Trending News
સ્થાનિક સમાચાર

મોટા કપાયાની ભુખી નદીમાં ડૂબી જતાં યુવાનના મોતથી અરેરાટી 

02 September




આખી રાત શોધખોળ કર્યા બાદ સવારે દેહ મળી આવતા આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું : મુંદરામાં નદી અને પાણીના ખાબોચિયામાં ડૂબી જવાના કારણે મોતની ઘટનાઓ બનતા પ્રશાસન સામે લોકોએ ઉઠાવ્યા સવાલ 
’’



મુંદરા : ભારે વરસાદ બાદ મુંદરામાં ભુખી નદી, કેવડી નદીમાં જોશ ભેર પાણી વહી નિકળ્યા છે. આ ઉપરાંત અન્ય તળાવો, ડેમ, જળાશયો પાણીથી ઓવરફલો થયા છે. તાજેતરમાં બે બાળકો નદીમાં ડૂબી જતાં મોત થયું હતું. મોટા કાંડાગરામાં શ્રમિક પાણીના વહેણમાં ડૂબી જતા મોત થયું હતું. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. મોટા કપાયા ગામના યુવાનનું ભુખી નદીમાં ડૂબી જવાના કારણે મોત થતાં પરિવારમાં આક્રંદ છવાઈ 
ગયો છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મોટા કપાયા ગામના ર૬ વર્ષિય સિદ્ધરાજસિંહ નાગુભા ચુડાસમા પોતાની વાડીની બાજુમાં પસાર થતી ભુખી નદીના વહેણમાં ડૂબી ગયા હતા. જેઓને આખી રાત શોધખોળ કરવામં આવી હતી. જો કે, અત્તોપત્તો મળ્યો ન હતો. આજે સવારે તેમનો દેહ મળી આવતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. દેહને મુંદરા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા બાદ જરૂરી કાર્યવાહી પછી પરિવારને કબ્જો સોપવામાં આવ્યો હતો. બનાવ સ્થળે પરિવારજનો સાથે સરપંચ પ્રતિનિધિ નવલસિંહ પઢિયાર, ટીડીઓ શ્રી ત્રિવેદી, નાયબ ટીડીઓ શ્રી ગોસ્વામી, પ્રાગપર પીઆઈ હાર્દિક ત્રિવેદી સહિતના પહોંચી આવ્યા હતા. પોલીસે એડી દાખલ કરવાની તજવીજ હાથ 
ધરી છે. 



...............


ખનિજચોરોના પ્રતાપે યુવાને જીવ ગુમાવ્યો, ખાણ ખનિજને હપ્તા પહોંચતા હોવાનો આક્ષેપ

દરમિયાન સ્થાનિકે ભેગા થયેલા લોકોએ ખનિજચોરીના પ્રતાપે આ પ્રમાણેની ઘટના વધી રહી હોવાનો બળાપો ઠાલવ્યો હતો. ભુખી નદી, કેવડી નદીમાંથી બેફામ રેતીચોરી થઈ રહી છે. જેની સામે પગલાં લેવામાં આવતા નથી. ખનિજચોરો દ્વારા અમે ખાણ ખનિજને હપ્તા આપીએ છીએ. અમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે તેની શેખી મારવામાં આવે છે. નદીઓમાં બેફામ રીતે ખનન કરી બે-ત્રણ ઊંટ ઉભા રહે તેવા મોટા ખાડા પડી જતા યુવાન ડૂબ્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું. નદીઓમાં માટી ચોરી કરતા લોકોને કેમ રોકવામાં નથી આવતા તેવો સવાલ ઉઠાવી તંત્રના અધિકારીઓ ફકત હપ્તા લઈ ચાલ્યા જતા હોવાનો આક્ષેપ કરી દંડાત્મક કાર્યવાહીની માંગ કરી છે.  

 

Comments

COMMENT / REPLY FROM