સુજાવાંઢના મર્ડર કેસમાં નવો વળાંક : અપહ્યુત યુવતી અને આરોપી યુવકે ફાંસો ખાઈ લીધો
પોલીસના સર્ચ અભિયાન દરમ્યાન ફતેહગઢની સીમમાં ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો
રાપર : તાલુકાના ફતેહગઢ નજીક આવેલા સુજાવાંઢમાં માતા - પુત્રીને આંતરી દિકરીનું અપહરણ કરવાનો પ્રયાસ કરાતા માતાએ પડકાર ફેંકયો હતો, ત્યારે આરોપીએ માતાને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દિકરીનું અપહરણ કરીને ભાગી ગયો હતો. આ ચકચારી ઘટનામાં નવો વળાંક આવ્યો છે. જેમાં આરોપી યુવક અને અપહ્યુત કરાયેલી યુવતીએ સજોડે ફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે. આજે સવારે સર્ચ અભિયાન દરમ્યાન ફતેહગઢની સીમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં બન્નેના દેહ મળી આવ્યા હતા. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ સુજાવાંઢમાં રહેતા પ૦ વર્ષિય જમણીબેન અને તેમની દિકરી શીલ્પા ઘરે જતા હતા એ દરમ્યાન આરોપી સુજાવાંઢના જ રવી હીરા પારકરા (કોલી)એ દિકરીનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા માતા જમણીબેને આરોપીને પડકાર ફેંકતા રવીએ છરી કાઢી ઉપરા ઉપરી ઘા ઝીકી દેતા જમણીબેનનું ઘટના સ્થળે મોત થયું હતું. હત્યા નિપજાવી આરોપી રવી શિલ્પાને લઈને ભાગી ગયો હતો. જે બાબતે રાપર પોલીસમાં ખુનનો ગુનો દાખલ કરાયો હતો. જેમાં જણાવાયું હતું કે, બે મહિના પહેલા પણ શીલ્પાને સુજાપરાનો રવી હીરા કોલી ભગાડી ગયો હતો. ત્યારે ભેગા મળીને રવીને મૌવાણા ગામની સીમમાંથી ઝડપી લેવાયો હતો. તે વખતે રવીએ ફરી શીલ્પાને ભગાડી જવાની ધમકી આપી કોઈ વચ્ચે આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ બાદથી આરોપી ભાગી ગયો હોઈ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. રાપર પોલીસ ઉપરાંત આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોની અલગ અલગ છ ટીમો બનાવી ફતેહગઢ સીમ વિસ્તાર ખૂંદી નાખવામાં આવ્યો હતો. તાજેતરમાં પડેલા વરસાદના કારણે સીમ વિસ્તારમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે. તેમજ ફતેહગઢનો સીમાડો ૧૫ થી ૨૦ કિલોમીટર લાંબો હોવાથી આજે વિવિધ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, એ દરમ્યાન ફતેહગઢ સીમમાં આજે બપોરે બન્નેનું સજોડે ફાંસો ખાધેલી હાલતમાં દે મળી આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા પંચનામું કરી દેહને રાપર સરકારી હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.રાપર પીઆઈ જે. બી. બુબડીયા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેવુ પીઆઈશ્રી બુબડીયા એ જણાવ્યુ હતું

Comments