ખાનગી મુસાફર વાહનો ‘ભ્રષ્ટ’ ખાખીધારી માટે કમાઉ ‘દીકરો’
કચ્છના ધોરીમાર્ગો પર બેફામ દોડતા
જિલ્લા મથક ભુજ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકો પર ખાનગી વાહનોનું ગોઠવાયેલું છે ચોક્કસ નેટવર્ક : એસટીની બસના સમય આસપાસ જ દોડતા ખાનગી વાહનો પર ભ્રષ્ટ પોલીસ અને આરટીઓ તંત્રની છે રહેમ નજર : મિની લક્ઝરી, ઈકો, તુફાન અને જીપ જેવા વાહનોમાં ઠાંસી-ઠાંસી ભરાય છે મુસાફરો : ટ્રાફિક પોલીસની નજર સામે જ દોડતા વાહનો સામે ભાગ્યે જ થાય છે કાર્યવાહી
ભુજ રેલવે મથક પરથી મુસાફરો લેવા દોડતા ખાનગી ટેક્ષીધારકો અને પોલીસની સાંઠગાંઠથી અન્ય વાહનો નથી લઈ શકતા મુસાફર : રેલવે મથકથી મુસાફર લઈ નીકળેલા અન્ય વાહનો નજીકના વિસ્તારમાંથી થઈ જાય છે ડીટેઈન
ભુજ : વિશાળ ક્ષેત્રફળ ધરાવતા અને દસ તાલુકાઓમાં પથરાયેલા કચ્છ જિલ્લામાં એસટી બસોની અપુરતી અને અનિયમિત સેવાઓના પગલે ખાનગી મુસાફર વાહનોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. આ અગાઉ કચ્છના અંતરિયાણ વિસ્તારમાં એસ.ટીની સુવિધા પ્રથમ ગણાતી હતી, જે હવે ધીરે - ધીરે ખોટવાઈ રહી છે. જિલ્લા મથક ભુજ સહિત કચ્છના તમામ તાલુકા મથકો અને મોટા ગામોમાં દરરોજ મોટી સંખ્યામાં ખાનગી મુસાફર વાહનો બેફામ બની દોડતા રહે છે. મિની લક્ઝરી બસ, જીપ, છકડા જેવા વાહનો એસટી બસની અસુવિધાઓનો ભરપુર લાભ લઈ ઘેટા-બકરાની જેમ ઠાંસી-ઠાંસી મુસાફરો ભરી દોડતા રહે છે. જિલ્લામાં ઠેર-ઠેર દોડતા ખાનગી મુસાફર વાહનો ભ્રષ્ટ પોલીસ તંત્ર માટે કમાઉ દીકરો હોવાથી ગેરપ્રવૃત્તિ બેરોકટોક ચાલતી રહે છે.આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રો જણાવ છે કે, જિલ્લા મથક ભુજથી અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર જેવા પૂર્વ કચ્છના તમામ વિસ્તારો માટે મિની લક્ઝરી બસો દર ૧પ મિનીટે દોડે છે. મુંદરા - માંડવી પંથકમાં ઈકો, તુફાન અને મિની લક્ઝરી બસો મુસાફરોની સેવામાં દિવસભર દોડે છે. પશ્ચિમ કચ્છના નખત્રાણા, નલિયા, લખપત જેવા વિસ્તારોમાં પણ મિની લક્ઝરી બસ સહિતના વાહનો દોડી રહ્યા છે. ભુજથી ખાવડા અને પાવરપટ્ટીના વિસ્તારો માટે ઈકો, તુફાન, બોલેરો જેવા વાહનોની સેવા દિવસભર ઉપલબ્ધ રહે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ ખાનગી વાહનો દ્વારા દર મહિને ચોક્કસ રકમના હપ્તા પોલીસ અને આરટીઓ તંત્રને પહોંચાડવામાં આવે છે. ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ દ્વારા નક્કી થયેલ હપ્તાની ચોક્કસ રકમ નિયમિત રીતે વાહન માલિકો દ્વારા પહોંચતી કરવામાં આવે છે, જેની સામે પોલીસ દ્વારા ચોક્કસ રૂટ પર ખાનગી મુસાફરગાડી દોડાવવાની આડકતરી મંજૂરી આપવામાં આવે છે. ભુજના રેલવે સ્ટેશન પર આવતા અને પોલીસને હપ્તા ન ભરતા વાહનો જો મુસાફર લઈને નીકળે તો નજીકના વિસ્તારોમાં જ ડીટેઈન કરી લેવાય તે પ્રકારનું નેટવર્ક ગોઠવાયેલું છે. ખાનગી લક્ઝરી બસો સહિતના વાહનોનું એસટીથી પણ વધુ ચોક્કસ સમયપત્રક હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ભુજથી તમામ તાલુકા મથક તરફ દોડતી ખાનગી મિની બસ કેટલા વાગ્યે ઉપડશે તે માહિતી સુધ્ધા મુસાફરો પાસે હોય છેે. એસટીની સમાંતરે જ દોડતી લક્ઝરી બસોને અટકાવવાનો નિયમ હોવા છતાં એસ.