Trending News
સ્થાનિક સમાચાર

અણીના સમયે મોકાણ : કચ્છમાં ખાતરની ભારે અછતથી ખેડૂતો મુશ્કેલીમાં

31 August




ખરીફની સીઝનમાં ખરા ટાંકણે જ યુરીયા, ડીએપી ખાતર ન મળતા ધરતીપુત્રો રઝળપાટ કરવા મજબુર : ખાતરની અછતથી ઉભા પાકને નુકશાનીની ભીતિ 


જિલ્લામાં હાલે યુરીયા - ડીએપીની અછત : ભારે વરસાદના પગલે પરિવહન ઠપ્પ થતા સ્ટોકને સીધી અસર : ગુજકોમાસોલ અને જિલ્લાની સહકારી મંડળીઓ ખેડૂતોને પુરતો ખાતરનો જથ્થો મળી રહે તે માટે પ્રયત્નશીલ : પ્રકાશ મહેતા (પ્રબંધક, જિલ્લા ખરીદ વેંચાણ સંઘ)



ભુજ : કચ્છ જિલ્લાની મહત્તમ આજીવીકા ખેતી પર નિર્ભર હોય તેમ કહેવાય તો ખોટું નથી. હાલ ચોમાસુ પાકની સીઝન ચાલી રહી છે. કચ્છમાં ચોમાસુ વરસાદનો પ્રથમ રાઉન્ડ માફકસર રહ્યા બાદ જિલ્લામાં ખેડૂતોએ સારા વરસાદની આશાએ ખરીફ પાકનું પુષ્કળ વાવેતર કર્યું હતું. ગત સપ્તાહે ડીપ્રેશનની અસર તળે કચ્છમાં મેઘરાજાએ અનરાધાર હેત પણ વરસાવ્યું છે. સતત છ દિવસ સુધી અવિરત વરસાદ બાદ ગઈકાલથી મેઘરાજાએ વિરામ લેતા અને વરાપ નિકળતાની સાથે જ ખેડૂતો અન્ય કામો પડતા મુકી ખાતર મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે. હાલે ખેતરમાં ઉભેલા પાકને પોષણ માટે ખાતરની ખાસ જરૂરીયાત રહે છે ત્યારે ખેડૂતો પોતાના અન્ય કામો પડતા મુકી ખાતર મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે. મંડળીઓમાં હાલે ડીએપી અને યુરીયા ખાતરના જથ્થામાં ભારે તંગી સર્જાયેલી હોવાથી ખાતર માટે ખેડૂતોને દરબદર ભટકવાની નોબત આવી છે. ખાતરના અભાવે ખેતરમાં ઉભેલા પાકને નુકશાન થવાની ભીતિ ધરતીપુત્રોને સતાવી રહી છે.
આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં સહકારી ક્ષેત્રનું માળખું ખુબ જ મજબૂત છે. જેના કારણે ખેડૂતો ખાતર, દવા, બિયારણ સહિતની વસ્તુ સરળતાથી મળી રહે છે. હાલમાં ખેડૂતોને ખરીફ પાક અને રામમોલ જેવા કે, એરંડા, કપાસ, મગફળી ઉપરાંત મગ, મઠ, ગોવાર અને તલના પાક માટે ખાતરની ખાસ જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે મંડળીઓમાં ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો ખાલી હાથે પરત ફરી રહ્યાં છે. ખાતરના અભાવની સીધી અસર પાક પર થવાની શક્યતા છે. સમયસર ખાતર ન મળવાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. જિલ્લામાં ખરીફની વાવણી બાદ હાલ વરસાદ સમયસર આવી જતા પાકની વૃદ્ધીનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે પાયાના ખાતર તરીકે ઓળખાતા યુરીયા, ડીએપીેની અછત ઉભી થતાં ખેડૂતોની રઝળપાટ વધી ગઈ છે. કેટલાક વિસ્તારોમાં તો પાંચ થેલીની માગણી સામે માંડ માંડ ખેડૂતોને માત્ર એકથી બે થેલી ખાતર મળતું હોવાની બૂમ ઉઠી છે. જિલ્લામાં ખાતરની માગની તુલનાએ પુરવઠો ઓછો આવી રહ્યો હોઈ આ સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. 
આ બાબતે કચ્છ જિલ્લા ખરીદ - વેંચાણ સંઘના પ્રબંધક પ્રકાશભાઈ મહેતાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં હાલે યુરીયા - ડીએપીની માંગ વધી છે. છેલ્લા બે દિવસથી વરાપ નિકળતા ખેડૂતો રાસાયણીક ખાતરની ખરીદી માટે નિકળ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજયને જિલ્લાવાર ડીએપી - યુરીયાની ફાળવણી કરવામાં આવે છે. હાલે કચ્છ જિલ્લામાં ખેડૂતોની માંગની સરખામણીએ પુરતો જથ્થો ઉપલબ્ધ નથી. ભારે વરસાદના કારણે રોડ - રસ્તાઓ દિવસો સુધી બંધ રહેતા તેની અસર પણ ગુજકોમાસોલના સ્ટોકમાં દેખાઈ રહી છે. ગુજકોમાસોલ અને જિલ્લાના સહકારી આગેવાનો, સહકારી મંડળીઓ ખેડૂતોને જરૂરીયાતના સમયે પુરતો જથ્થો મળી રહે તે માટે પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં સચરાચર વરસાદના પગલે જળાશયો અને ડેમોમાં વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહાયેલો હોઈ પાકને સિંચાઈ સુવિધા મળી રહે તેવા સંજોગો હોતા સારા પ્રમાણમાં વાવણી થઈ છે અને બાકી રહેલા વિસ્તારોમાં હજુ પણ વાવેતર ચાલુ છે. પરંતુ પાકની વૃદ્ધિ અને પોષણ માટે જરૂરી એવા યુરીયા અને ડીએપી ખાતરની ખરા ટાંકણે અછતથી પાકને માર પડી રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM