ભુજના મુન્દ્રા રોડ પર નગરસેવકના વાડામાં ટોળાનોે હિંચકારો હુમલો, પાંચ વાહનોમાં તોડફોડ
સ્કેર્પિયો અને બોલેરોમાં આવેલા શખ્સોએ વાડાની બહાર ફાયરિંગ કર્યું
લાયન્સ નગરમાં મકાન ખાલી કરાવવાની બે વર્ષ જુની અદાવતે હુમલો કરાયાની આશંકા : બપોરે ફોન કરી મારી નાખવાની ધમકી અપાઈ બાદમાં નગર સેવક ધર્મેશ ગોર બી-ડિવિઝનમાં ફરિયાદ લખાવવા ગયા ત્યારે ૯ શખ્સોએ ધોકા, ધારિયા, પાઈપ વડે તોડફોડ કરી આંતક મચાવ્યો : સરાજાહેર ગુંડાગર્દીના કારણે નગર સેવકના પરિવારને જીવનું જોખમની નોંધાવી ફરિયાદ
ભુજ : શહેરના વોર્ડ નં.૧૧ ના નગર સેવક ધર્મેશ ગોરની મુન્દ્રા રોડ, યુનિવર્સિટી નજીક સિલ્વર સિટી સોસાયટીમાં આવેલ ઓફિસ અને વાડામાં ગઈકાલે રાત્રે ટોળાએ ઘૂસી આવી ફાયરિંગ કરી ત્રણ ફોરવ્હીલર અને બે મોપેડ તેમજ ઓફિસમાં તોડફોડ કરવા સાથે આંતક મચાવતા ૯ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેને આ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. બી-ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ભુજના વોર્ડ નં.૧૧ના નગર સેવક ધર્મેશભાઈ સુભાષભાઈ રાજગોરે બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, ૩૦ ઓગસ્ટના મુન્દ્રા રોડ પાસે આવેલ ફાટેલ તળાવની પાળ તુટી જતા નગરપાલિકા દ્વારા હીટાચી મશીનથી સમારકામ ચાલુ હતું જેથી ત્યાં જોવા માટે ગયો હતો. બાદમાં સિલ્વર સિટીના ગેટ પાસે ચા પીવા ગયા ત્યારે થોડીવાર રહીને ઈકો ગાડી જેમાં જયવીરસિંહ દેવુભા જાડેજા અને બે અજાણ્યા વ્યક્તિ આવ્યા અને ખાલી સાઈડમાં બેઠેલા જયવીરસિંહે આંખો કાઢીને જોતા ફરિયાદીએ મારી સામે કેમ જુએ છે તેમ કહી ગાળો આપતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આસપાસ ઊભેલા લોકોએ છોડાવ્યા હતા. જયવીરસિંહ લોખંડનો પાઈપ મારવા આવ્યો ત્યાં તેના કાકા આવી જતા છોડાવી ગયા હતા. આરોપી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ગયો હતો. જે બાદ ફરિયાદી સિલ્વર સિટીમાં આવેલી પોતાની ઓફિસે ગયા થોડીવાર રહીને જયવીરસિંહના કાકા મેરૂભા આવ્યા અને મારો ભત્રીજો મારા કહ્યામાં નથી અને ભત્રીજા વતી માફી માંગી હતી. જે ફરિયાદી પોતાના ઘરે ઘનશ્યામનગરમાં ગયા બાદમાં જયવીરસિંહના ભાઈ મયૂરસિંહનો ફોન આવ્યો કે, તું બચીને રહેજે અમે પાંચ ભાઈ છીએ. એક મરી જશે તો ફરક નહીં પડે. તારા છોકરા નાના છે તેવી ધમકી આપી હતી. જેથી ફરિયાદી પોલીસ સ્ટેશને ગયો ત્યારે રાતના ૧૧ વાગ્યાના અરસામાં જાણ થઈ કે, અમુક ઈસમોએ ઓફિસ પર આવી તોડફોડ કરી છે અને ફાયરિગ કરેલ છે. તેમ જણાવતા ફરિયાદી તેના બનેવી અને ભાણેજ સાથે ઓફિસે ગયા ત્યારે બહાર પડેલ યામાહા ફસીનો, એક્ટિવા સહિતના વાહનોમાં તોડફોડ કરાઈ હતી. તેમજ અંદર રહેલી ફોરવ્હીલર ટીએના, આઈ૧૦, ઓડીમાં તોડફોડ કરવામાં આવી હતી. ઓફિસમાં લાઈટ જતા કેમેરા પણ તોડી નાખ્યા હતા. ફુટેજ જોતા સ્કોર્પિયો અને બોલેરોમાં આવેલ ઈસમે ઓફિસની બહાર ફાયરિંગ કર્યું હતું. વાડામાં ૯ ઈસમો આવ્યા હતા, જેમાં જયવીરસિંહના હાથમાં લોખંડનો ધારિયું હતું. જ્યારે કિરણસિંહના હાથમાં તલવાર હતી, કુલદીપસિંહ બાલુભા જાડેજાના હાથમાં લાકડાનો ધોકો હતો, દિગ્વિજયસિંહ મેરૂભા જાડેજાના હાથમાં લાકડાનો ધોકો હતો, ગઢવીના હાથમાં લોખંડની પાઈપ હતી, તેમજ બે અજાણ્યા ઈસમોના હાથમાં લોખંડનો ધારિયું હતું અને અન્ય બે અજાણ્યા ઈસમના હાથમાં લાકડા ધોકા હતા. તમામ ઈસમો મારવા માટે આવ્યા હતા. પરંતુ ફરિયાદી ઓફિસે ન હોતા તોડફોડ કરી ભાગી ગયા હતા. જેથી પરિવારે જીવનો જોખમ છે. બનાવનું કારણ એ છે કે, બે વર્ષ અગાઉ મયૂરસિંહ અને જયવીરસિંહ ગેરકાયદે રીતે લાયન્સ નગરમાં મકાનનો કબજો લેવા ગયા હતા ત્યારે સમજાવ્યા હતા. જે બાબતનું મનદુઃખ રાખી આ બે ભાઈઓએ ઝઘડો કર્યો હતા અને હિરેન ગોરને માર માર્યો હતો ત્યારે ફરિયાદ નોંધાવાઈ હતી. જેથી તે વાતની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હતો. ભુજ બી-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Comments