કચ્છી લોકસંગીતમાં ઉત્કૃષ્ટ યોગદાન ભારમલભાઈ સંજોટનું કરાયું સન્માન
રાજ્યપાલના હસ્તે રાજ્યના ૨૮ જેટલા ખ્યાતનામ કલા સાધકોને સંસ્કાર સન્માન તથા સંસ્કાર વિભૂષણ માનપત્ર એનાયત કરાયા
ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાન્ત દ્વારા આયોજિત સંસ્કારોત્સવ સમારોહમાં ગુજરાતના સંગીત, સાહિત્ય, કલા, નાટ્ય - નૃત્ય સહિત વિવિધ ક્ષેત્રના વરિષ્ઠ કલાકારોનું ‘સંસ્કાર વિભૂષણ’ પુરસ્કારથી સન્માન કર્યું હતું. કલા ક્ષેત્રના મહાનુભાવોને અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, કલાકારો-સાહિત્યકારો વિશેષ ગુણો અને સંસ્કારોથી સમાજને અને દેશને વૈચારિક રીતે સમૃદ્ધ કરે છે. સાહિત્ય, સંગીત કે કલા માત્ર મનોરંજનનું માધ્યમ નથી, મનુષ્યમાં સુસંસ્કારોનું સિંચન કરીને આત્માને આનંદિત અને આહ્લાદિત કરીને અધ્યાત્મ તરફ લઈ જાય છે.
ગુજરાતના ૨૮ જેટલા ખ્યાતનામ કલાકારોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ‘સંસ્કાર સન્માન - ૨૦૨૪’ અને ‘સંસ્કાર વિભૂષણ’ માનપત્ર અર્પણ કર્યા હતા, જેમાં કચ્છમાં લોકસંગીત અને સંસ્કૃતિને ઉજાગર કરનાર કલા વારસો સંસ્થાના સ્થાપક અને મારવાડા મેઘવાળ સમાજના ભારમલભાઈ સંજોટને ‘સંસ્કાર સન્માન - ૨૦૨૪’ માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. કચ્છી લોકસંગીતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપીને સંસ્કૃતિને જીવંત રાખેલ છે.કચ્છ માટે આ માનપત્ર ખૂબ જ મહત્વનું ગણાવી શકાય છે અને વર્ષોથી જૂની પરંપરા અને સંસ્કૃતિને આજસુધી જાળવી રાખવામાં આવેલ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જે માઇક્રોફોન દ્વારા મારો અવાજ આપના સુધી પહોંચે છે એ માઇક્રોફોનમાં વપરાયેલા લોખંડ અને પ્લાસ્ટિકની કિંમત તો ૨૦ - ૪૦ રૂપિયા જ હશે, પરંતુ એન્જિનિયરોએ લોખંડ-પ્લાસ્ટિકના ટુકડામાં સંસ્કાર સિંચન કરીને તેને માઇક્રોફોન બનાવ્યું એટલે તેની કિંમત હજ્જારો રૂપિયા થઈ ગઈ. સંસ્કાર માણસને મનુષ્ય બનાવે છે, મૂલ્યવાન બનાવે છે, જીવન જીવતાં શીખવે છે.રાજ્યપાલ કહ્યું કે, કલા મનુષ્યને જીવન જીવતાં શીખવે છે. આ સૃષ્ટિમાં જડ-ચેતન તમામ પદાર્થો અન્યના ઉપયોગ અને પૂર્તિ માટે છે. મનુષ્ય જીવન પણ પરમાર્થ માટે હોવું જોઈએ. ધર્મ, અર્થ અને કામ કરતાં કરતાં મોક્ષ પ્રાપ્તિ એ જીવનનો પરમ ઉદ્દેશ્ય છે. કલા-સાહિત્ય આ દિશામાં પ્રેરણા આપવાનું કામ કરે છે. તેમણે ભારતીય જીવન મૂલ્યો અને ભારતીય સંસ્કાર પરંપરાને જાળવી રાખવાની જવાબદારી નિભાવતી સંસ્કાર ભારતીને અભિનંદન આપ્યા હતા. અનાજ કે ચીજ વસ્તુઓનો દુષ્કાળ પડશે તો વિદેશથી આયાત પણ કરી શકાશે. પરંતુ કલા, સંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે તો તે ક્યાંયથી આયાત નહીં થઈ શકે. કલા, સંસ્કાર અને સંસ્કૃતિને તો આપણી ધરતીમાં જ ઉગાડવા પડશે, તેનું જતન અને સંવર્ધન કરવું પડશે. કલા દિવસે તો કલાકાર જીવશે, અને કલાકાર જીવશે તો રાષ્ટ્ર જીવશે.

Comments