માંડવીમાં અતિભારે વરસાદ વખતે નગરપાલિકાના વાંકે લોકોને હાલાકી
ત્રણ દિવસમાં ૩૬ ઇંચ વરસાદ પડતા જે નીચાણ વાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે તેમજ ખાસ કરીને બાબા વાળી વિસ્તાર જેમાં માધવનગર, મેઘમંગલ નગર, પંડિત દિન દયાલ નગર, ભાટીયાવાડી, ખાખરાવાળી જેવા વિસ્તારોમાં દિવસે પણ પાણી નિકાલની કામગીરી તંત્ર દ્વારા કરાઇ
માંડવી : શહેરના પોસ વિસ્તારમાં તંત્રના પુર્વ આયોજનના અભાવે વરસાદી પાણી ભરાતા રહીશો ત્રસ્ત બન્યા હતા. બાબાવાળી વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા, સ્વ. અનંતભાઈ દવેનો પરિવાર, વર્તમાન ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે પણ રહે છેે. માંડવીના વિસ્તારમાં રહેતા સામાજિક અગ્રણી શાંતિલાલભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે, બાબાવાળીમાં પાણી ભરાવવાનું કારણ એક તો બાબા વાળી રકાબી જેવા આકારની છે. અને પાણીનો કુદરતી વહેણ હતું તે બંધ થઈ ગયો છે અને હાલમાં સારા એન્જિનિયરને બોલાવી તેની કાયમી સોલ્યુશન માટે જે વેણ છે તે બાબાવાડીમાં આવેલા સ્કૂલમાં જ તંત્ર દ્વારા જ પાઇપો નાખેલા છે તે પાઇપ અંદાજિત ૪ મીટર ઊંડા હોવા જોઈએ અને એના પછી જે ભાટિયાવાળી વંડી છે ત્યાં ૫ મીટર અને ઠાકરાવાળી માં ૬ મીટર એટલે લક્ષ્મી ટોકીઝ વાળો રોડ ની લેવલ સુધી મોટા પાઇપો જો પડી જાય તો કાયમી સોલ્યુશન આવી શકે તેમ છે. ઠાકરાવાળીમાં હાલમાં જે પ્લોટીંગ થયું છે. ઠાકરાવાળી બાબાવાળીથી નીચે હતી અને તેમાં ડેવલોપર્સ દ્વારા બે ત્રણ મહિનાથી મોટા ટ્રેલરો દ્વારા માટી પુરી અને ઊંચું કરી દેવાયું છે અને ડેવલોપર્સ દ્વારા તે સમયે નગરપાલિકાને પણ જાણ કરવામાં આવેલ કે કાયમી પાણી નિકાલ માટે કાંઈ વ્યવસ્થા કરો ત્યારે નગરપાલિકાએ કોઈ પગલા ન લીધા હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે બાબા વાડીમાં આજે છઠ્ઠા દિવસથી પણ ડી વોટર પંપોથી પાણી તંત્ર કાઢી રહ્યું છે અને હજી પણ ચાર પાંચ દિવસથી જો વરસાદના આવે તો કાઢે ત્યારે નીકળે. તેમજ જો વરસાદ હાલની આગાહી પ્રમાણે જો પાછું આવી જાય તો પાછો પાણી એટલોને એટલો ભરાઈ જાય તેમ છે પણ કાયમી સોલ્યુશન માટેના તંત્ર એ સારા એન્જિનિયર બોલાવી અને કુદરતી વેણ ઉપર મોટા પાઈપો કાયમી ધોરણે બેસાડે તો કાયમી ધોરણે પાણી નીકળેએ કાયમી સોલ્યુશન છે તેવું જણાવ્યું હતુ.
હિરજીભાઈ કારાણીએ જણાવ્યું હતું કે, તેઓ પાંચ દાયકાથી અહીં રહે છે, પરંતુ આટલો જળભરાવ કયારેય જોયો નથી. વરસાદના કારણે લોકોને વ્યાપક નુકશાની થઈ છે. અગાઉ બાબાવાળીનો પાણી બકાલી વાડી થઈ ભાટિયાવાળી વંડીથી થઈ અને ઠાકરાવાળીથી થઈ લક્ષ્મી ટોકીઝ પાસે વિન્ડ ફાર્મ બીચ રોડ ઉપર કુદરતી રીતે નીકળતું હતું જે વેણો ડેવલોપર્સ દ્વારા બંધ કરવામાં આવ્યા છે. હાલે પાણી ગટર જેવું થઈ જતા પાણીમાં દુર્ગંધ આવી રહી છે અને લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
માંડવી તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અને તાલુકા કોંગ્રેસના મહામંત્રી અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટોપણસર તળાવના ઓગનની નાલી ઉપર જ નગરપાલિકા દ્વારા દુકાનો બનાવીને દબાણ કર્યું છે. ટોપણસર તળાવ માટે જમીન દાતાએ આપી હતી ત્યારે ૨૭ એકર હતી એના ઉપર બાંધકામ કરીને તળાવને આઠ એકરનું બનાવી દીધું છે. અત્યારે પણ નગરપાલિકાએ નાના તળાવ ઉપર બ્યુટીફિકેશન માટે તળાવને નાનું કરી રહી હોવાનું કહ્યું છે તેમજ ટોપણસર તળાવના ઓગનની નાલી સાંકળી છે. સોનાવાલા નાકા પાસેથી સ્વામિનારાયણ મંદિર થઈને રૂકમાવતી નદીમાં જાય છે તે પણ પેક કરાયેલી છે તેને ખુલી કરવી જોઈએ. આ દબાણને તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ નહીં તો પરિસ્થિતિ હજી પણ વણશે. ઓગનના વેણ ઉપર બોક્સ પુલ બનાવવું જોઈએ જે કાયમી સોલ્યુશન છે જ્યારે નીલકંઠ નગર અને જતનગર ઉપર પાણી ભરાયું છે તેનું કારણ પણ પાણીના વેણ ઉપર દબાણકારોએ પાકી આરસીસી દિવાલો બનાવેલી છે જેથી ત્યાં પાણી ભરાયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દબાણો દૂર કરવા જોઈએ તેમજ સલાયા વિસ્તારમાં આવેલા શેરેના બીચ દ્વારા પાણીના વેણને બંધ કરી છે તેના ઉપર આરસીસી કોંક્રેટથી મજબૂત દિવાલો બાંધી પાણીના વહેણને બંધ કર્યું છે.
ચીફ ઓફિસર સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકા વિસ્તારમાં નાગનાથ પાસે પાણીના વેણને અવરોધતો એક પુલીયો તેમજ જાગનાથ પાસે પાણીના વહેણને અવરોધતા બે પુલીયા હતા તેને હટાવી દેવામાં આવ્યા છે અને આગામી સમયમાં જે કાંઈ કુદરતી પાણીના વહેણ ઉપર જે કાંઈ દબાણ હશે તેને હટાવવાની કામગીરી કરાશે તેવું જણાવ્યું હતું.

Comments