Trending News
સ્થાનિક સમાચાર

માધાપર હાઇસ્કૂલના ડૉ. દિનેશકુમાર ડાકીએ ગામડાના ૧૩૪ છાત્રોને સ્પોર્ટસમાં રાષ્ટ્રીયકક્ષાએ પહોંચાડ્યા

04 September


અત્યાર સુધી ગ્રામ્યકક્ષાના ૩૦ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ રમતમાં વિજેતા બની કચ્છ તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે

ભુજ : અભ્યાસ સાથે બાળકોમાં યોગ-વ્યાયામ તથા સ્વસ્થ જીવન શૈલીના નિમાર્ણમાં વ્યાયામ શિક્ષકની ભૂમિકા બેવડાઇ જાય છે. આવી જ ભુમિકા ભજવતા ભુજ તાલુકાના માધાપર ગામની એમએસવી હાઇસ્કૂલના મદદનીશ શિક્ષક તથા વ્યાયામ શિક્ષક તરીકે ૨૦ વર્ષથી ફરજ બજાવતા ડૉ. દિનેશકુમાર લક્ષ્મણભાઇ ડાકીને રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરીને તેમની રાજયસરકારે તેમની કામગીરીની સરાહના કરી છે.છેલ્લા ૨૦ વર્ષથી માધાપર એમએસવી હાઇસ્કુલમાં ઉમદા ફરજ નિભાવીને વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહી પરંતુ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વ્યાયામ અને રમત-ગમતને પણ પુરતુ મહત્વ આપતા ડૉ. દિનેશકુમાર ડાકીએ વર્ષ ૨૦૧૨માં પીએચડીની ઉપાધી સાથે વર્ષ ૨૦૧૯માં એસોશિયેટ એનસીસી ઓફીસરની ઉપાધી પ્રાપ્ત કરેલી છે. ડૉ. દિનેશકુમાર ડાકી જણાવે છે કે, શાળાની અંદર શિસ્ત એ પાયોનો ગુણ ગણવામાં આવે છે. શાળામાં વ્યાયામ શિક્ષક તરીકે આવ્યા બાદ દરરોજ સવારે ૬ થી ૭ઃ૩૦ અને સાંજે ૫ થી ૭ શાળા સમય સિવાય વિદ્યાર્થીઓને અલગ-અલગ રમતનું કોચીંગ આપી અને જિલ્લા અને રાજ્ય તેમજ રાષ્ટ્રીયકક્ષાએ વિજેતા બનવા માટે લાયક બનાવવાનો પ્રયત્ન કરું છું. જે પ્રયત્નતી આજદિન સુધીમાં ૧૩૪ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ જુદી જુદી રમતોમાં જુદા જુદા રાજયોમાં ભાગ લઈ ૩૦ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકક્ષાએ વિજેતા થઈ મેડલ પ્રાપ્ત કરેલા છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ તથા મહિલા સ્પોર્ટસ સ્કોલરશીપમાં કુલ મળી રૂા.૪૨,૦૨,૪૦૦ જેટલી માતબર રકમ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી છે.સરકાર દ્વારા આયોજિત થતી વિવિધ શૈક્ષણિક, આરોગ્યને લગતી તેમજ રમત-ગમતની તાલીમો મેળવી છે તથા આરપી તરીકે અનેક વખત ફરજ બજાવી છે. શાળામાં આવતા વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવું છું જેમાં અનેક વિદ્યાર્થીઓએ બીડી, ગુટખા જેવા વ્યસનમાંથી મુક્તિ મેળવી સુટેવો વિકસાવી છે. આ ઉપરાંત અમારી શાળામાં સ્કાઉટ માસ્ટર તરીકે ૨૦૦૪ થી ૨૦૦૬ સુધી જવાબદારી સંભાળી હતી. ૨૦૧૧માં એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર તરીકે ગુજરાતની ટીમ લઈ હિમાચલ પ્રદેશ મુકામે પ્રતિનિધિત્વ કર્યું.  ૨૦૧૭થી એનસીસી નેવલ યુનિટના એનસીસી ઓફિસર તરીકે શાળામાં જવાબદારી સંભાળી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, શૈક્ષણિક કાર્યની સાથે સાથે રમત-ગમતને પણ પ્રાધાન્ય આપતા કચ્છ જિલ્લામાં એક માત્ર મળવા પાત્ર ડીએલએસએસ તરીકે માધાપર એમએસવી હાઇસ્કુલની પસંદગી કરવામાં આવી અને ૧૦૦ જેટલા ગુજરાતના ખેલાડીઓ હોકી, આર્ચરી, વોલીબોલ, ફૂટબોલ સહિતની મુખ્ય રમતોનું કોચીંગ અહીં મેળવી રહ્યા છે.
------

Comments

COMMENT / REPLY FROM