Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં વાતાવરણ પલ્ટાયું । વાગડની વાટે ફરી વરસાદ

03 September




રાપર - ભચાઉ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ : રાપર પંથકમાં એક કલાકમાં બે ઈંચ પાણી વરસ્યું : પૂર્વ કચ્છના અંજાર સહિતના વિસ્તારોમાં ઝરમર મેહુલીયો : જિલ્લા મથક ભુજ સહિત જુદા જુદા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ : વધુ ત્રણ દિવસ દરમ્યાન મધ્યમથી ભારે વરસાદની આગાહી


ભુજ : કચ્છ જિલ્લામાં બે દિવસીય મેઘ વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ સર્જાયો છે. કચ્છ સહિત રાજયના વિવિધ વિસ્તારોમાં આગામી ત્રણ - ચાર દિવસ સુધી વરસાદની આગાહી વચ્ચે આજે સવારે વાગડની વાટે કચ્છમાં ફરી વરસાદનું આગમન થયું છે. વાગડના રાપર તાલુકાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારે છ વાગ્યાના અરસામાં ધીમીધારે શરૂ થયેલા વરસાદે બાદમાં જોર પકડયું હતું. માત્ર એક કલાકના અરસામાં રાપર પંથકમાં બે ઈંચથી વધુ વરસાદ થયો હોવાનું પ્રતિનિધિએ જણાવ્યું હતું.આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ સહિત રાજયમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વચ્ચે વાગડ પંથકના વાતાવરણમાં વહેલી પરોઢથી બદલાવ આવ્યો હતો. તાલુકા મથક રાપર ખાતે છ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાપર પંથકમાં એકથી દોઢ કલાકના અરસામાં બેથી સવા બે ઈંચ વરસાદ થયો હતો. ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પર પાણી વહી નિકળ્યા હતા તેવું રાપરના નાયબ મામલતદાર શિવાભાઈ રાજપુતે જણાવ્યું હતું. દોઢેક કલાકના અરસામાં કન્ટ્રોલ રૂમ પર ૬પ મીમી વરસાદ નોંધાયો હતો. ચાર, પાંચ દિવસના વરાપ બાદ શરૂ થયેલો વરસાદી દૌર ખેતી માટે લાભદાયક થશે તેવું રાપર ઉપરાંત ભચાઉ, સામખિયાળી વગેરેમાં પણ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબકયો હતો. પૂર્વ કચ્છના અંજારમાં ગત રાત્રીથી ઝરમર સ્વરૂપે શરૂ થયેલો વરસાદ આજે સવારે ઝાપટાં સ્વરૂપે વરસ્યો હતો. જિલ્લા મથક ભુજ સહિત જિલ્લાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વરસાદી માહોલમાં હવામાં ભેજનું પ્રમાણ વધતા બફારાથી લોકો પરેશાન થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સાતમ - આઠમના તહેવારો દરમ્યાન સતત પાંચ દિવસ ભારે વરસાદ થયો હતો. પશ્ચિમ કચ્છમાં માંડવી, લખપત, અબડાસા, મુંદરા અને ભુજ પંથકમાં ભારે વરસાદથી રોડ, રસ્તા, ખેતરો, વીજ માળખાનું ધોવાણ થતા કરોડોનું નુકશાન થયું હતું. વરસાદથી થયેલા નુકશાનનું સર્વે શરૂ થયું છે તેવામાં વાગડ વિસ્તારથી કચ્છમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. માંડવી અને અબડાસા વિસ્તારમાં થયેલા ભારે વરસાદના પાણી હજુ ઓસર્યા નથી તેવામાં જ ફરી વરસાદની આગાહીની કાંઠાળ કચ્છવાસીઓમાં ઉચ્ચાટ વધ્યો છે.



 

Comments

COMMENT / REPLY FROM