ટી તંત્ર સહિત પોલીસ તેમજ આરટીઓ દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. ખાનગી મુસાફર વાહનોનું નેટવર્ક એટલુંં વિકસીત થયું છે કે, મુસાફરો એસટીની બસ કરતા ખાનગી મુસાફર વાહન પર વધુ વિશ્વાસ રાખતા થયા છેે.ભુજ શહેરના બિલેશ્વર મહાદેવ મંદિર સમીપે ઘનશ્યામનગર અને પોસ્ટ ઓફિસ સામે, એસટી તેમજ જ્યુબીલી સર્કલ સહિતથી ખાનગી વાહનો મુસાફરો ભરી લેતા હોય છે. ભુજ બસ સ્ટેશન સમીપે જ જનતાઘર અને રાજન શો-રૂમ નજીકથી તુફાન, ટેમ્પો જેવા નાના મુસાફર વાહનો નિયમિત દોડી રહ્યા છે. જિલ્લા પંચાયતની સામે સહિત અનેક વિસ્તારના અલગ- અલગ પોઈન્ટ ઉપરથી વાહનો ઉભા હોય છે જે જાહેર એસટી નજીક નાના વાહનોમાં ઘેટા-બકરાની જેમ ઠાંસી-ઠાંસી મુસાફરો ભરવામાં આવે છે. આવા ઓવરલોડ વાહનો ટ્રાફિક પોલીસની નજર સામેથી જ બેરોકટોક પસાર થાય છે ત્યારે શહેરીજનો પણ તંત્ર સાથે વાહન માલિકોની સેટીંગ હોવાની ટકોર કરતા હોય છે.
.....................
માંડવી, મુન્દ્રા, નલિયા સહિતના પટ્ટામાં તુફાનનો ૧૭૦૦નો હપ્તો
ભુજથી માંડવી, મુન્દ્રા, નલિયા સહિતનો રૂટ ટ્રાફિકથી સતત ધમધમતો રહે છે. આ રૂટ પર મુસાફરોની અવર-જવરનું સૌથી હાથવગુ સાધન ભુજ બસપોર્ટ નજીક રાજન શો-રૂમ પાસેથી ઉપડતી તુફાન ગાડીઓ છે. ભુજથી સવારે ૯ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી દર દસ કે પંદર મિનીટે એક તુફાન માંડવી તરફ રવાના થાય છે. આ રૂટ પર તુફાન ગાડી ચલાવવા માટે ભ્રષ્ટ બાબુઓને દર મહિને ફિક્સ રૂા.૧૭૦૦નો ચાંદલો કરવાનો રહે છે તેવું સૂત્રો જણાવે છે. ભુજ પોલીસથી કોડાય અને માંડવી પોલીસના કેટલાક ભ્રષ્ટ ખાખીધારીઓ સુધી પ્રસાદી પહોંચતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ખાવડા રૂટનો ભાવ રૂા.રર૦૦
જાણવા મળતી વિગતો મુજબ ભુજથી ખાવડા તરફ જતી મિની લક્ઝરી બસ અને ઈકો સહિત ખાનગી વાહનો પાસેથી દર મહિને રૂા.રર૦૦ લેવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રૂટ પર પ૦થી વધુ ખાનગી વાહનો ‘પ્રસાદી’ ધરી દોડી રહ્યા છે. પ્રસાદીની ભાગબટાઈ ભુજ એ અને બી ડિવિઝન પોલીસ, જિલ્લા ટ્રાફિક, ખાવડા પોલીસ વગેરેમાં સરખા હિસ્સે કરવામાં આવે છે. તે સિવાય આરટીઓ તંત્રને પ્રસાદ્ધીમાં અર્પણ કરવામાં આવે છે.
એસટીના અધિકારીઓને પણ ઉપરની આવક ?
કચ્છના જુદા-જુદા આંતરિક રૂટ પર દોડતી ખાનગી લક્ઝરી બસ એસટીની બસના સમયથી પાંચ કે દસ મિનીટ પહેલા રવાના થાય છે. મૂળ પ્રસ્થાન સ્થાનથી પેસેન્જર લઈ નીકળેલી ખાનગી બસ રૂટના તમામ નાના-મોટા સ્ટોપ પરથી એસટીની બસ પહોંચે તે પહેલા જ મુસાફરો ઉપાડી લે છે. જોકે, સમગ્ર લોલમલોલમાં એસટીના ભ્રષ્ટ અધિકારઓની ભૂંડી ભૂમિકા હોવાની ચર્ચા ચાલી રહી છે. દરેક મિની બસ સહિત ખાનગી વાહન દીઠ મહિને એસટી સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારીઓને મહિને હજારથી પંદરસોની આવક થતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Comments