Trending News
સ્થાનિક સમાચાર

ભુજના ૬ પોલીસ સ્ટેશનના ૧૦ર ગુનામાં રિકવર કરાયેલો મુદ્દામાલ ભોગગ્રસ્તોને પરત અપાયો

07 September

તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ અંતર્ગત 



 ભુજના પોલીસ તાલિમ ભવન ખાતે ડીજીપી વિકાસ સહાયની સૂચના અને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, જિલ્લા પોલીસવડા સાગર બાગમારના માર્ગદર્શનમાં યોજાયો કાર્યક્રમ : મુદ્દામાલ પરત મળતા ભોગગ્રસ્તોએ પોલીસ તંત્રનો વ્યક્ત કર્યો આભાર



ભુજ : રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી પશ્ચિમ કચ્છના ભુજ ડિવિઝન વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ અંતર્ગત છ પોલીસ સ્ટેશનના ૧૦ર ગુનામાં  રિક્વર કરાયેલો મુદ્દામાલ ભોગ બનનારને સોંપવામાં આવ્યો હતો. ભુજ ડીવાયએસપી રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી અને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને જિલ્લા પોલીસવડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ મુદ્દામાલ ભોગ બનનારને પરત કરવાની જટીલ પ્રક્રિયાને શક્ય તેટલી સરળ બનાવી લોકોને તેમનો મુદ્દામાલ પરત કરવા તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પ્રજાને મદદરૂપ બનવાનો પ્રયાસ કરાયો છે. પોલીસ એ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિને સાર્થક કરવા મુદ્દામાલ પરત કરવાની જટીલ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. કોર્ટ દ્વારા અનુમતિની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે ભુજ શહેર એ અને બી ડીવીઝન, માધાપર, પદ્ધર, માનકૂવા અને ખાવડા પોલીસ સ્ટેશનના કુલ ૯૯ ગુના કામે કબજે કરાયેલ મુદ્દામાલ ભોગ બનનારને પરત કરાયો હતો. જેમાં કુલ પર વાહનો, ૪૩ મોબાઈલ ફોન, અન્ય ૪ જેટલી ચીજવસ્તુઓ ભોગ બનનારને પરત કરવામાં આવી હતી. ગઈકાલે મુન્દ્રા વિસ્તારના ૭ પોલીસ સ્ટેશનમાં ૭૦ ગુનામાં રીક્વર કરાયેલ મુદ્દામાલ ભોગગ્રસ્તોને પરત સોંપવામાં આવ્યો હતો. આ તકે મુદ્દામાલ પરત મેળવનાર ભોગગ્રસ્તોએ પોલીસ તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મુદ્દામાલ પરત મળતા આનંદિત બનેલા ભોગગ્રસ્તોએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી. ભુજના તાલિમ ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં તાલિમી ડીવાયએસપી પાર્થ ચોવટીયા, એ-ડિવિઝન પીઆઈ એ.જી.પરમાર, બી-ડિવિઝન પીઆઈ વી.બી.પટેલ, માધાપર પીઆઈ પી.બી. ગઢવી, માનકૂવા પીઆઈ ડી.એન.વસાવા, પદ્ધર પીઆઈ એસ.એન.રાણા, ખાવડા પીએસઆઈ એમ.બી.ચાવડા સહિતના હાજર રહ્યા હતા.

..........

Comments

COMMENT / REPLY FROM