Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની સરકારી કચેરીઓમાં કોન્ટ્રાકટ પદ્ધતિના કારણે વધ્યો ‘ભ્રષ્ટચાર’

06 September




આરોગ્ય, શિક્ષણ, મહેસૂલ, સ્થાનિક સ્વરાજ સહિતની કચેરીમાં અપૂરતા મહેકમને કારણે લોકો ત્રાહિમામ : આઉટસોર્સિંગના કર્મચારીઓ કામ કરે પણ યોગ્ય વળતર મળતું નથી : સરકારી કર્મીને વધુ પગાર જ્યારે આઉટસોર્સિંગમાં ઓછો પગાર હોવાના કારણે ગુજરાન ચલાવવા માટે ભ્રષ્ટાચારને અંજામ આપતા હોય છે 


ભુજ : કચ્છમાં મોટા ભાગની સરકારી કચેરીઓમાં સ્ટાફની ઘટ છે કાયમી સ્ટાફની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવતી  નથી જેના કારણે મોટા ભાગની સ્ટાફ ઘટની સમસ્યા ઉકેલવા આઉટ સોર્સિંગ મારફતે એજન્સીના માણસો બેસાડવામાં આવ્યા છે. સરકારી કર્મચારી ઉચાપત કે ગેરરીતિ કરતા ખચકાય છે, પરંતુ આઉટ સોર્સિંગના કર્મચારીઓનો પગાર ઓછો હોવા ઉપરાંત કામગીરી વધારે હોવાથી અમુક કર્મીઓ ભ્રષ્ટાચાર તરફ વળી રહ્યાના કિસ્સા બહાર આવી રહ્યા છે. આરોગ્ય, શિક્ષણ, બાંધકામ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વિવિધ શાખાઓમાં કોન્ટ્રાકટ ધોરણે હંગામી કર્મચારીઓને મોટી જવાબદારીઓ સોપવામાં આવી છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં હંગામી કર્મચારીઓ અરજદારોના નાના - મોટા કામ માટે પ્રસાદીની માંગણી કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આઉટસોસિંગ પ્રથામાં કોન્ટ્રાકટ પદ્ધતિથી કર્મચારીને નોકરીએ રાખવામાં આવે છે સરકાર દ્વારા નિમાતો કોન્ટ્રાકટર  કર્મચારીના પગાર ચૂકવે છે સરકાર તેને વધુ રકમ આપે છે તે કર્મચારીને કેટલું આપે છે તેના પર નજર રાખવામાં આવતી નથી. પગાર પણ એજન્સી દ્વારા અનિયમીત ધોરણે અપાય છે. વેતન ઓછું મળવાને કારણે ભ્રષ્ટાચાર ફુલતો જાય છે. ઓછા પગારમાં ઘર ચલાવવામાં તકલીફ પડતી હોવાથી હંગામી કર્મચારીઓ તક મળે ત્યારે ઉપરની આવક મેળવી લેવાની ફિરાકમાં રહેતા હોય છે. કોઈ જરૂરતમંદ અરજદારની ગરજનો લાભ લઈ રોકડી કરવાની તક જતી કરતા નથી. તેથી સરકારી કામોમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. હાલની પરિસ્થિતિએ વિવિધ સરકારી કચેરીમાં કાયમી સ્ટાફના કચ્છની સરકારી બદલે હંગામી કર્મચારીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. કચેરીમાં પૂરતો સ્ટાફ ન હોવાથી જે કર્મચારી કાયમી છે તેને અન્ય વધારાનો ચાર્જ આપવામાં આવે છે એટલે જે અધિકારીને વધારાનો ચાર્જ મળે છે તેમાં જે તે ગામે જવાના દિવસો નક્કી હોય છે. અધિકારી માંદગી, અંગત કામ હોવાથી રજામાં હોય છે ત્યારે ત્યાંના રહેવાસીને તે કચેરીનો ધરમનો ધક્કો ખાવો પડે છે.  કાયમી કર્મચારી વયમર્યાદામાં નોકરી પૂરી કરે છે,અને છેલ્લે મહેકમ ઘટતું જાય છે. કલાસ ર-૩ વર્ગના અધિકારી પણ કોન્ટ્રાકટ પદ્ધતિવાળા મળશે તે પણ દિવસો હવે દુર નથી. હાલ અરજદારો કચેરીમાં અપૂરતા મહેકમને કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. કાયમી કર્મચારીને પટાવાળાથી માંડી અધિકારી વર્ગ સુધી પગાર પંચ, સમયાતરે મોંઘાવારી લાભો મળે છે જયારે આઉટસોસિંગવાળા કાયમી કર્મચારીની જેમ કામ કરે છે. છતાં તેને વંચિત રાખવામાં આવે છે. કચેરીઓમાં હંગામી સ્ટાફની ભરમારના કારણે ભ્રષ્ટાચારનું ભારણ વધ્યું છે. અરજદારોને નાના - મોટા કામ માટે દક્ષિણા આપવાની ફરજ પડી રહી છે. 

Comments

COMMENT / REPLY FROM