Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણીના સુચારું આયોજનને લઈને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

03 September


સમગ્ર સપ્ટેમ્બર મહિનાને ‘પોષણ માસ’ તરીકે ઉજવીને પૂરક આહાર, ગ્રોથ મોનિટરિંગ વગેરે પોષણ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરાશે  

ભુજ : કચ્છ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણીના સુચારું આયોજનને લઈને જિલ્લા પંચાયત ખાતે ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. ૧ સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રીશ્રી અન્નપૂર્ણા દેવી અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાએ પોષણ માસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ કડીના ભાગરૂપે સપ્ટેમ્બર-૨૦૨૪માં સાતમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે.આ બેઠકમાં આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરશ્રી દશરથ પંડ્યાએ સૌ અધિકારીઓને આવકારીને પોષણ માસના શુભારંભ અને ૭મા પોષણમાસની મુખ્ય થીમ એનિમિયા, ગ્રોથ મોનીટરીંગ, પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા ટેક્નોલોજીનો ઉપયોગ તેમજ સર્વગ્રાહી પોષણ અંગેના આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારીને અવગત કરાવ્યા હતા. પોષણ થીમ સાથે સંલગ્ન વિભાગો સાથે ચર્ચા કરીને પોષણ માસ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. શહેરથી માંડીને ગ્રામ્યકક્ષા સુધી પોષણ માસ અંતર્ગત પ્રવૃતિઓ થાય તે બાબત ઉપર જિલ્લા વિકાસ અધિકારીએ ભાર મૂક્યો હતો. આરોગ્ય વિભાગના સહયોગ અને સંકલનથી જિલ્લાના તમામ સબ સેન્ટર ઉપર એનિમિયા ટેસ્ટ કાર્યક્રમો યોજાય તેમજ “ એક પેડ માં કે નામ” કાર્યક્રમ તમામ આંગણવાડી કેન્દ્રો, પંચાયતો, શાળાઓમાં યોજાય તે અંગે જિલ્લા વિકાસ અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં સપ્ટેમ્બર માસની તા.૧ થી તા.૩૦ તારીખ દરમિયાન પોષણ માસની ઉજવણી અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
આ બેઠકમાં તાલમી સનદી અધિકારી ઈ.સુસ્મિતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રવિન્દ્ર ફૂલમાલી, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.પવન મકરાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્ર વાઘેલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સંજય ચૌધરી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
---

Comments

COMMENT / REPLY FROM