Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ૩૦૮ ગામો હજુ વીજ પુરવઠાથી વંચિત

31 August




પીજીવીસીએલની ૧૧પ ટીમો યુદ્ધના ધોરણે સમારકામ માટે કાર્યરત કરાઈ : આજે સાંજ સુધી તમામ કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક : બી.સી. રાઠોડ (મુખ્ય કા.ઈજનેર)



ભુજ : બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડીપ્રેશનની અસર તળે ફુંકાયેલા ભેજ પવન અને ભારે વરસાદથી કચ્છ જિલ્લામાં વીજ માળખાને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ભારે પવનના પગલે અનેક વીજપોલ અને અનેક સ્થળો પર વીજ વાયરો ક્ષતિગ્રસ્ત થતા જિલ્લાના અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ છવાયો છે.
ગત ગુરૂવારે સાંજથી કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ઝડપમાં વધારા સાથે વરસાદ થયો હતો. ખાસ કરીને કાંઠાળ અને પશ્ચિમ વિસ્તારમાં વીજ માળખાને વ્યાપક નુકશાન થયું હતું. પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થાય તે માટે યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું છે. ગઈકાલથી ડીપ્રેશનની અસર ઓસરતા વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી વેગવાન કરવામાં આવી છે. 
પીજીવીસીએલના મુખ્ય કાર્યપાલક ઈજનેર બી. સી. રાઠોડે વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે સવારની સ્થિતિએ કચ્છમાં હજુ ૩૦૮ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી બાકી છે. ગઈકાલે પીજીવીસીએલની ૮૦ ટીમો કાર્યરત હતી. જિલ્લા બહારથી વધારાની ટીમો બોલાવી કામગીરીને વેગવાન કરવામાં આવી છે. આજે કચ્છના વિવિધ વિસ્તારોમાં ઉત્તર ગુજરાત, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલીની જિલ્લા બહારની પ૦થી વધુ ટીમો સહિત ૧૧પ ટીમો દ્વારા સમારકામ ચાલી રહ્યું છે. આજે સાંજ સુધી જિલ્લાના તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થઈ જશે તેવું તેમણે જણાવ્યું હતું. ભુજના વડઝર ગામે જળભરાવના કારણે કામગીરીમાં બાધા ઉત્પન્ન થઈ છે. જિલ્લાના તમામ શહેરો અને સરકારી દવાખાના, હોસ્પિટલ, પાણી પુરવઠાના જોડાણને પ્રાથમિકતા આપી સમારકામ પૂર્ણ કરાયું છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. જિલ્લા મથક ભુજમાં એક જ દિવસમાં વીજ ફોલ્ટની ૪૦૦ ફરિયાદ નોંધાઈ હતી. પીજીવીસીએલની ટીમો દ્વારા લોકોને વિના વિક્ષેપ વીજ પુરવઠો મળતો રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
 

Comments

COMMENT / REPLY FROM