર્દોષનો ભોગ ન લે તે માટે પગલાં ભરવા જોઈએ. ચાચરકુંડમાં હાલે સફાઈનો અભાવ જોવા મળે છે, ત્યારે ગ્રામ પંચાયત હાલથી જ સફાઈ, લાઈટ, પાણીની નિયમિત અગ્રતા આપે તેવી માંગ ઉઠી છે.
............
દેશલપર વાંઢાય ખાતે ર૬મીથી કેમ્પ શરૂ થશે
ભુજ : તાલુકાના દેશલપર વાંઢાય ખાતે આગામી ર૬મી તારીખ ર ઓકટોબર સુધી પદયાત્રી કેમ્પ યોજવામાં આવશે. કચ્છ ધણિયાણી મા આશાપુરા ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં પદયાત્રીઓ તેમજ માતાનામઢ જતા ભાવિકો માટે સવારે ચા, નાસ્તો, બપોરે અને રાત્રે ભોજન તેમજ રાત્રી રોકાણ સાથે મોબાઈલ ચાર્જીગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
..........

Comments