Trending News
સ્થાનિક સમાચાર

ધ્રબમાં વનપાલ અને વનરક્ષકે દારૂના નશામાં ધમાલ કરતાં ફરિયાદ નોંધાઈ

05 September



બંને વન કર્મચારીના કબ્જાની ગાડીમાં દારૂની બોટલ તેમજ પીધેલી હાલતમાં મળી આવતા પ્રોહીબીશનનો પણ ગુનો નોંધાયો : સામે પક્ષે રેતી ચોરી પકડ્યાના મનદુઃખે માર માર્યાની પ્રતિફરિયાદ 



મુંદરા : તાલુકાના ધ્રબ ગામે વન વિભાગના વનપાલ અને વનરક્ષક દારૂના નશાની હાલતમાં મળી આવ્યા હતા. બંને જણા દારૂ પીધેલી હાલતમાં હતા અને કબ્જાની ગાડીમાં બોટલ પણ મળી આવી હતી. નશાની હાલતમાં સ્થાનિકે ગામના આધેડ સાથે બોલાચાલી કરી લાકડી વડે ઢોર માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે. ધ્રબ ગામે રહેતા અબ્દુલકાદર જુસબ તુર્કે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના ઘર પાસે આરોપીઓ વન કર્મચારી આવ્યા અને નશાની હાલતમાં હતા, તેઓએ ફરિયાદી સાથે ગાળાગાળી કર્યા બાદ ગાડીમાંથી લાકડી કાઢી ઢોર માર માર્યો હતો. આસપાસની વાડીઓમાંથી અન્ય લોકો આવી જતાં મારમાંથી બચાવ્યા હતા. પોલીસને જાણ કરી બોલાવી લેવાઈ હતી. પોલીસે વન કર્મચારી બનાસકાંઠાના નવીન ચેલાભાઈ વણાગાંઠ (ચૌધરી) અને મોટા ભાડિયાના રતન હમીરભાઈ મધુડા (ગઢવી)નો કબ્જો લીધો હતો. બંને નશાની હાલતમાં અને ગાડીમાં વ્હીસ્કીની બોટલ હોવાથી બંને સામે સરકાર તરફે દારૂ પીવા અને દારૂના સંગ્રહ બાબતે ત્રણ ફરિયાદ દાખલ થઈ હતી.  દરમિયાન બચાવ પક્ષે વળતી ફરિયાદમાં વનપાલ નવીન ચૌધરીએ જણાવ્યું હતું કે, પોતે વન રક્ષક સાથે પેટ્રોલિંગમાં હતા અને અગાઉ રેતીચોરી પકડી હતી, જે મામલે ઈરફાન અબ્દુલકાદર તુર્ક અને તેની સાથેના અજાણ્યા ઈસમોએ લાકડી વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. મુંદરા પોલીસે સામસામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. વન વિભાગ દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

Comments

COMMENT / REPLY FROM