અંજારમાં વ્યાજખોરીનું દુષણ ચલાવતા ત્રણ ભાઈ-બહેન પર ગુજસીટોકની નોંધાઈ ફરિયાદ
રાજયમાં પ્રથમ વખત ગુજસીટોક તળે વ્યાજખોરો સામે પ્રથમ કાર્યવાહી અંજારમાં થઈ : ત્રણેય સામે મરવા માટે મજબુર કરવા, વ્યાજખોરી સહિતની અલગ અલગ ૧૮ ફરિયાદો નોંધાયેલી છે : હજુ પણ વ્યાજખોરીથી કોઈ ભોગ બન્યા હોય તો પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો
અંજાર : શહેરમાં વ્યાજખોરીનું દુષણ ચલાવતા ત્રણ ભાઈ-બહેન પર પોલીસ દ્વારા આકરા પગલાં ભરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત ગુજસીટોકની કલમ તળે વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. રાજય પોલીસવડા વિકાસ સહાય દ્વારા એક કરતા વધુ ગુનામાં પકડાયેલા આરોપીઓ સામે અસરકારક કાર્યવાહી કરવા માટે સુચના અપાઈ છે. જે અંતર્ગત રેન્જ આઈજી ચીરાગ કોરડીયા અને એસપી સાગર બાગમાર દ્વારા ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ટોળકી વિરૂદ્ધ પગલા ભરવા સુચના અપાઈ હોઈ અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં અંજાર પીઆઈ એ.આર. ગોહિલ દ્વારા સીન્ડીકેટ બનાવી ગુના આચરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એકટ - ર૦૧પ અંતર્ગત અંજારના મકલેશ્વરમાં રહેતા રીયા ઈશ્વરગર ગોસ્વામી, આરતી ઈશ્વરગર ગોસ્વામી અને તેજસ ઈશ્વરગર ગોસ્વામી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્રણેય સામે અંજાર શહેરી વિસ્તારમાં વ્યાજખોરી ઉપરાંત મરવા માટે મજબુર કરવા, મારામારી, રાયોટીંગ, જાનથી મારી નાખવાની ધમકી, બળજબરીથી વસ્તુ પડાવી લેવાના ગંભીર પ્રકારના ગુનો નોંધાયેલા છે. વ્યાજખોરીના ધંધામાં પોતાના આર્થિક ફાયદા સારૂં ટોળકી બનાવી સમાન ઈરાદો પાર પાડતા હોઈ ત્રણેય સામે ગુજસીટોકની કલમ તળે કાર્યવાહી કરવામાં આવી છે. રીયા સામે અંજારમાં સાત અને આદીપુરમાં એક, આરતી સામે અંજારમાં ત્રણ અને આદીપુરમાં એક, જયારે તેજસ સામે અંજારમાં ચાર ગુના નોંધાયેલા છે. કોઈપણ અસામાજીક તત્ત્વો તરફથી વ્યાજખોરીનો ભોગ બન્યા હો તો કોઈપણ ભય વગર કાયદેસરની કાર્યવાહી માટે અંજાર ડીવાયએસપી અથવા અંજાર પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. આ કામગીરીમાં અંજાર પીઆઈ સાથે પીએસઆઈ જે. એસ. ચુડાસમા, જી.ડી ગઢવી અને સ્ટાફ જોડાયો હતો.

Comments