નારાયણ સરોવરમાં રસ્તાઓ ઉપર પાણી ભરાતા લોકોને મુશ્કેલી
યાત્રિકોની બસ ફસાઈ જતા ટ્રેકટરના સહારે બહાર કઢાઈ
ભુજ : કચ્છમાં થયેલા ભારે વરસાદના કારણે કાંઠાળ વિસ્તારોમાં રોડ, રસ્તા, ખેતીનું ધોવાણ થયું છે. જળાશયોમાં નવાનીરની આવક થતાં નદી નાળા, ચેકડેમ ઓવરફલો થયા છે. ત્યારે નારાયણ સરોવરમાં આવેલ બંધારોનો ઓગન ઉંચુ હોયથી સમસ્યા થાય છે. ઓગનને નીચુ કરવા આવે અને રોડ ઉપર પુલ બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરાઈ હતી. રસ્તા પર પાણીના ભારે પ્રવાહના કારણે વાહનો રોકી દેવામાં આવે છે. બે સાઈડ વરસાદી પાણીથી રોડ તેમજ પુલને નુકશાન થયું છે તેવું તંત્ર જણાવ્યું હતું. નારાયણસરોવર નજીક ગુહરની પાપડીમાં અમદાવાદના યાત્રિકોની બસ ફસાતા બસમાં સવાર યાત્રિકોને બહાર કઢાયા હતા. નારાયણ સરોવર અન્નક્ષેત્રના સહયોગથી બસના યાત્રિકોને ટ્રેકટરના સહારે તિર્થધામ નારાયણ સરોવર પહોંચતા કરવામાં આવ્યા હતા. તલાટી કમ મંત્રી જોષી તરૂણભાઈ દ્વારા યાત્રિકોને નારાયણ સરોવર અન્નક્ષેત્રમાં રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બસના ડ્રાઈવર તેમજ હેલ્પરને સ્થળ પર પાણી તેમજ જમવાની વ્યવસ્થા કરી આપી હતી. રોડ રસ્તા બંધ હોવાથી નારાયણ સરોવરના વેપારીઓને ધંધામાં મોટું નુક્સાન થયું છે. વીજ ધાંધિયાના કારણે વેપારીઓ હેરાન પરેશાન થાય હતા. ધોરણ ૯થી ૧૨ના ૩પ વિધાર્થીઓ ૨૨ કિ.મી અંતરેથી અપડાઉ કરે છે. રોડાસર, પીપર, લક્કી ગુહરના ગામડાઓના વિધાર્થીઓ શાળામાં આ રોડ રસ્તા ના કારણે શિક્ષણ માટે પોચી શકતાં નથી. માર્ગના અભાવે બસો આવતી નથી. વર્માનગર ભણવા જતા છાત્રોને પગે જવું પડે છે. પાપડી બંધ હોતા ૪૦ કિલોમીટરનો ફેરો પડે છે. પાપડી પાસે સૂચના બોર્ડ લગાવવા જરૂરી છે. નારાયણસરોવર માર્ગ તાકીદે માર્ગ મકાન વિભાગ રિપેરીંગ કરે તેવી માંગ ઉઠી છે. નારાયણ સરોવર ખાતે અબડાસાના ધારાસભ્ય, લખપત તાલુકાના તાલુકા પંચાયતના તેમજ જીલ્લા પંચાયતના કોઈ સદસ્યો મુલાકાત લીધી નથી તેવો આક્ષેપ સ્થાનિક રહેવાસીઓ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થતા હાલમાં ગ્રામ પંચાયત વહીવટી તંત્ર પાસે છે. લખપતમાં સિમેન્ટ પ્રોજેક્ટ તેમજ લિગ્રનાઈટ પ્રોજેક્ટ અને પાવર પ્લાન્ટ આવેલા છે. રોડ રસ્તા હોય કે પછી પાણીના નિકાલ માટે પોતાની જવાબદારી સમજે તો મશીનરી કામે લગાડીને સમસ્યાઓ દૂર કરી શકે તેવી લાગણી પણ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. આ અંગે પ્રાંત અધિકારી સૂરજ સુથારે જણાવ્યું હતું કે, નારાયણ સરોવરમાં બંને બાજુ પાણી ભરાઈ ગયા છે, તેનું કારણ પાણીનો નિકાલ થઈ શકયો નથી. તંત્ર દ્વારા પાણી નિકાલ માટે સિંચાઈ હસ્તક બંધારાને તોડીને નિકાલ કરવામાં આવી રહ્યો છે. રોડ રસ્તા બાબતે માર્ગ મકાન વિભાગ સાથે વાત કરી છે. રેવેન્યુ સ્ટેબીલીટી ચેક કરવા માટે સૂચના આપી છે. અને ગઈકાલે મુલાકાત લીધી હતી. હાલના સમયે નાના વાહનો જઈ શકે છે, પરંતુ મોટા હેવી વાહનો જઈ શકતા નથી. તેના માટે સ્થળ તપાસણી કરી જરૂર પડ્યે રીપેરીંગ કામ કરીને રસ્તો ચાલુ કરવામાં આવશે. ગોધાતડ ડેમની આવના કારણે સમસ્યા સર્જાતી હતી. પીવાના પાણીની સમસ્યા અંગે જણાવ્યું હતું કે, નેત્રા અને ખીરસરા પંપથી પાણી દયાપર આવે છે. વીજ પુરવઠો ન હોવાના કારણે ત્યાં સંપમાં પાણી ભરાયું નથી. વીજ પુરવઠો શરૂ થવાથી પાણીની સમસ્યાનો અંત આવશે.
આ અંગે મામલતદાર ડોડિયાએ જણાવ્યું હતું કે, ગુહરની પાપડીમાંથી પાણી કાઢવામાં આવ્યું છે. અહીં આવેલી પાપડીને ઉંચી લેવાથી રોડ ઉચો કરવો પડે અને બે નાલા નાખવામાં આવશે તો જ કાયમી ઉકેલ આવી જશે. તો પુનરાજપુર, ખીરસરા, બંરદામાંથી નિકળી શકાશે અને રસ્તામાં પાણી નહીં ભરાય. ચોમાસામાં દરિયાનું પાણી નારાયણસરોરવમાં ભરાય છે ત્યાં વચ્ચે વચ્ચે નાળા મુકવાથી કાયમી સમસ્યાનો અંત આવશે. ગોધાતડ ડેમ ઓવરફલો થતાં પાણી અહીં આવ્યું છે. આ બાબતે નખત્રાણા પ્રાંત અધિકારીને પરિસ્થિતિથી વાકેફ કર્યા છે.

Comments